
Bypolls Results: ઐલનાબાદમાં અભય ચૌટાલા જીતની હેટ્રિક લગાવશે? ભાજપના ઉમેદવાથી આગળ નીકળ્યા
હરિયાણાની બહુચર્ચિત વિધાનસભા સીટ ઐલાનાબાદમાં 30 ઓક્ટોબરે થયેલ પેટાચૂંટણી માટે મતદાન સંપન્ન થયા બાદ આજે મતગણતરી થઈ રહી છે. ઐલાનાબાદ વિધાનસભા સીટ પર સામે આવેલા પહેલા ટ્રેન્ડ્સમાં ઈનેલોના અભય ચૌટાલા આગળ ચાલી રહ્યા છે, જ્યારે તેમના પ્રતિદ્વંદી અને ભાજપના ઉમેદવાર ગોવિંદ કાંડા બીજા નંબર પર છે. અત્યાર સુધી સામે આવેલા ટ્રેન્ડ્સમાં અભય ચૌટાલા 3405 વોટ સાથે સૌથી આગળ ચાલી રહ્યા છે. જો ઐલાનાબાદમાં અભય ચૌટાલાની જીત થાય છે તો આ પેટાચૂંટણીમાં તેમની હેટ્રિક હશે, કેમ કે અગાઉ પણ તેઓ બે પેટાચૂંટણી જીતી ચૂક્યા છે.
જણાવી દઈએ કે ઈનોલો ઉમેદવાર અભય ચૌટાલાની આ ત્રીજી પેટાચૂંટણી છે, અગાઉ તેઓ રોડી અને ઐલનાબાદમાં એક-એક પેટાચૂંટણી જીતી ચૂક્યા છે. જો આજે તેમની જીત થાય છે તો આ તેમની જીતની હેટ્રિક હશે. જ્યારે ભાજપના ઉમેદવાર ગોવિંદ કાંડાની પણ આ ત્રીજી પેટાચૂંટણી છે, અગાઉ તેઓ બે વખત રાનિયાં વિધાનસભા ક્ષેત્રથી પોતાની કિસ્મત અજમાવી ચૂક્યા છે પરંતુ દરેક વખતે બીજા સ્થાને રહ્યા. એટલું જ નહીં ઐલાનાબાદ વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસ ઉમેદવાર પવન બૈનીવાલ પણ પોતાની ત્રીજી પેટાચૂંટણી લડી રહ્યા છે. તેઓ ભાજપની ટિકિટ પર અગાઉ બે પેટાચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ હવે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.
ઉલ્લેખનીય છે કે અભય ચૌટાલાએ કેન્દ્રના ત્રણ કૃષિ કાનૂનના વિરોધમાં ગત જાન્યુઆરી મહિનામાં વિધાનસભાથી રાજીનામું આપી દીધું હતું માટે આ સીટ ખાલી થઈ હોવાથી અહીં પેટાચૂંટણી કરાવવી પડી છે. આ પેટાચૂંટણીમાં અભય ચૌટાલાને ખેડૂતોનું સમર્થન પ્રાપ્ત છે, તેમના પક્ષમાં ખેડૂતોના કેટલાય મત પડ્યા. આ બધાની વચ્ચે ચૂંટણી પંચે મોટું એલાન કરતાં મતગણતરી બાદ વિજય જુલૂસ કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત સંબંધિત રિટર્નિંગ અધિકારી પાસેથી ચૂંટણીનું પ્રમાણ પત્ર પ્રાપ્ત કરવા માટે વિજેતા ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિ સાથે 2થી વધુ વ્યક્તિઓને જવાની અનુમતી નથી આપી.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 4 વિધાનસભા, આસામમાં 5, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયમાં 3-3 સીટ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનમાં 2-2 સીટ અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ, તેલંગાણામાં એક-એક સીટ પર આજે મતગણતરી થઈ રહી છે.