• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દત્તાજીરાવ ગાયકવાડ : ભારતીય ક્રિકેટના એ ‘લિવિંગ લિજેન્ડ’ ક્રિકેટરની કહાણી

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

વર્ષ 1958 બરોડા (હાલનું વડોદરા)ના મોતીબાગ સ્ટેડિયમ ખાતે રણજી ટ્રૉફીની ફાઇનલ મૅચ બરોડા અને સર્વિસ ટીમ વચ્ચે રમાઈ રહી હતી.

બરોડાએ પહેલી બેટિંગ કરતાં કૅપ્ટન દત્તાજીરાવ ગાયકવાડના 132 અને વિજય હઝારેના 203 રનની મદદથી 495 રન બનાવ્યા હતા.

સર્વિસ ટીમના કૅપ્ટન ભારત માટે રમતા હેમુ અધિકારી હતા. સર્વિસ ટીમ પહેલી ઇનિંગમાં 239 રન બનાવીને ઑલઆઉટ થઈ હતી.

બીજી ઇનિંગમાં સર્વિસ માત્ર 205 રન બનાવીને આઉટ થતાં બરોડાની ટીમ એક ઇનિંગથી ફાઇનલ મૅચ જીતી રણજી ટ્રૉફીમાં ચૅમ્પિયન બની.

વડોદરા આઠ વર્ષ પછી રણજી ટ્રૉફીમાં ચૅમ્પિયન બની હતી. બરોડાના આ પ્રદર્શન બાદ ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમના કૅપ્ટન તરીકે વડોદરાના દત્તાજીરાવ ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી.

દત્તાજી કહે છે, "મને ક્યારેય વિચાર નહોતો આવ્યો કે હું કૅપ્ટન બનીશ. હું ખાલી ગેમ રમવા માગતો હતો, આનંદ કરવો હતો અને રન બનાવવા હતા અને ખુશ રહેવું હતું."


'એક દિવસ મૅચ રમવાના 50 રૂપિયા મળતા'

92 વર્ષના દત્તાજીરાવ ગાયકવાડ ભારતના સૌથી મોટી ઉંમરના જીવિત પૂર્વ ટેસ્ટ ક્રિકેટર માનવામાં આવે છે.

27 ઑક્ટોબરે તેમના જન્મદિવસે ભારતીય ટપાલ વિભાગે તેમના નામનું પોસ્ટલ કવર જાહેર કરીને ઉજવણી કરી.

1951થી 1961ની વચ્ચે ભારત તરફથી 11 ટેસ્ટ મૅચ તેઓ રમ્યા હતા, જેમાં તેમણે 11 મૅચમાં 350 રન બનાવ્યા હતા.

દત્તાજીરાવ ગાયકવાડનું સૌથી સારું પ્રદર્શન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રહ્યું હતું. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 110 મૅચમાં 5788 રન બનાવ્યા હતા.

દત્તાજીએ 17 સદી નોંધાવી હતી, જેમાંથી 3 બેવડી સદી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં સૌથી વધારે 249 રન (નોટઆઉટ) બનાવ્યા હતા અને 110 મૅચમાં 25 વિકેટ લીધી હતી.

દત્તાજી ગાયકવાડને 1957માં 'બેસ્ટ હિંદુ ક્રિકેટર'નો ઍવૉર્ડ આપવામાં આવ્યા હતો. આ ઉપરાંત તેમને બેસ્ટ બૅટ્સમૅનનો પણ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેઓ 92 વર્ષની ઉંમરે પણ કાંઈ ભૂલ્યા નથી.

પોતાના એ દિવસોની વાત કરતા તેઓ કહે છે, "એ દિવસોમાં અમને એક દિવસ મૅચ રમવાના 50 રૂપિયા મળતા હતા એટલે તમે પાંચ દિવસ ટેસ્ટ મૅચ રમો તો તમને માત્ર 250 રૂપિયા મળે."

"કોઈ મોટી કંપનીઓ ન હતી. અમુક ટુર્નામેન્ટ રમવાના પૈસા પણ ન મળે. ખાલી આનંદ માટે રમતા હતા."

