
ટીવીના જાણીતા એન્કર સુહૈબ ઇલિયાસીને થઇ જન્મટીપ
ટીવીની જાણીતી હસ્તી અને રિયાલીટી શો ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ડેટના પ્રસિદ્ધ એન્કર સુહૈબ ઇલિયાસીને દિલ્હીની કોર્ટે જન્મટીપ ની સજા સંભળાવી છે. સુહૈબ ઇલિયાસી પર તેની પત્નીની હત્યા કરવાનો મામલો ચાલી રહ્યો હતો. જેમાં 16 ડિસેમ્બરે તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. અને આજે તેમને જન્મટીપની સજા સંભળાવી હતી. આ કેસ 17 વર્ષથી કોર્ટમાં ચાલતો હતો અને આજે તેનું નિરાકરણ આવ્યું છે. નોંધનીય છે કે સુહૈબે તેમની સાથે કોલેજથી ભણતી અંજૂથી લગ્ન કર્યા હતા. અને 10 જાન્યુઆરી, 2000ના રોજ મયૂર વિહાર ફ્લેટમાં તેમની પત્ની અંજૂની લાશ મળી હતી. સુહૈબ તે વખતે જણાવ્યું હતું કે તેમની પત્ની ડિપ્રેશનનો શિકાર હતી અને આજ કારણે તેણે આત્મહત્યા કરી હશે. પણ અંજૂની બહેન દ્વારા શંકા વ્યક્ત કરતા પોલીસ આ મામલે કેસ દાખલ કર્યો હતો.
અંજૂની બહેનના આરોપ પછી 28 માર્ચ 2000ના રોજ સુહૈબની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલાને દહેજ ઉત્પીડન સાથે પણ જોવામાં આવતો હતો. નોંધનીય છે કે વર્ષ 2000માં તે પોતાના રિયાલીટી શોના કારણે કારર્કિર્દીની ટોચ પર હતા. અને તે સમયે જ તેમની ધરપકડ થઇ હતી. પ્રસિદ્ધ ક્રાઇમ શોના એન્કર તેવા સુહૈબને હવે જન્મટીપ થઇ ચૂકી છે. દિલ્હીના રહેવાસી તેવા સુહૈબે લંડનના ટીવી એશિયામાં પણ કામ કર્યું છે. અને તે ટીવીના લોકપ્રિય એન્કરોમાંથી એક હતા. પણ હત્યાનો મામલો દાખલ થતા તેમની સચ્ચાઇ સામે આવી હતી.