રોજ એવન્યૂ કોર્ટે ડીકે શિવકુમારની ઈડી રિમાન્ડ 17 સપ્ટેમ્બર સુધી વધાર્યા
નવી દિલ્હીઃ કર્ણાટકથી કોંગ્રેસ ધારાસભ્ય ડીકે શિવકુમારની ઈડી રિમાન્ડ દિલ્હીના રોજ એવન્યૂ કોર્ટે 17 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. શુક્રવારે ઈડીએ શિવકુમારને કોર્ટમાં રજૂ કર્યા, જયાં ઈડીએ તેમની રિમાન્ડ પાંચ દિવસ વધારવાની માંગ કરી. અદાલતે આ માંગ સ્વીકારી લીધી. ઈડીએ અદાલતમાં દલીલ આપી હતી કે હજુ શિવકુમારની ઘણી પૂછપરછ કરવાની છે. અને અત્યાર સુધીની પૂછપરછમાં શિવકુમારનું વલણ સારું નથી રહ્યું અને તેઓ જવાબ આપવામાં ઘણો સમય લઈ રહ્યા છે. મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલ શિવકુમાર ગત 9 દિવસથી ઈડીની કસ્ટડીમાં છે.
કર્ણાટક સરકારમાં મંત્રી રહી ચૂકેલ ડીકે શિવકુમારની ઈડીએ 3 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. જે બાદ ઈડીને અદાલતથી તેમના રિમાન્ડ મળી ગયા હતા. ઈડીની 9 દિવસની કસ્ટડી શુક્રવારે પૂરી થયા બાદ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા.
57 વર્ષના ડીકે શિવકુમાર પર મની લોન્ડ્રિંગ કાનૂન અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ડીકે શિવકુમાર પર આવકવેરા વિભાગે ટેક્સ ચોરી અને કથિત કરોડોના હવાલાની લેણદેણનો આરોપ લગાવ્યો છે. આવકવેરા વિભાગે 2017માં ડીકે શિવકુમારના નવી દિલ્હીના ઠેકાણા પર 8.83 કરોડ રૂપિયા જપ્ત કર્યા હોવાનો દાવો કર્યો હતો. જે બાદ પાછલા વર્ષે ઇડીએ શિવકુમાર વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમની ધરપકડ થઈ છે.
ઈડીએ ગુરુવારે કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની દીકરી ઐશ્વાર્યાની પણ મની લોન્ડ્રિંગ મામલે તપાસના સિલસિલામાં 7 કલાકની મેરેથોન પૂછપરછ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઐશ્વર્યાની પૂછપરછ કરવામાં આવી અને મની લોન્ડ્રિંગ પ્રિવેન્શન એક્ટ અંતર્ગત તેમનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે. ઐશ્વર્યા માત્ર 22 વર્ષની છે.
આજે વિશ્વના 100થી વધુ દેશોમાં સપ્લાય થાય છે ભારતના બુલેટ પ્રૂફ જેકેટ