
દેશમાં વધી રહ્યા છે કોરોના દર્દી, 24 કલાકમાં 15940 નવા કેસ, સક્રિય દર્દીઓની સંખ્યા થઈ 91779
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધવા લાગ્યો છે. ગયા અઠવાડિયાથી સંક્રમણના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15940 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 100 દિવસમાં સૌથી વધુ છે. ગઈકાલે 20 કોરોના દર્દીઓના મોત થયા હતા. વળી, સક્રિય દર્દીઓ વધીને 91779 થઈ ગયા છે. દૈનિક કોવિડ પોઝીટીવીટી રેટ 4.32% પર પહોંચી ગયો છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના પાંચ રાજ્યોમાં કોવિડ પોઝીટીવીટી રેટ 8%થી વધુ છે. વળી, કોરોનાના કુલ કેસ અત્યાર સુધીમાં 4,33,78,234 પર પહોંચી ગયા છે. જેમાંથી 4,27,61,481 રિકવર થયા છે. આ સિવાય સત્તાવાર આંકડામાં 5,24,974 લોકોએ જીવ ગુમાવ્યા છે. આજના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે લોકોને મહામારીથી બચાવવા માટે અત્યાર સુધીમાં રસીના 1,96,94,40,932 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 15,73,341 એક જ દિવસે આપવામાં આવ્યા હતા.
કોરોના ટેસ્ટની વાત કરીએ તો આ આંકડો પણ વધીને 86,02,58,139 થઈ ગયો છે. ગઈકાલે દેશભરમાં 3,63,103 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 15940 લોકો કોરોના પોઝિટિવ હોવાનુ જાણવા મળ્યુ છે. તેના એક દિવસ પહેલા ગુરુવારે 17,336 નવા કેસ મળી આવ્યા હતા અને 13 લોકોના મોત થયા હતા. મંત્રાલયે કહ્યુ કે દેશમાં સક્રિય કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધીને 90થી વધુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 12,357 દર્દીઓ સાજા થયા છે.