દિલ્લી મુંડકા અગ્નિકાંડઃ 27 લોકોના મોત, ઈમારતમાં નહોતુ ફાયર NOC, દૂર્ઘટના બાદ માલિક ફરાર
નવી દિલ્લીઃ દિલ્લી મુંડકા અગ્નિકાંડથી આખુ શહેર ગભરાઈ ગયુ છે. મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે(13 મે) એક ચાર માળની ઈમારતમાં આગ લાગી ગઈ હતી જેમાં અત્યાર સુધી 27 લોકોના મોત થઈ ગયા છે. આગ નિયંત્રણમાં આવ્યાના અમુક કલાકો પછી દિલ્લી પોલિસે કહ્યુ છે કે મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે જે વ્યાવસાયિક ઈમારતમાં આગ લાગી તેની પાસે ફાયર એનઓસી નહોતી. જ્યારે એ પણ જણાવવામાં આવ્યુ કે દૂર્ઘટના બાદથી ઈમારતનો માલિક ફરાર છે. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે ઈમારતના માલિકની ઓળખ મનીષ લકડા તરીકે થઈ છે.

'મુંડકા ઈમારતમાં નહોતી ફાયર NOC'
ડીસીપી સમીર શર્મા(આઉટર ડિસ્ટ્રીક્ટ)એ પત્રકારોને જણાવ્યુ કે, 'મુંડકા ઈમારતમાં ફાયર એનઓસી નહોતી. ઈમારતના માલિકની ઓળખ મનીષ લકડા તરીકે થઈ છે જે સૌથી ઉપરના માળે રહેતો હતો. મનીશ લકડા હાલમાં ફરાર છે, ટીમો કામ કરી રહી છે અને તેને જલ્દી પકડી લેવામાં આવશે.'

મુંડકા ઈમારતમાં માત્ર એક જ સીડી હતી
ફાયર વિભાગના ડિવિઝનલ ઓફિસરે પણ જણાવ્યુ હતુ કે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેમાં એક જ સીડી હતી જેના કારણે લોકો બિલ્ડિંગમાંથી બહાર આવી શકતા ન હતા. ફાયર વિભાગના ડિવિઝનલ ઓફિસર સતપાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે, 'ત્યાં માત્ર એક જ સીડી હતી અને તેના કારણે લોકો બહાર જઈ શકતા ન હતા. બિલ્ડિંગ પાસે યોગ્ય એનઓસી (ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી) નહોતું.'

ઈમારતના પહેલા માળે આગ કેવી રીતે લાગી
પોલીસે જણાવ્યુ હતુ કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે તે ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કંપનીઓને ઓફિસની જગ્યા પૂરી પાડવા માટે થાય છે. પોલીસે જણાવ્યુ હતુ કે આગ બિલ્ડિંગના પહેલા માળે ફાટી નીકળી હતી જેમાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ છે. કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે.

દિલ્લી મુંડકા અગ્નિકાંડમાં અત્યાર સુધી થયા 27ના મોત
દિલ્હી પોલીસે જણાવ્યુ કે આગની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. ડીસીપી સમીર શર્માએ કહ્યુ, 'કુલ 27 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. અમે મૃતદેહોની ઓળખ કરવા ફોરેન્સિક ટીમની મદદ લઈશુ. FIR નોંધવામાં આવી છે. અમે કંપનીના માલિકોની અટકાયત કરી છે. હજુ વધુ મૃતદેહો મળી આવે તેવી શક્યતા છે. બચાવ કાર્ય હજુ પૂરુ થયુ નથી.'