મની લોન્ડરીંગ કેસમાં દાઉદના ભાઇ ઇકબાલ 7 દિવસ માટે ઇડીની કસ્ટડીમા
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે સાત દિવસની ED કસ્ટડીમાં મોકલી દીધો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઈકબાલ કાસકરની ધરપકડ કર્યા બાદ તેને મુંબઈની કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી કોર્ટે ઈકબાલ કાસકરને સાત દિવસ EDની કસ્ટડીમાં મોકલી દીધો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે મની લોન્ડરિંગ કેસમાં ઇકબાલ કાસકર વિરુદ્ધ પેશકસ વોરંટ જારી કર્યું હતું. કોર્ટે કાસકરને 18 ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું. જે બાદ EDએ ઈકબાલ કાસકરને થાણે જેલમાંથી કસ્ટડીમાં લીધો અને શુક્રવારે મુંબઈની વિશેષ PMLA કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે તેની સાત દિવસની ED કસ્ટડી મંજૂર કરી હતી.
ઈકબાલ કાસકર વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ સ્મગલિંગ જેવા કેસ ચાલી રહ્યા છે. હાલ ઈકબાલ કાસકર જેલમાં છે. તે લગભગ ત્રણ વર્ષથી જેલમાં છે. બે દિવસ પહેલા પણ EDએ કાસકરના મની લોન્ડરિંગ અને હવાલા ટ્રાન્ઝેક્શન કેસની તપાસના સંદર્ભમાં મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે બાદ હવે તેને EDની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.