કુર્નૂલમાં હનુમાન જયંતિ પર ઘર્ષણ થયા 20ની અટકાયત, કલમ 144 લગાવી
હનુમાન જયંતિ એટલે કે શનિવારની રાત્રે બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યા બાદ આંધ્ર પ્રદેશના કુર્નૂલ શહેરના હોલાગુંડામાં બે સમુદાયો વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. ઓછામાં ઓછા 15 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાના અહેવાલ છે.
એવો આરોપ છે કે, જ્યારે હોલાગુંડા નગરમાં ઇરલા કટ્ટાની મસ્જિદમાં ઇફ્તારનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે હનુમાન જયંતિનું સરઘસ આ વિસ્તારને પાર કરી રહ્યું હતું. આ દરમિયાન મસ્જિદમાં રહેલા લોકોએ મોટા અવાજે સંગીત વગાડવાનો વિરોધ કર્યો હતો, જેના કારણે અથડામણ થઈ હતી. બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હતા.
રવિવારની સવારે ફરીથી તણાવ ભભૂકી ઉઠ્યો હતો, કારણ કે બંને જૂથો સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પરિસ્થિતિ માટે એકબીજા પર દોષારોપણ કરવાનું શરૂ કર્યું હતું અને કાર્યવાહીની માગ કરી હતી. પોલીસે બંને જૂથોને વિખેરી નાખ્યા હતા.
20 લોકોને કસ્ટડીમાં લેવાયા : પોલીસ
કુર્નૂલના એસપી સુધીર રેડ્ડીએ જણાવ્યું હતું કે, બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને પક્ષો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લગભગ 10 મિનિટ સુધી પથ્થરમારો થયો હતો. પોલીસે વીડિયોના આધારે 20 લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુધીર રેડ્ડીએ જણાવ્યું હતું કે, વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હોલાગુંડામાં હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ પોલીસની સલાહ વિરુદ્ધ ડીજે સેટનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેઓ મસ્જિદની નજીક ગયા હતા, ત્યારે પોલીસે તેમને ડીજે સેટ બંધ કરવા કહ્યું હતું પરંતુ, તેઓ રોકાઈ ગયા હતા. મસ્જિદ સામે ઉભા રહીને "જય શ્રી રામ" ના નારા લગાવવા લાગ્યા હતા. જે સામે મુસ્લિમ સમુદાયના લોકો "અલ્લાહ હુ અખબર" ના નારા લગાવવા લાગ્યા હતા.
સુધીર રેડ્ડીએ કહ્યું કે, જે બાદ પોલીસે VHP ના સભ્યોને સ્થળ છોડી દેવાની ફરજ પાડી હતી. જ્યારે સરઘસ મસ્જિદથી થોડે દૂર ગયું, ત્યારે તેઓએ ફરીથી મોટેથી સંગીત વગાડવાનું શરૂ કર્યું હતું. જેના પર મુસલમાનોએ વાંધો ઉઠાવ્યો અને નાનકડી બોલાચાલી શરૂ થઈ હતી. જે બાદ પથ્થરમારાની પરિસ્થિતિમાં ફેરવાઇ હતી. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે.
ભારતીય જનતા પાર્ટીના આંધ્ર પ્રદેશ યુનિટે આ ઘટનાની નિંદા કરી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સોમુવીર રાજુએ સરઘસ પર હુમલો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી છે. આ દરમિયાન હોલાગુંડા શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે.