ડેરિંગ હૈ બોસ…ચાલુ ટ્રકમાંથી મિરાજ-2000 વિમાનના ટાયરની ચોરી!
લખનૌ : ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે લખનૌથી લશ્કરી સાધનોના કન્સાઈનમેન્ટ લઈ જતી ટ્રકમાંથી મિરાજ-2000 ફાઈટર જેટનું ટાયર ચોરાઈ ગયા બાદ અજાણ્યા બદમાશો સામે કેસ નોંધ્યો હતો. બક્ષી કા તાલાબ એરબેઝથી લશ્કરી સામાન લઈને જોધપુર એરબેઝ જઈ રહેલા ટ્રકમાંથી ચોરોએ ફાઈટર જેટના ટાયરની ચોરી કરી હતી.

ટ્રાફિકની આડમાં ટાયરની ચોરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 27 નવેમ્બરે સવારે 2 વાગ્યે લખનૌમાં શહીદ પથ પાસે ટ્રક જોધપુર એરબેઝ તરફ જઈ રહી હતી ત્યારે ચોરીની ઘટના બની હતી. ટ્રક ડ્રાઈવર હેમ સિંહ રાવતે જણાવ્યું હતું કે કાળા રંગની સ્કોર્પિયોમાં સવાર બદમાશોએ ટ્રાફિક જામનો લાભ લઈને મિરાજ ફાઈટર જેટનું ટાયર ચોરી લીધું હતું. ટ્રક ચાલકે જણાવ્યું હતું કે ટ્રાફિક જામના કારણે નાના વાહનો આગળ વધી રહ્યા હતા જ્યારે મોટા વાહનો જામમાં અટવાઈ ગયા હતા. ચોરીની જાણ થતાં જ તેણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને ફોન પર જાણ કરી હતી. થોડા સમય પછી પોલીસની એક ટીમ સ્થળ પર આવી અને ખરાઈ કરી તો મિરાજ-2000 ફાઈટર જેટનું એક ટાયર ટ્રકમાંથી ચોરાઈ ગયું હતું.

ટ્રકમાં બીજા પણ ઉપકરણો હતા
મિરાજ-2000 ફાઈટર પ્લેનના ટાયર વહન કરતી ટ્રકની ગાડી એરફોર્સનો અન્ય સામાન પણ લઈને જઈ રહી હતી. તેમાં ફાઈટર જેટમાં વપરાતા ઘણા મહત્વપૂર્ણ ઉપકરણો પણ સામેલ હતા. રિપોર્ટ અનુસાર, આ ટ્રકમાં રિફ્યુઅલર વ્હીકલ, બોમ્બ ટ્રોલી, યુનિવર્સલ ટ્રોલી, એરક્રાફ્ટનું મુખ્ય ટાયર, નોઝ ટાયર, સીડી અને CO2 ટ્રોલી જેવા સાધનો પણ લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે, આ તમામ ઉપકરણો સલામત હોવાનું જાણવા મળ્યું છે. લખનૌના આશિયાના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ IPCની કલમ 379 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મિરાજ-2000 ફાઈટર એરક્રાફ્ટની વિશેષતા શું છે?
મિરાજ-2000 એ ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન કંપની દ્વારા ઉત્પાદિત અત્યાધુનિક ફાઇટર એરક્રાફ્ટ છે. આ એ જ કંપની છે જેણે રાફેલ ફાઈટર જેટ બનાવ્યું છે. મિરાજ-2000ની લંબાઈ 47 ફૂટ અને વજન 7,500 કિલો છે. તે મહત્તમ 2,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. હાલમાં, ભારતીય વાયુસેના ડબલ એન્જિનવાળા ચોથી પેઢીના મિરાજ-2000 Mk 2 મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે. ભારતે 80ના દાયકામાં પહેલીવાર તેનો ઓર્ડર આપ્યો હતો. કારગિલ યુદ્ધમાં મિગ-21ની સાથે મિરાજ-2000 એરક્રાફ્ટે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2015માં કંપનીએ અપગ્રેડેડ મિરાજ-2000 ફાઈટર એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને સોંપ્યું હતું. આ અપગ્રેડેડ એરક્રાફ્ટમાં નવી રડાર અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ ફીટ કરવામાં આવી છે, જેણે આ એરક્રાફ્ટની ફાયરપાવર અને રિકોનિસન્સ ક્ષમતામાં ઘણો વધારો કર્યો છે.

9 દેશ મિરાજ વિમાનનો ઉપયોગ કરી રહ્યાં છે
મિરાજ-2000નો ઉપયોગ માત્ર ભારત જ નહીં પરંતુ હાલમાં નવ દેશોની એરફોર્સ આ એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે. બે એન્જિનને કારણે મિરાજ-2000 ક્રેશ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. મિરાજ-2000 એરક્રાફ્ટ એકસાથે અનેક કાર્યો કરી શકે છે. તે વધુને વધુ બોમ્બ કે મિસાઈલ છોડવામાં સક્ષમ છે. સાથે જ તે દુશ્મનનો હવામાં સરળતાથી મુકાબલો કરવામાં પણ સક્ષમ છે. આ એરક્રાફ્ટ સ્કાય ટુ સ્કાય અને સ્કાય ટુ ગ્રાઉન્ડ મિસાઈલોથી સજ્જ છે. આ વિમાન લેસર ગાઈડેડ મિસાઈલ અને ન્યુક્લિયર પાવર્ડ ક્રુઝ મિસાઈલ લઈ જવા માટે પણ સક્ષમ છે.