દિલ્લી હિંસા એકતરફી અને યોજનાબદ્ધ હતી, મુસલમાનોને વધુ નુકશાન થયુઃ રિપોર્ટ
દિલ્લી હિંસામાં મૃતકોનો આંકડો 53 પર પહોંચી ગયો છે અને ઘણા ઘાયલ થયેલા લોકોનો ઈલાજ હજુ ચાલુ છે. આ દરમિયાન દિલ્લી લઘુમતી પંચ(ડીએમસી)એ રિપોર્ટ જારી કર્યો છે જેમાં આ હિંસાને એકતરફી અને યોજનાબદ્ધ ગણાવવામાં આવી છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હજારો લોકોએ હિંસાના કારણે શહેરોમાંથી ભાગીને પોતાના ઉત્તરપ્રદેશ અને હરિયાણાના પૈતૃક ગામો તરફ જવુ પડ્યુ.

હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત પર આધારિત છે રિપોર્ટ
આ રિપોર્ટ ડીએમસી અધ્યક્ષ ઈસ્લામ ખાન અને પંચના સભ્ય કરતાર સિંહ કોચરના હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત પર આધારિત છે. દિલ્લીમાં લગભગ બે અઠવાડિયા પહેલા બે સમાજ વચ્ચે હિંસા ભડકી ગઈ હતી, જે ધીમે ધીમે અન્ય વિસ્તારો સુધી પણ પહોંચી ગઈ. હિંસાથી સૌથી વધુ પ્રભાવિત ઉત્તર-પૂર્વ દિલ્લીના ઘણા વિસ્તારો થયા જેમાં મૌજપુર, ચાંગબાગ અને યમુનાવિહાર શામેલ છે. આ દરમિયાન લોકોના ઘરો, વાહનો અને દુકાનો પણ ટોળાએ આગના હવાલે કરી દીધા. ટોળામાં અમુક લોકો તો હાથમાં બંદૂકો લઈને બિન્દાસ્ત ફરતા દેખાયા.

મુસલમાનોને સૌથી વધુ નુકશાન
ડીએમસીના રિપોર્ટમાં દાવો કરીને કહેવામાં આવ્યુ છે કે, ‘હિંસા એકતરફી અને યોજનાબદ્ધ હતી, જેમાં મુસલમાનોના ઘરો અને દુકાનોને સૌથી વધુ નુકશાન પહોંચ્યુ છે. આવુ સ્થાનિક સમર્થનથી બની શક્યુ છે. હજારો લોકો આ વિસ્તારોમાંથી ભાગીને પોતાના ઉત્તર પ્રદેશ અને હરિયાણા સ્થિત ગામો તરફ ચાલ્યા ગયા. અમુક દિલ્લીમાં પોતાના સંબંધીઓના ઘરે જતા રહ્યા. સેંકડો લોકો હજુ પણ સમાજ દ્વારા ચલાવવામાં આવી રહેલ કેમ્પમાં રહે છે. અમુક લોકો દિલ્લી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ કેમ્પમાં રહે છે.' ખાને કહ્યુ કે તેમની ટીમ ઉત્તર પૂર્વ દિલ્લીની મુલાકાત લીધી અને ઘણા બધા સળગી ગયેલા ઘર, દુકાન, સ્કૂલ અને વાહન દેખાયા.

દિલ્લી સરકારે જે વળતર આપ્યુ છે તે પૂરતુ નથી
રિપોર્ટમાં લખ્યુ છે કે, મોટાપાયે મદદ વિના આ લોકો ફરીથી પોતાના ઘર નહિ બનાવી શકે. અમને લાગે છે કે દિલ્લી સરકારે જે વળતર આપ્યુ છે તે પૂરતુ નથી. આ ટીમે ચાંદબાગ, જાફરાબાદ, બૃજપુરી, ગોકુલપુરી, મુસ્તફાબાદ, શિવ વિહાર, યમુના વિહાર, ભજનપુરા અને ખજૂરી ખાસની પણ મુલાકાત લીધી. તેમનુ કહેવુ છે કે, ‘અમે દરેક જગ્યાએ મુસલમાનોના ઘરો, દુકાનો અને કાર્યશાળાઓમાં વધુ નુકશાન જોયુ છે.'
આ પણ વાંચોઃ કોરોના વાયરસ ચીનથી આવ્યો, વધુ દિવસ નહિ ટકેઃ મોરારી બાપૂ