EVM હેકિંગ પર ભાજપનો પ્રહાર- આખા મામલાની સ્ક્રિપ્ટ કોંગ્રેસે લખી
નવી દિલ્હીઃ લંડનમાં સોમવારે એક કથિત સાઈબર એક્સપર્ટે દાવો કર્યો હતો કે ભારતના ઈવીએમને હેક કરી શકાય છે. સૈયદ સૂજા નામના કથિત હેકરે દાવો કર્યો હતો કે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઈવીએમ હેક કર્યાં હતાં. આ દાવા બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જેને લઈ હવે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. સૈયદ સૂજાએ દાવો કરતા કહ્યું કે ઈવીએમ હેક થયાની જાણકારી ભાજપના નેતા ગોપીનાથ મુંડેને હતી, સૈયદ સૂજાએ ગોપીનાથ મુંડેના મૃત્યુને હત્યા ગણાવી હતી. આ ડેમોન્સ્ટ્રેશન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પણ હાજર હતા. આ કાર્યક્રમનું આયોજન ઈન્ડિયન જર્નલિસ્ટ એસોસિએશન તરફથી કરવામાં આવ્યું હતું. ઈવીએમ હેકિંગના આ નવા દાવાઓને ચૂંટણી પંચે પણ ફગાવ્યા છે અને સમગ્ર વિવાદ પર કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફ્રેન્સ કરી કપિલ સિબ્બલની હાજરી પર પણ સવાલ ઉઠાવ્યા છે.

ભાજેપ આરોપો ફગાવ્યા
રવિશંકર પ્રસાદે ઈવીએમ હેકિંગના દાવાને ફગાવતા કહ્યું કે હેકિંગ વિવાદમાં જે આશીષ રેનું નામ આવ્યું છે, તેની સાથે લંડનમાં રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. આશિષ રે પોતાના એક લેખમાં રાહુલ ગાંધીના વખાણ કરે છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે આશિષ રે એક સમર્પિત કોંગ્રેસી અને ભાજપ વિરોધી છે. તેમણે કહ્યું કે આ પ્રેસ કોન્ફ્રેસ કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત હતી.

કપિલ સિબ્બલ ત્યાં શું કરી રહ્યા હતા?
તેમણે સવાલ ઉઠાવ્યો કે કપિલ સિબ્બલ ત્યાં શું કરી રહ્યા હતા, કઈ હેસિયતથી ત્યાં ગયા હતા. મને લાગે છે કે કોંગ્રેસ તરફથી સમગ્ર મામલાની નજર રાખવામાં આવી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમની પટકથા કોંગ્રેસે લખી હતી. તેમણે કહ્યું કે આવું કરીને શું કોંગ્રેસ દેશના કરોડો મતદાતાઓનું અપમાન નથી કરી રહી?

ચૂંટણી પંચ પર આજે કોંગ્રેસ પ્રહાર કરી રહી છે
તેમણે કહ્યું કે ભાજપ પર ઈવીએમ હેકિંગનો આરોપ કેવી રીતે લગાવી શકાય છે જ્યારે અમારી પાર્ટી તો સત્તામાં પણ નહોતી. ભારતના ચૂંટણી પંચ પર આજે કોંગ્રેસ પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં હાર પહેલા જ બહાના શોધવા લાગી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સુનિયોજિત રીતે દેશની સંવૈધાનિક સંસ્થાઓની અસ્તિમતાને કમજોર કરવાનો પ્રયાસ કરી રહી છે.