કશ્મીરમાં કુલગામના પોમ્બઈ અને ગોપાલપોરામાં એન્કાઉન્ટર, ચાર આતંકી ઠાર!
શ્રીનગર, 17 નવેમ્બર : સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના પોમ્બઈ અને ગોપાલપોરા ગામમાં થયા હતા, જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. સાંજ સુધી બંને જગ્યાએ એન્કાઉન્ટર ચાલુ હતું. આતંકવાદીઓની હાજરીની સૂચના પર સુરક્ષા દળોએ પોમ્બાઈમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારબાદ એન્કાઉન્ટર થયું.
આઈજીપી કાશ્મીરે કહ્યું કે આજે પુલવામા પોલીસ અને સુરક્ષા દળોએ સતર્કતા દાખવીને મોટી દુર્ઘટના ટાળી છે. પુલવામા પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે લશ્કરના આતંકવાદીઓને સમર્થન કરવાના આરોપમાં આમિર બશીર અને મુખ્તાર ભટની ધરપકડ કરી છે. બ્લોકમાં ચેકિંગ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી આઈઈડી મળી આવ્યા છે. મામલાની તપાસ ચાલી રહી છે.
રાજ્યના બારામુલ્લામાં પણ આજે ગ્રેનેડ હુમલો થયો છે. પલહલન પટ્ટન પાસે આતંકીઓએ CRPF પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો. હુમલામાં બે સીઆરપીએફ જવાન અને એક નાગરિક ઘાયલ થયા છે. તમામની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારા સમાચાર એ છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.