For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉ. બાબાસાહેબ આંબેડકરના મૃત્યુ પૂર્વેના છેલ્લા 24 કલાકમાં શું થયું હતું?

ડૉ. બાબાસાહેબ આંબેડકરના મૃત્યુ પૂર્વેના છેલ્લા 24 કલાકમાં શું થયું હતું?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

6 ડિસેમ્બર, 1956. ભારતના દલિત લોકો માટે, આ સવાર સૂર્યોદય સાથે નહીં, પરંતુ સૂર્યાસ્ત સાથે શરૂ થઈ હતી, કારણ કે શોષિત અને વંચિતોના આધાર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું એ દિવસે નિધન થયું હતું.

જીવતા રહેવાના અને શિક્ષણ માટેના વ્યક્તિગત સંઘર્ષથી માંડીને દલિતોના ઉત્થાન અને સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર સુધીની ડૉ. બાબાસાહેબ આંબેડકરની યાત્રા કઠિન હતી.

આ સમગ્ર યાત્રા દરમિયાન બાબાસાહેબ પણ વિવિધ રોગથી પીડાતા રહ્યા હતા. તેઓ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ન્યૂરાઈટિસ, સાંધાના દુખાવા જેવા અસાધ્ય રોગથી પીડિત હતા. ડાયાબિટીસના કારણે તેમનું શરીર જર્જર થઈ ગયું હતું. સંધિવાને કારણે તેઓ અનેક રાત પથારીમાં જ પડ્યા રહ્યા હતા.

બાબાસાહેબના છેલ્લા કેટલાક કલાકો વિશે લખતી વખતે આ બીમારીઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તેનાથી બાબાસાહેબનું સ્વાસ્થ્ય તેમના છેલ્લા દિવસોમાં કેવું હતું તેનો ખ્યાલ આવે.

બાબાસાહેબે પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બરની મધરાતે ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આગલા દિવસે એટલે કે પાંચમી ડિસેમ્બરે શું થયું હતું તે આપણે આ લેખમાં જાણીશું. તે પહેલાં એ પણ જાણીએ કે બાબાસાહેબ તેમના મૃત્યુ પહેલાં જાહેરમાં છેલ્લે ક્યાં હાજર રહ્યા હતા.

ગ્રે લાઇન

રાજ્યસભામાં છેલ્લો દિવસ

બાબાસાહેબ આંબેડકર

ડૉ. બાબાસાહેબ આંબેડકર છેલ્લે ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં જાહેરમાં જોવા મળ્યા હતા.

બાબાસાહેબ નવેમ્બર 1956ના છેલ્લાં ત્રણ અઠવાડિયાં દિલ્હીની બહાર હતા. 12 નવેમ્બરે તેઓ પટના થઈને કાંઠમંડુ જવા નીકળ્યા હતા. ત્યાં 14 નવેમ્બરે વિશ્વ ધમ્મ સંમેલન શરૂ થવાનું હતું.

આ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન નેપાળના રાજા રાજે મહેન્દ્રએ કર્યું હતું. આ કાર્યક્રમમાં નેપાળના રાજાએ બાબાસાહેબને મંચ પર તેમની બાજુમાં બેસવા કહ્યું હતું. એવું પહેલાં ક્યારેય બન્યું ન હતું. બૌદ્ધ જગતમાં બાબાસાહેબનું સ્થાન કેટલું ઊંચુ હતું તે આના પરથી સ્પષ્ટ થાય છે.

બાબાસાહેબ કાઠમંડુમાં વિવિધ સ્થળોએ લોકોને મળીને થાકી ગયા હતા. ભારત પરત ફરતી વખતે તેમણે બૌદ્ધ તીર્થસ્થળોની પણ મુલાકાત પણ લીધી હતી. બાબાસાહેબે કાઠમંડુમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની, ઐતિહાસિક અશોક સ્તંભની મુલાકાત લીધી હતી. પાછા ફરતી વખતે તેમણે બૌદ્ધગયાની મુલાકાત પણ લીધી હતી.

આ મોટી યાત્રા બાદ 30 નવેમ્બરે તેઓ દિલ્હી પરત આવ્યા ત્યારે તેઓ થાકી ગયા હતા.

અહીં રાજ્યસભાનું શિયાળુસત્ર શરૂ થયું હતું. બાબાસાહેબની તબિયત સારી ન હોવાથી તેઓ જઈ શક્યા ન હતા. છતાં, 4 ડિસેમ્બરે, તેમણે રાજ્યસભાના સત્રમાં હાજરી આપવાનો આગ્રહ રાખ્યો હતો.

