
ચક્રવાત શાહીન હવે શક્તિશાળી તોફાનમાં ફેરવાશે, ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી!
નવી દિલ્હી, 01 ઓક્ટોબર : ભારતીય હવામાન વિભાગે ચક્રવાતી તોફાન 'શાહીન' અંગે તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે 'શાહીન' પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ચાબહાર બંદર (ઈરાન) થી 450 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં કેન્દ્રિત હતું. તે આગામી કલાકો દરમિયાન તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાવાની શક્યતા છે, જેને લઈને ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદ આગાહી
વાવાઝોડાની શક્યતાને જોતા ગુજરાત સરકાર આ સમયે સંપૂર્ણ રીતે એલર્ટ છે. સરકારે ટોચના અધિકારીઓ અને NDRF ની ટીમ સાથે બેઠક યોજી છે અને તોફાનને જોતા દરેકને સૂચના આપી છે, જ્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

'શાહીન' તોફાન પાકિસ્તાન તરફ આગળ વધશે
હવામાન વિભાગનું કહેવું છે કે, તોફાન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 60-150 કિમી પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, આણંદ અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તમને જણાવી દઈએ કે વાવાઝોડું 'શાહીન' પાકિસ્તાન તરફ આગળ વધશે, તેથી ગુજરાત, રાજસ્થાનમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. આ વખતે આ તોફાનનું નામ કતરે આપ્યુ છે.

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે અને 3 ઓક્ટોબર સુધી દરિયામાં તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.

ભારે વરસાદની સંભાવના
IMD ના લેટેસ્ટ ટ્વિટ મુજબ, આગામી 2 કલાક દરમિયાન રેવાડી, નુહ (હરિયાણા) ચંદૌસી, બહજોઇ (UP) ખેરથલ, કોટપુટલી (રાજસ્થાન) માં વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ તમિલનાડુમાં આજે અને કાલે ભારે વરસાદની સંભાવના છે.

અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ
01 થી 05 ઓક્ટોબર દરમિયાન કેરળ, લક્ષદ્વીપ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 03 ઓક્ટોબર સુધી અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને ઉત્તર છત્તીસગઢમાં 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.