દિલ્લી અગ્નિકાંડઃ મુંડકામાં આગ લાગવાથી ઘણા ગુમ થયાના સમાચાર, પરિવારજનોમાં ફેલાયો ભય
નવી દિલ્લીઃ દિલ્લીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક ચાર માળની ઈમારતમાં ભીષણ આગ લાગ્યા બાદ ઘણા લોકોના ગુમ થયાના સમાચાર છે. દિલ્લી અગ્નિકાંડમાં અત્યાર સુધી 27 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ દૂર્ઘટનામાં 50 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. આગ 13 મેના રોજ સાંજે લાગી હતી. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

'અમે તેમને શોધી રહ્યા છે પરંતુ તે મળ્યા જ નથી...'
આગની ઘટના બાદ ગુમ થયેલા લોકોના પરિવારજનોમાં ભય ફેલાઈ ગયો કારણકે તે પોતાના પ્રિયજનોને શોધવામાં અસમર્થ હતા. પરિવારના સભ્યોમાંથી એક ગોવિંદે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ, 'અમે તેમને(યશોદા દેવી) શોધી રહ્યા છે પરંતુ તે અમને મળ્યા નથી. અમને અમારા એક દોસ્ત પાસેથી આગ વિશે જાણવા મળ્યુ. અમે તરત ત્યાં પહોંચ્યા અને હોસ્પિટલોમાં પણ દરેક જગ્યાએ યશોદાની શોધ કરી પરંતુ હજુ સુધી તેમના વિશે કંઈ જાણવા મળ્યુ નથી.'

'મુસ્કાને ફોન કરીને કહ્યુ કે ઈમારતમાં આગ લાગી ગઈ છે'
મુસ્કાનના પરિવારના સભ્ય નરગીસે જણાવ્યુ હતુ કે, 'મને મુસ્કાનનો ફોન આવ્યો હતો કે અહીં બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી છે. તેએ તેને સ્થળ પરથી બચાવવા વિનંતી કરી હતી. અમે તરત જ તેની ઓફિસે પહોંચી ગયા હતા અને ત્યારથી અમે તેનો સંપર્ક કરી શક્યા નથી. અમે તેને દરેક જગ્યાએ શોધી દરેક હોસ્પિટલમાં શોધી પરંતુ તેને શોધી શક્યા નથી.'

27ના મોત, 50 લોકોનો જીવ બચાવાયો
દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે થયેલા અકસ્માતમાં 27 મૃતદેહો મળી આવ્યા છે અને 12 લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આઉટર ડિસ્ટ્રિક્ટ) સમીર શર્માના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 50 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

કંપનીના માલિક પોલિસ કસ્ટડીમાં
પોલીસે જણાવ્યુ હતુ કે દિવસની શરૂઆતમાં, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે તે ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે જે સામાન્ય રીતે કંપનીઓ માટે ઓફિસની જગ્યા પૂરી પાડવા માટે વપરાય છે. આગ બિલ્ડિંગના પહેલા માળે ફાટી નીકળી હતી જેમાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ છે. કંપનીના માલિક પોલીસ કસ્ટડીમાં છે.