1952ના ઇંગ્લૅન્ડના પ્રવાસને યાદ કરી દત્તાજી ગાયકવાડ કહે છે, "અમે અહીંથી માલ-સામાનની હેરાફેરી કરતાં વિમાનમાં ઇંગ્લૅન્ડમાં ગયા હતા. જ્યારે પરત જહાજમાં આવ્યા હતા ત્યારે 15 દિવસ લાગ્યા હતા."


વડોદરાના લક્ષ્મી વિલાસ પૅલેસમાં રહી મોટા થયા

દત્તાજીરાવ ગાયકવાડનો જન્મ વર્ષ 1928ની 27 ઑક્ટોબરે વડોદરામાં થયો હતો.

11 વર્ષના થયા ત્યારથી તેમણે વડોદરાના લક્ષ્મી વિલાસ પૅલેસમાં રહેવાનું શરૂ કર્યું હતું. 12 વર્ષ પછી 23 વર્ષે તેમણે લગ્ન કર્યાં ત્યારે તેમણે પૅલેસ છોડ્યો.

તે સમયના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે સ્પૉર્ટ્સનાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરાના લક્ષ્મી વિલાસ પૅલેસમાં બનાવ્યાં હતાં.

દત્તાજી ગાયકવાડ કહે છે, "સ્પૉર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ, બૅડમિન્ટન કોર્ટ, ક્રિકેટ ગ્રાઉન્ડ વગેરે મહેલમાં બનાવ્યાં હતાં. હું તમામ રમત રમતો હતો, મને હૉકી, બેડમિન્ટન પણ આવડે છે."

દત્તાજી કહે છે, "અમે સવારે સાડા પાંચ વાગ્યે ઊઠીને ઘોડેસવારી કરતા પછી સાડા સાતે સ્વિમિંગ અને બીજી કસરત માટે જતા હતા. અમે લોકો 11.30 વાગ્યે એમ.સી. સ્કૂલમાં ભણવા જતાં, ત્યાં ભણીને 3.30 વાગ્યે આવીને અમે મોતીબાગ સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરવા માટે જતાં."


સી.એસ. નાયડુએ ગૂગલી શીખવી

ડી.કે. ગાયકવાડ કહે છે, "મોતીબાગ સ્ટેડિયમમાં અમારા કોચ સી.એસ. નાયડુ હતા. સી.કે. નાયડુના ભાઈ સી.એસ. નાયડુ તે સમયે સર્વિસ માટે વડોદરા આવ્યા હતા અને સર્વિસની ટીમમાંથી રમતા હતા જેમણે મને કોચિંગ આપેલું."

"હું ગૂગલી સ્પિન, લેગ સ્પિન બૉલિંગ તેમની પાસેથી શીખ્યો હતો અને તેના માટે હું તેમની કૉપી પણ કરતો હતો. તે સમયે અમારી ફતેસિંહ યુવરાજ ટીમ પણ હતી."

"સી.એસ. નાયડુએ સી.એસ. નાયડુ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ શરૂ કરી. જે પાછળથી મહારાણી શાંતાદેવી ટ્રૉફી તરીકે ઓળખાઈ. મેં અનેક મૅચમાં સદીઓ નોંધાવી હતી."

તેઓ વધુમાં કહે છે, "1942માં વિજય હજારે વડોદરા આવ્યા હતા. તેમણે મને સારું એવું કોચિંગ આપ્યું અને હું સારો ઑલરાઉન્ડર બની ગયો."

તે સમયે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ન હોવાના કારણે બૉમ્બે યુનિવર્સિટીમાંથી પોલી ઉમીરગર અને જી. રામચંદ જેવા ખેલાડીઓની સાથે રમ્યા હતા.

મહારાજા સયાજીરાવ (એમ.એસ.) યુનિવર્સિટીની સ્થપાના થઈ ત્યારથી રમવાનું શરૂ કર્યું અને યુનિવર્સિટીની ટીમના પહેલા કૅપ્ટન બન્યા હતા.

બૉમ્બે યુનિવર્સિટીએ એમ.એસ. યુનિવર્સિટીની સામે 600 રન બનાવ્યા હતા. એમ.એસ. યુનિવર્સિટી માત્ર 250 રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. જેમાં 203 રન દત્તાજીએ બનાવ્યા હતા.