ડૉ. માલવણકર બાબાસાહેબ સાથે હતા. તેમણે બાબાસાહેબની તબિયત તપાસીને જણાવ્યું હતું કે ત્યાં જવામાં કોઈ વાંધો નથી.

બાબાસાહેબે રાજ્યસભામાં હાજરી આપી હતી અને બપોરે પાછા ફરીને ભોજન લીધું હતું. પછી તેઓ સૂઈ ગયા. બાબાસાહેબની સંસદની તે છેલ્લી મુલાકાત સાબિત થઈ હતી.

મુંબઈમાં ધર્માંતરણ સમારંભનું આયોજન

રાજ્યસભામાંથી આવ્યા પછી બાબાસાહેબે આરામ કર્યો હતો. તે બપોરે સવિતા(માઈસાહેબ)એ બાબાસાહેબને ઉઠાડીને કૉફી આપી હતી. બાબાસાહેબ અને માઈસાહેબ 26, અલીપુર રોડ ખાતેના બંગલાની લૉન પર ગપ્પાં મારતા બેઠા હતા એટલામાં નાનકચંદ રત્તુ ત્યાં આવ્યા હતા.

16 ડિસેમ્બર 1956ના રોજ મુંબઈમાં ધર્માંતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબાસાહેબ અને માઇસાહેબ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. મુંબઈના નેતાઓ ઇચ્છતા હતા કે મુંબઈમાં પણ નાગપુરની માફક બાબાસાહેબના હસ્તે ધર્માંતરણ થાય.

આ ધર્માંતરણ સમારંભમાં હાજરી આપવા માટે બાબાસાહેબે 14મી ડિસેમ્બરે ટિકિટ રિઝર્વેશન વિશે રત્તુને પૂછપરછ કરી. માઇસાહેબ કહ્યું હતું કે બાબાસાહેબે તેમની તબિયતને ધ્યાનમાં રાખીને વિમાનમાં જવું જોઈએ.

ગ્રે લાઇન

બાબાસાહેબના છેલ્લા 24 કલાક

બાબાસાહેબ આંબેડકર

પાંચમી ડિસેમ્બરે એટલે કે મૃત્યુના આગલા દિવસે બાબાસાહેબ સવારે 8:30 વાગ્યે જાગી ગયા હતા. માઈસાહેબ ચાની ટ્રે લઇને આવ્યાં હતાં અને તેમને જગાડ્યા હતા. બંનેએ ત્યાં ચા પીધી હતી. દરમિયાન ઑફિસે જવા નીકળેલા નાનકચંદ રત્તુ ત્યાં આવ્યા હતા. તેઓ પણ ચા પીને રવાના થયા હતા.

બાબાસાહેબને પ્રાતઃવિધિ પતાવવામાં માઇસાહેબે મદદ કરી હતી. એ પછી નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યાં હતાં. બાબાસાહેબ, માઇસાહેબ અને ડૉ. માલવણકર અને ત્રણેએ સાથે નાસ્તો કર્યો હતો અને પછી બંગલાના વરંડામાં બેસીને ગપસપ કરી હતી, જ્યારે બાબાસાહેબ અખબારો વાંચતા હતા.

એ પછી માઇસાહેબ તેમને દવા અને ઇન્જેક્શન આપી રસોડામાં કામે લાગી ગયા હતાં. બાબાસાહેબ અને ડૉ. માલવણકર ત્યાં ગપ્પાં મારતા બેઠા હતા.

માઇસાહેબ સાડા બાર વાગ્યાની આસપાસ બાબાસાહેબને જમવા માટે બોલાવવા ગયાં હતાં. તે સમયે બાબાસાહેબ લાઇબ્રેરીમાં બેસીને વાંચન અને લેખન કરતા હતા. તેઓ 'ધ બુદ્ધ ઍન્ડ હિઝ ધમ્મા' પુસ્તકની પ્રસ્તાવના લખવાનું કામ પૂર્ણ કરી રહ્યા હતા.

માઈ સાહેબ બાબાસાહેબને ભોજન કરવા લઈ આવ્યાં હતાં. જમ્યા પછી બાબાસાહેબ સૂઈ ગયા હતા.

દિલ્હીમાં ઘરે પુસ્તકો ઉપરાંત ખાવા-પીવાની સામગ્રીની ખરીદીનું કામ માઇસાહેબ પોતે જ કરતાં હતાં. બાબાસાહેબ સંસદમાં ગયા હોય કે સૂતા હોય ત્યારે તેઓ આ કામ કરી લેતાં હતાં.

