
Cyclone Gulab: પહેલા કરતા નબળુ પડ્યુ 'ગુલાબ', આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ, બિહાર-મુંબઈમાં જાહેર થયુ એલર્ટ
નવી દિલ્લીઃ ચક્રવાતી વાવાઝોડુ 'ગુલાબ' રવિવારે મોડી રાતે ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના તટ પર દસ્તક આપી દીધી ત્યારબાદ તે નબળુ પડી ગયુ છે. તે હાલમાં આંધ્ર પ્રદેશમાં કલિંગપટનમ અને ઓરિસ્સામાં ગોપાલપુર પાસે સ્થિત છે જેના કારણે આંધ્ર પ્રદેશના ઘણા વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના ઘણા ભાગોમાં ચક્રવાત ગુલાબના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘણા રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને વિજળીના થાંભલા પડી ગયા છે. જિલ્લાના મોટાભાગના સ્થળોએ વિજળી ડૂલ થઈ ગઈ છે.

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ
એનડીઆરએફની ટીમ રાજ્યની સ્થિતિ થાળે પાડવા માટે લાગી ગઈ છે. સુશાંત કુમારે બેહરા, ટીમ કમાન્ડન્ટ, એનડીઆરએફે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે વાવાઝોડાના કારણે દસ મોટા વૃક્ષો પડી ગયા હતા અને રસ્તાનો જામ કરી દીધો હતો. વિજળીના અમુક થાંભલા પણ પડી ગયા હતા, જેસીબીની મદદથી તેને સાફ કરી દેવામાં આવ્યા છે. એક કલાકની અંદર સંચાર ચાલુ કરી દેવામાં આવ્યો. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, હૈદરાબાદના પ્રમુખ ડૉ. નાગરત્નાએ કહ્યુ છે કે આવતા 24 કલાકની અંદર તેલંગાનાના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના અણસાર છે. આ દરમિયાન તેલંગાનામાં 3-40 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે અને આના કારણે લોકોને અપીલ કરવામાં આવી છે કે તે જરૂરિયાત વિના ઘરમાંથી બહાર ન નીકળે.

ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના અણસાર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ હાલમાં દક્ષિણ ઓરિસ્સા અને તેની પાસેના ઉત્તર આંધ્ર પ્રદેશ પાસે છે. જો કે તે પહેલેથી નબળુ પડી ગયુ છે અને આવતા 6 કલાકની અંદર તે વધુ નબળુ પડી જશે પરંતુ તેના કારણે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના અણસાર છે. આઈએમડી મુજબ આવતા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના અણસાર છે અને માટે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે.

વાવાઝોડુ ગુલાબ હવે પહેલા કરતા ઘણુ નબળુ પડી ગયુ છે
હવામાનની માહિતી આપતી ખાનગી કંપની સ્કાઈમેટે જણાવ્યુ કે વાવાઝોડુ ગુલાબ હવે પહેલા કરતા ઘણુ નબળુ પડી ગયુ છે અને હાલમાં તેલંગાનાની ઉત્તર દિશા તરફ સ્થિત છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યુ છે. જેના કારણે આવતા 24 કલાકમાં મરાઠવાડા સહિત મુંબઈમાં ભારે વરસાદના અણસાર છે અને તેની અસર બિહાર, પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી શકે છે.