દત્તાજી કહે છે, "મારા લગ્ન નહોતાં થયાં ત્યાં સુધી લક્ષ્મી વિલાસ પૅલેસમાં રહ્યો. લગ્ન થયાં પછી મેં પૅલેસ છોડ્યો."


રણજી ટ્રૉફીમાં પસંદગી માટે સંઘર્ષ કરવો પડ્યો

રણજી ટ્રૉફી માટે બરોડાની ટીમમાં તેમની પસંદગી 1948માં કરવામાં આવી હતી. 1948થી શરૂ કરીને 1963 એમ 16 વર્ષ સુધી બરોડા તરફથી રણજી ટ્રૉફી રમ્યા.

દત્તાજીરાવ ગાયકવાડે એમનો એક નાનો બાયૉડેટા તૈયાર કર્યો છે, જેમાં તેઓએ લખ્યું છે, "વડોદરાની રણજી ટીમના આઠ ખેલાડીઓ ભારતીય ટીમમાં રમતા હતા, જેના કારણે મારે રણજી ટીમ અને ભારતીય ટીમમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની ગયો હતો."

રણજી ટ્રૉફીમાં બરોડા તરફથી રમતાં તેમણે પહેલી સદી બૉમ્બે સામે 1949માં નોધાવી હતી. ડી.કે. ગાયકવાડે તે મૅચમાં 108 કર્યા હતા. પછી ગુજરાત સામેની ત્રીજી મૅચમાં પહેલી ઇનિંગમાં 128 અને બીજી ઇનિંગમાં 101 રન બનાવ્યા હતા.

રણજી ટ્રૉફીમાં તેમણે 17 સદી નોંધાવી હતી અને જેમાંથી ત્રણ બેવડી સદીનો સમાવેશ થાય છે.

વડોદરા શહેર માટે તેમને વિશેષ પ્રેમ છે. તેઓ કહે છે, "હું ક્રિકેટ રમતો થયો ત્યારથી વડોદરા તરફથી રમું છું. હું બીજા કોઈ રાજ્યમાંથી રમ્યો નથી. વડોદરા મારું જીવન છે."


બે દિવસથી બેટિંગ માટે રાહ જોતા દીપક પહેલા બોલે આઉટ

દત્તાજીએ પોતાની કરિયરની યાદગાર ક્ષણને પોતાના બાયૉડેટામાં ટાંકી છે, "પૂણેના નહેરુ સ્ટેડિયમ ખાતે મહારાષ્ટ્ર અને બરોડા વચ્ચે મૅચ ચાલી રહી હતી. મહારાષ્ટ્રે પહેલી બૅટિંગમાં 400 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બૅટિંગ કરતાં બરોડાએ જલદી પહેલી બે વિકેટ ગુમાવી હતી."

"ત્યારબાદ બૅટિંગમાં આવેલા દત્તાજીએ 249 અને ચંદુ બોરડેએ 140 રન બનાવ્યા હતા. તેમના પછી બૅટિંગ કરવા આવનાર દીપક સોધન બે દિવસથી પૅડ પહેરીને રાહ જોઈને બેસેલા હતા."

"ટીમમાં મજાકના મૂડમાં રહેતાં કિશન ચંદે સોધનને કહ્યું કે જો તે બૅટિંગ કરવા જાય અને પહેલા બૉલે જ આઉટ થઈને પાછા આવે તો. દીપક સોધન કહે મેં બે દિવસ સુધી રાહ જોઈ છે હવે હું રાહ જોઈ શકું તેમ નથી."

"દીપક સોધનની બૅટિંગ આવે છે અને બધા અચંબિત થઈ જાય છે, કારણ કે તે પહેલા બૉલે આઉટ થઈને પાછા ફરે છે."


ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી

ઇંગ્લૅન્ડની ટીમ 1951માં ભારત આવી હતી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં દત્તાજી ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે તેમને તક આપવામાં આવી ન હતી.