5 ડિસેમ્બરે પણ બાબાસાહેબ સૂતા હતા ત્યારે તેઓ ખરીદી માટે બજારમાં ગયાં હતાં. ડૉ. માલવણકર એ જ રાત્રે એટલે કે 5મી ડિસેમ્બરે વિમાનમાં મુંબઈ જવાના હતા. તેમને મુંબઈ લઈ જવા માટે કંઈક ખરીદવું હતું એટલે તેઓ પણ માઈસાહેબ સાથે બજારમાં ગયા હતા.

બાબાસાહેબની ઊંઘમાં ખલેલ ન પડે એટલા માટે તે માટે તેઓ તેમને કહ્યા વગર બજારમાં ગયા હતા. બપોરે અઢી વાગ્યે બજારમાં ગયેલા માઈસાહેબ અને ડૉ. માલવણકર સાંજે સાડા પાંચ વાગે પરત ફર્યાં ત્યારે બાબાસાહેબ ગુસ્સે થયા હતા.

માઈસાહેબે તેમની આત્મકથા 'ડૉ. આંબેડકરાંચ્યા સહવાસાત' લખ્યું છે કે 'સાહેબ ગુસ્સે થવું એ નવી વાત નહોતી. તેમણે રાખ્યું હોય એ જગ્યાએથી પુસ્તક ન મળે, પેન ન મળે તો સાહેબ આખો બંગલો માથે લઈ લેતા હતા. તેમની ઇચ્છા વિરુદ્ધનું કંઈ પણ થાય અથવા અપેક્ષા મુજબ ન થાય તો તેમનો ગુસ્સાનો પારો ઝડપથી ચડી જતો હતો, પણ સાહેબનો ગુસ્સો ક્ષણિક હતો. જોઇતું પુસ્તક, નોટબુક કે કાગળ મળતાંની બીજી જ ક્ષણે તેમનો ગુસ્સો ક્યાંક ભાગી જતો હતો.'

બાબાસાહેબ આંબેડકર

બજારમાંથી આવ્યા પછી તેઓ સીધા બાબાસાહેબના રૂમમાં ગયાં હતાં. 'હું તમારી રાહ જોઈ રહ્યો હતો’ એવું બાબાસાહેબે તેમને કહ્યું પછી એમને સમજાવીને માઇસાહેબ સીધા રસોડામાં બાબાસાહેબ માટે કૉફી બનાવવા ગયાં હતાં.

રાતે આઠ વાગ્યે બાબાસાહેબે જૈન ધર્મગુરુઓ અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજી હતી. બાબાસાહેબ અને તે પ્રતિનિધિ મંડળે દિવાનખાનામાં લાંબા સમય સુધી જૈન તથા બૌદ્ધ ધર્મ વિશે ચર્ચા કરી હતી.

બાબાસાહેબના જીવનચરિત્રના 12મા ગ્રંથમાં ચાંગદેવ ખેરમોડેએ જણાવ્યા મુજબ, છઠ્ઠી ડિસેમ્બરે જૈનોનું સંમેલન યોજાવાનું હતું અને પ્રતિનિધિમંડળનો આગ્રહ હતો કે બાબાસાહેબે જૈનધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચે એકતા લાવવા માટે જૈન સાધુઓ સાથે ચર્ચા કરવી જોઈએ.

દરમિયાન, ડૉ. માલવણકર મુંબઈ જવા રવાના થયા ત્યારે બાબાસાહેબ પ્રતિનિધિમંડળ સાથે ચર્ચામાં વ્યસ્ત હતા. ડૉ. માઈસાહેબે તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે ડ#. માલવણકર બાબાસાહેબની પરવાનગી લઈને ઍરપૉર્ટ જવા નીકળ્યા હતા.

જોકે, ચાંગદેવ ખેરમોડેએ બાબાસાહેબના જીવનચરિત્રમાં એવું જણાવ્યું હતું કે, 'ડૉ. માલવણકરે જતી વખતે બાબાસાહેબના સાથે કોઈ વાત કરી ન હતી.'

બાદમાં જૈનોનું પ્રતિનિધિમંડળ પણ રવાના થયું હતું. બાબાસાહેબે તે પ્રતિનિધિમંડળને કહ્યું હતું કે "મારા સેક્રેટરી પાસેથી બીજા દિવસે (6 ડિસેમ્બર) સાંજની અપોઇન્ટમેન્ટ લઈ લેજો. આપણે વધુ ચર્ચા કરીશું."

પછી બાબાસાહેબ શાંતસ્વરે 'બુદ્ધમ્ શરણમ ગચ્છામિ' ગાવાનું શરૂ કર્યું હતું.

