Coronavirus Update: કોરોનાના છેલ્લા 24 કલાકમાં 2841 નવા કેસ, સક્રિય કેસોની સંખ્યા 18 હજારને પાર
નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી રોજના 3000 આસપાસ કેસ આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શુક્રવાર(13 મે)ના રોજ જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 2841 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ આજે સક્રિય કેસ ઘટીને 18,604 થઈ ગયા છે.

દેશમાં કોરોના રિકવરી રેટ 98.74 ટકા
દેશમાં 24 કલાકના સમયમાં સક્રિય કેસમાં 463 કેસોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યુ કે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.05 ટકા શામેલ છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.74 ટકા હતો. મંત્રાલય મુજબ દૈનિક પૉઝિટિવીટી રેટ 0.95 ટકા અને સાપ્તાહિક દર 0.82 ટકા નોંધવામાં આવ્યો છે.

ભારતમાં અત્યાર સુધી કોરોનાથી થયા 5.24 લાખ મોત
ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 5 લાખ 24 હજાર 190 થઈ ગયો છે. દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા અત્યાર સુધીમાં 4,31,16,254 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના રિકવરીની કુલ સંખ્યા 4,25,73,460 છે.

મુંબઈમાં વધ્યા કોરોના કેસ
મુંબઈમાં કોરોના વાયરસના 139 નવા કેસ નોંધાયા છે. જે 23 ફેબ્રુઆરી પછીનો સૌથી વધુ દૈનિક આંકડો છે. જો કે, આ સમયગાળા દરમિયાન મુંબઈમાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયુ નથી. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ એક બુલેટિનમાં જણાવ્યુ હતુ કે શહેરની કુલ COVID-19ની સંખ્યા વધીને 10,61,177 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 19,563 પર યથાવત છે.