દત્તાજી ગાયકવાડે સૌથી પહેલું ડેબ્યૂ 1952માં ઇંગ્લૅન્ડની સામે લીડ્સના મેદાનમાં કર્યું હતું. જ્યાં તેમણે નવ રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડના પહેલાં પ્રવાસ વિશે તેઓ કહે છે, "એ સમયે વિદેશમાં ક્રિકેટ ટીમ પ્રવાસ કરે તો તેનો સમયગાળો છ મહિનાનો રહેતો. તેમાં અમારે પાંચ ટેસ્ટ મૅચ રમવાની હોય, પરંતુ 30થી 40 જેટલી કાઉન્ટીની મૅચ રમવાની હોય. સળંગ મૅચ હોય, અઠવાડિયાના પહેલા ત્રણ દિવસ અને અઠવાડિયાના બાકીના ત્રણ દિવસ. આરામ માત્ર રવિવારે જ કરવા મળતો."

ત્યારબાદ તેઓ 1952માં પાકિસ્તાન સામે ભારતમાં રમ્યા હતા. 1953માં તેમણે વેસ્ટ ઇન્ડીઝનો પણ પ્રવાસ કર્યો હતો. જ્યાં તેઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટની મહાન ત્રિપુટી ફ્રૅન્ક વૉરેલ્લ, ઍવરટોન વિક્સ, ક્લાયડ વૉલકોટ સામે પણ તેઓ રમ્યા હતા.

હાલમાં ઍવરટોન વિક્સનું મૃત્યુ થતાં 'ધ હિંદુ'એ દત્તાજીરાવને ટાંકીને લખ્યું, "ઘાતક લૅગ-બ્રેક, ચકરાવે તેવી ગૂગલી અને ફ્લાઇટમાં પુષ્કળ ભિન્નતા ધરાવતા મહાન સુભાષ ગુપ્ટે સામે પણ વીક્સ ક્રીઝની અંદર જ રહેતા અને રન બનાવતા હતા. તે ભાગ્યે જ બહાર નીકળ્યા હતા. તે ગતિ અને સ્પિન બંને સામે સારી રમતા હતા."

પહેલી ટેસ્ટમાં વિક્સે 207 રન બનાવ્યા હતા. તેઓ કહે છે, "આપણી પાસે પણ દત્તુ ફાડકર, વિનુ માકંડ અને સુભાષ ગુપ્તે જેવા ખેલાડીઓ હતા. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ એ ત્રણની સામે ભયાનક હતી."

દત્તાજી કહે છે, "વિક્સ એક ઘૂંટણ પર બેસીને સ્ક્વેર-ડ્રાઇવ મારવાનું પસંદ કરતા. તે તેમનો પ્રિય શૉટ હતો અને તે ખૂબ જ આકર્ષક દેખાતા. વૉરેલ્લ બધામાં સૌથી સ્ટાઇલિશ હતા."

"વિક્સ એક રનમશીન હતા. બંને ભાગ્યે જ સિક્સર ફટકારતા હતા. તેમના બધા સ્ટ્રૉક જમીન પર રહેતા. પરંતુ વૉલકોટ જુદો હતો, તે સૌથી હાર્ડ-હિટર હતો. લાંબી સિક્સ મારતો."

દત્તાજી ગાયકવાડ પછી 1959માં ભારતીય ટીમમાં પરત ફર્યા હતા અને તેઓ ટીમના કૅપ્ટન બન્યા હતા.

1959માં ભારત ઇંગ્લૅન્ડની સામેની તમામ પાંચ મૅચ હારી ગયું હતું. ઈએસપીએન ક્રિકીઇન્ફો અનુસાર, ભારતીય ટીમે કાઉન્ટી સાથે 28 મૅચ રમી હતી, જેમાં ભારતે 6 મૅચ જીતી હતી. જ્યારે છ મૅચ હાર્યું હતું. ભારત અને વિવિધ કાઉન્ટી વચ્ચેની 16 મૅચ ડ્રો ગઈ હતી.

ઈએસપીએન ક્રિકીઇન્ફો અનુસાર, દત્તાજીએ 23 મૅચમાં 1174 રન બનાવ્યા હતા, જેમાં તેમણે બે સદી નોંધાવી હતી. સૌથી વધારે રન 176 બનાવ્યા હતા. આખી સિરીઝમાં પોલી ઉમરીગરે 22 મૅચમાં 1826 રન બનાવ્યા હતા.

