Covid-19: વધુ એક મુસીબત આવી સામે, મહારાષ્ટ્ર અને કેરળમાં મળ્યા બે નવા વેરિઅન્ટ
નવી દિલ્લીઃ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના મહામારી આખા દેશમાં ફેલાઈ અને માર્ચમાં સરકારે દેશવ્યાપી લૉકડાઉનનુ એલાન કરવુ પડ્યુ. ત્યારબાદ બધાએ આખુ વર્ષ પ્રતિબંધો સાથે પસાર કર્યુ. નવુ વર્ષ નવી આશાઓ લઈને આવ્યુ. એક તરફ ભારતમાં બે કોરોના વેક્સીનને મંજૂરી મળી ગઈ પરંતુ કોરોનાના નવા વેરિઅન્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ નવો વેરીઅન્ટ પહેલાથી વધુ ખતરનાક છે અને ઝડપથી ફેલાય છે. હવે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરસના બે અન્ય નવા વેરિઅન્ટ વિશે જાણવા મળ્યુ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યુ કે મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરસના બે નવા વેરીઅન્ટ વિશે જાણવા મળ્યુ છે. જો કે હજુ સુધી એ વાતના પુરાવા નથી મળ્યા કે બંને રાજ્યોમાં વધતા કેસોના કારણે આ બંને વેરીઅન્ટ જ છે. વર્તમાન સમયમાં કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના કેસ દેશના કુલ સક્રિય કેસના 75 ટકા છે. અત્યારે જે વેરીઅન્ટ મળ્યા છે તેની ઓળખ N440K અને E484K તરીકે કરવામાં આવી છે. આ બે વેરીઅન્ટનો એક કેસ તેલંગાનામાં પણ મળ્યો છે. જેના કારણે આરોગ્ય મંત્રાલયની ટીમ ત્યાં પણ તપાસ કરી રહી છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ N440K અને E484K ઉપરાંત ભારતમાં યુકે, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકન વેરીઅન્ટના કેસ પણ મળી ચૂક્યા છે. દિલ્લીમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં નીતિ પંચના સભ્ય વીકે પૉલે જણાવ્યુ કે અત્યાર સુધી દેશમાં 187 લોકોમાં યુકે સ્ટ્રેનની ઓળખ થઈ છે. આ ઉપરાંત 6 લોકો સાઉથ આફ્રિકન વેરીઅન્ટથી પીડિત છે. વળી, દેશમાં એક કેસ બ્રાઝિલ વેરીઅન્ટનો પણ આવી ચૂક્યો છે.
વીકે પૉલે આગળ કહ્યુ કે વાયરસનુ મ્યુટેશન સામાન્ય પ્રક્રિયા છે. બે નવા સ્ટ્રેન મળ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમો આના પર વિસ્તારથી માહિતી ભેગી કરી રહી છે. આ ઉપરાંત તેમણે 3500થી વધુ સેમ્પલ જોયા છે. તેમના જણાવ્યા મુજબ ભારતની જનસંખ્યાનો એક મોટો ભાગ હજુ પણ સુરક્ષિત છે. એવામાં બધાએ કોરોના પ્રોટોકૉલનુ કડકાઈથી પાલન કરવુ જોઈએ. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગ પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ.
Toolkit case: દિશા રવિને મળ્યા જામીન, કોર્ટે કરી ટિપ્પણી