માઇસાહેબના જણાવ્યા મુજબ, 'બાબાસાહેબનું ચિત્ત પ્રસન્ન હોય ત્યારે તેઓ બુદ્ધવંદના અને કબીરના દોહા ગાતા હતા. '

થોડી વાર પછી માઈસાહેબે દીવાનખાનામાં ડોકિયું કર્યું, ત્યારે બાબાસાહેબ નાનકચંદ રત્તુને રેડિયોગ્રામ પર બુદ્ધવંદનાની રેકૉર્ડ મૂકવાનું કહી રહ્યા હતા.

જમવાનો સમય થતાં તેઓ ડાઇનિંગ ટેબલ પર આવ્યા હતા. તે દિવસે બાબાસાહેબે થોડું જ ભોજન લીધું હતું. તેમણે જમી લીધું પછી માઇસાહેબ જમવાં બેઠાં હતાં. માઇસાહેબ જમ્યાં ત્યાં સુધી બાબાસાહેબ ત્યાં જ બેઠા રહ્યા હતા. કબીરનો દોહો 'ચલો કબીર તેરા ભાવસગર ડેરા' બાબાસાહેબ સૂરતાલ સાથે ગાતા હતા. પછી લાકડીના ટેકે તેઓ બેડરૂમ ભણી ગયા હતા. તેમના હાથમાં કેટલાંક પુસ્તકો પણ હતાં.

બેડરૂમમાં જતી વખતે બાબાસાહેબે નાનકચંદ રત્તુને 'ધ બુદ્ધ ઍન્ડ હિઝ ધમ્મા'ની પ્રસ્તાવના અને એસ. એમ. જોશી તથા આચાર્ય અત્રેને લખેલા પત્રો ટેબલ પર રાખવા જણાવ્યું હતું. એ કામ પતાવીને નાનકચંદ રત્તુ પણ તેમના ઘરે ગયા હતા, જ્યારે માઇસાહેબ રસોડામાં બધુ સમુનમું કરવાં ગયાં હતાં.

બીબીસી ગુજરાતી

...અને બાબાસાહેબનું મહાપરિનિર્વાણ થયું

માઈસાહેબે પોતાની આત્મકથામાં આપેલી માહિતી મુજબ, બાબાસાહેબ મોડી રાત સુધી વાચન-લેખન કરતા રહ્યા હતા. તેઓ તંદ્રા અનુભવતા હોય ત્યારે ઘણીવાર આખી રાત વાચન-લેખન કરતા રહેતા હતા.

પાંચમી ડિસેમ્બરની રાત્રે નાનકચંદ રત્તુ રવાના થયા પછી બાબાસાહેબે 'ધ બુદ્ધ ઍન્ડ હિઝ ધમ્મા' પુસ્તકની પ્રસ્તાવનામાં સુધારો કર્યો હતો.

એ પછી એસ. એમ. જોશી અને આચાર્ય અત્રે તેમજ બ્રાહ્મી સરકારને લખેલા પત્રોમાં છેલ્લી ઘડીના ફેરફાર કર્યા હતા અને તે દિવસે સામાન્ય કરતાં વહેલા, લગભગ સાડા અગિયાર વાગ્યે સૂઈ ગયા હતા.

માઇસાહેબે અત્યંત લાગણીશીલ બનીને લખ્યું છે કે પાંચમી ડિસેમ્બરની રાત તેમના જીવનની છેલ્લી રાત હતી.

છઠ્ઠી ડિસેમ્બરની સવારે 'સૂર્યાસ્ત’

1956ની છઠ્ઠી ડિસેમ્બરે માઇસાહેબ રાબેતા મુજબ જાગ્યાં હતાં અને ચાની ટ્રે તૈયાર કરીને બાબાસાહેબને જગાડવા માટે તેમના રૂમમાં ગયાં ત્યારે સવારના સાત-સાડા વાગ્યા હતા.

માઇસાહેબે લખ્યું છે કે, “રૂમમાં પ્રવેશ્યા પછી મેં જોયું કે સાહેબનો એક પગ ઓશીકા પર મૂક્યો હતો. મેં સાહેબને બે-ત્રણ વાર બોલાવ્યા. પરંતુ કોઈ હલચલ જોવા મળી ન હતી. મને લાગ્યું કે તેઓ ગાઢ નિંદ્રામાં હશે. તેથી મેં તેમને ઢંઢોળીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો અને...”

