ત્રિપુરામાં 18 ફેબ્રૂ., મેઘાલય-નાગાલેન્ડમાં 27 ફેબ્રૂ.ના રોજ મતદાન
દેશના ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. ચૂંટણી પંચે મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ચૂંટણી કમિશ્નક એ.કે.જોતિએ જણાવ્યું કે, ત્રણેય રાજ્યોમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થશે. ત્રિપુરામાં 18 ફેબ્રૂઆરીના રોજ મતદાન થશે, તો મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રૂઆરીના રોજ મતદાન થશે. 3 માર્ચના રોજ આ ત્રણેય રાજ્યોના પરિણામની જાહેરાત કરવામાં આવશે. વીવીપેટ લાગેલ ઇવીએમ મશીનો દ્વારા મતદાન થશે. આ સાથે જ ત્રણેય રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.
મેઘાલય
2019 પહેલાની લોકસભા ચૂંટણી પહેલાની આ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મેઘાલયમાં હાલ કોંગ્રેસની સરકાર છે, ત્રિપુરામાં માણિક સરકારની આગેવાનીવાળી વામપંથી સરકાર સત્તા પર છે અને નાગાલેન્ડમાં નાગા પીપુલ્સ ફ્રંટ-લીડ ડેમોક્રેટિક ગઠબંધનની સરકાર છે. ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તાથી દૂર છે. મેઘાલય વિધાનસભામાં 60 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં કોંગ્રેસ ઉપરાંત નેશનલ પીપુલ્સ પાર્ટી અને અન્ય સ્થાનિક દળો મોટો પડકાર સાબિત થઇ શકે છે. આ પહેલાં દિલ્હીમાં સરકાર ચલાવી રહેલ આમ આદમી પાર્ટી પણ જાહેરાત કરી ચૂકી છે કે, તેઓ મેઘાલય વિધાનસભા ચૂંટણી લડશે અને ઓછામાં ઓછી 35 બેઠકો પર ઉમેદવાર ઊભા કરશે.
ત્રિપુરા
તો બીજી બાજુ ત્રિપુરામાં હાલ માણિક સરકારની આગેવાની હેઠળ વામપંથી સરકાર છે. ભાજપના નેતા ત્રિપુરામાં પૂર્ણ બહુમતની સરકાર બનાવવાનો દાવો કરી રહ્યાં છે, જો કે ત્રિપુરામાં ભાજપ પાસે એક પણ બેઠક નથી. ભાજપે ઘણા સમય પહેલાં જ અહીં વર્ચસ્વ જમાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રિપુરાની મુલાકાત પણ લઇ ચૂક્યાછે. ચૂંટણી અભિયાનને વધુ ધારદાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીના રોજ અહીં બે ચૂંટણી રેલીઓમાં સંબોધન કરશે.