દત્તાજી ત્યારબાદ પોતાની કરિયરની છેલ્લી મૅચ 1961માં પાકિસ્તાન સામે રમ્યા હતા. જેમાં તેમણે 52 રન બનાવ્યા હતા જે તેમના ટેસ્ટ ક્રિકેટના સૌથી વધારે રન હતા.

તેઓ 1963 સુધી બરોડા તરફથી રણજી ટ્રૉફી રમ્યા, ત્યારબાદ તેમણે નિવૃત્તિ લીધી હતી.

દત્તાજીરાવ ગાયકવાડે ત્યારબાદ બરોડા ક્રિકેટ ઍસોસિયેશન સાથે કોચ અને સિલેક્શન કમિટીમાં જોડાયા. 1984થી 2000ની સાલ સુધી તેઓ ચીફ કોચ અને ઍડવાઇઝર તરીકે કામ કર્યું.


'ક્રિકેટ હવે પ્રોફેશન બની ગયું છે'

હાલની ક્રિકેટ વિશે દત્તાજી કહે છે, "અમે રમતાં ત્યારે માત્ર 250 રૂપિયા મળતા હતા, હાલ ક્રિકેટરોને સારા રૂપિયા મળે છે. આમ સારું છે કે સ્પૉન્સરશિપનો રૂપિયો આવી રહ્યો છે, ક્રિકેટરોને પૈસા મળે છે. પહેલાં તો અમારે નોકરી પણ કરવાની હતી અને રમવાનું બહું અઘરું પડતું."

જોકે તેઓ આજની ક્રિકેટ સાથે જે પ્રકારે લોકો જોડાયા છે તેના વિશે કહે છે, "અમે જ્યારે રમતા હતા ત્યારે શોખ માટે રમતા હતા, દેશ માટે રમતા, હવે તો પ્રોફેશન બની ગયું છે. માતા-પિતા તેમનાં બાળકોને પૈસાની લાલચે ક્રિકેટમાં મોકલે છે."

તેઓ વધુમાં કહે છે કે અમુક વખતે એવું પણ લાગે છે કે ક્રિકેટની ગેમ જાણે કંપનીઓવાળાના હાથમાં જતી રહી છે.


'પરિણામની ચિંતા નહીં કરવાની, હાર્ડવર્ક કરવાનું'

દત્તાજીરાવ ગાયકવાડના દીકરા અંશુમન ગાયકવાડ પણ ભારત તરફથી ક્રિકેટ રમી ચૂક્યા છે અને ભારતીય ક્રિકેટ ટીમના કોચ રહી ચૂક્યા છે.

હાલ તેઓ બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલના સભ્ય છે.

અંશુમન ગાયકવાડ કહે છે, "પિતાજીને મેં ક્યારેય રમતાં નથી જોયા. એ સમયે પણ ગેમ બહુ ઓછી રમાતી. વર્ષની માંડ ચાર-પાચ મૅચ રમાય એટલે તક ન મળે."

"હું સાત-આઠ વર્ષનો હતો ત્યારે એક વખત મોતીબાગ પાસે પિતાજીને જોયા હતા. પરંતુ મને યાદ નથી ખાસ. દસ વર્ષનો થયો ત્યારે એક વખત જોયા હશે."

તેઓને પૂછવામાં આવ્યું કે દત્તાજીરાવ પાસેથી શું શીખવા મળ્યું તો તેઓ કહે છે, "પિતાજી ઘણા કડક હતા, તેમણે ડિસિપ્લિન શીખવી. મહેનત કરવા કહ્યું. હાર્ડવર્ક કરો, પરિણામ ક્યારેક તો મળશે જ."

"મને આજે 69 વર્ષ થયાં છે, રોજબરોજના કામમાં મને પિતાજીએ આપેલી ટિપ્સથી ઘણો ફાયદો મળે છે."


https://www.youtube.com/watch?v=Aya255c3bF0

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Dattajirao Gaekwad: The story of a 'living legend' of Indian cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X