બાબાસાહેબ ઊંઘમાં જ પરિનિર્વાણ પામ્યા હતા. માઇસાહેબને આઘાત લાગ્યો હતો. તેઓ ત્યાં જ બેસીને પોકેપોકે રડવાં લાગ્યાં હતાં. બંગલામાં માઇસાહેબ અને મદદનીશ સુદામા બે જ લોકો હતા. માઇસાહેબે જોરજોરથી રડતાં હતા અને આંસુભર્યા અવાજે સુદામાને બોલાવવા બૂમ પાડી હતી.

ત્યારબાદ માઈસાહેબ ડૉ. માલવણકરને ફોન કરીને પૂછ્યું હતું કે શું કરવું જોઇએ. ડૉ. માલવણકરે 'કોરામાઈન' ઇન્જકશન આપવાની સલાહ આપી હતી, પરંતુ બાબાસાહેબના મૃત્યુને ઘણા કલાકો વીતી ગયા હતા. તેથી તેમને ઇન્જેકશન શક્ય ન હતું. પછી માઈસાહેબે નાનકચંદ રત્તુને બોલાવવા સુદામાને મોકલ્યા હતા.

સુદામા કારમાં નાનકચંદ રત્તુને લઈ આવ્યા હતા. પછી કોઇકે બાબાસાહેબના શરીર પર માલિશ કરવાનું શરૂ કર્યું તો કેટલાકે તેમને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાનો પ્રયાસ કર્યા હતા, પણ તેનાથી કોઈ ફાયદો થયો નહીં. બાબાસાહેબ ચાલ્યા ગયા હતા.

માઈસાહેબ કહે છે કે 'પછી ત્રણેયએ ચર્ચા કરીને બાબાસાહેબના મૃત્યુના સમાચાર જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. '

બાબાસાહેબ આંબેડકર

નાનકચંદ રત્તુએ અગ્રણી પરિચિતોને, સરકારી વિભાગોને, પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાને, યુએનઆઈને અને આકાશવાણી કેન્દ્રને બાબાસાહેબના નિધનના સમાચાર આપ્યા હતા. આ સમાચાર દાવાનળની જેમ ફેલાઈ ગયા હતા અને તેની સાથે બાબાસાહેબના મૃત્યુની પીડા પણ આખા દેશમાં દાવાનળની જેમ ફેલાઈ ગઈ હતી.

હજારો અનુયાયીઓ દિલ્હીના 26, અલીપુર રોડ તરફ આવવા લાગ્યા હતા.

ચાંગદેવ ખેરમોડેએ બાબાસાહેબના જીવનચરિત્રમાં લખ્યું છે કે 'બાબાસાહેબના અંતિમ સંસ્કાર સારનાથમાં કરવાનો માઇસાહેબનો આગ્રહ હતો.' જોકે, બાબાસાહેબના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરાવવાનો આગ્રહ પોતે રાખ્યો હોવાનું માઇસાહેબે પોતાની આત્મકથામાં જણાવ્યું છે.

અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ પછી તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સહિતના અનેક પ્રધાનો, સંસદસભ્યો અને બાબાસાહેબના અનુયાયીઓએ 26, અલિપુર રોડ પર આવવા લાગ્યા હતા.

બાબાસાહેબના પાર્થિવ દેહને મુંબઈ લઈ જવા માટે જગજીવનરામે વિમાનની વ્યવસ્થા કરી આપી હતી. તે મુજબ પાર્થિવ દેહને નાગપુર થઈને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. એ પછી મુંબઈમાંની અભૂતપૂર્વ અંતિમયાત્રાનો સાક્ષી દેશ બન્યો હતો.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના મૃત્યુ બાદ માઈસાહેબ આંબેડકર પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. માયસાહેબની ભાષામાં કહીએ તો બાબાસાહેબના અવસાન પછી તેમનું 'કસોટી પર્વ' શરૂ થયું હતું.

સંદર્ભ -

  • ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (ભાગ-12) –ચાંગદેવ ખેરમોડે
  • ડૉ. આંબેડકરાંચ્યા સહવાસાત - ડૉ. સવિતા આંબેડકર
  • ડૉ. માઈસાહેબ આંબેડકરાંચ્યા સહવાસાત (ચરિત્ર વ આઠવણી) - વૈશાલી ભાલેરાવ
  • ફ્રોમ આંબેડકર્સ રેસિડેન્સ ટુ મેમોરિયલ – 26, અલિપુર રોડ, નવી દિલ્હી - તનુજા ભાકુની
  • આંબેડકર્સ હાઉસ - મયંક ઓસ્ટીન સૂફી
રેડ લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

રેડ લાઇન
English summary
Dr. What happened in the last 24 hours before the death of Babasaheb Ambedkar?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X