નિવાર સાઈક્લોનને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા
નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દક્ષિણ ભારતમાં નવી એક આફતની એન્ટ્રી થઈ રહી છે. આજે સાંજે તમિલનાડુના દરિયા કાંઠેથી 'નિવાર' ચક્રવાતી તોફાન ટકરાશે. આ દરમ્યાન તેજ હવાઓ ચાલશે, સાથે જ વરસાદનો પણ કહેર મચાવતો જોવા મળી શકે છે. જેને લઈ ભારતીય હવામાન વિભાગે હાઈઅલર્ટ જાહેર કરી દીધું છે. પ્રશાસન તરફથી તમામને સુરક્ષિત સ્થાને રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તમિલનાડુ સિવાય પણ કેટલાય રાજ્યોમાં તોફાનની અસર જોવા મળશે.

આ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે
ચેન્નઈ સ્થિત એમઆઈટી વિભાગ મુજબ તમિલનાડુના વેલ્લોર, રાનીપેટ, તિરુવલ્લુર, તિરુપટ્ટુર, કૃષ્ણાગિરિ, તિરુચિરાપલ્લી, સલેમ અને ધર્મપુરી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત તંજાવુર, તિરુવૂર, નાગાપટ્ટિનમ, કુડ્ડલોર, ચેન્નઈ, કાંચીપુરમ, ચેંગલપટ્ટૂ, માયલાદુથિરાઈ, અરિયાલુર, પેરમ્બલુર, કલ્લૂરાચી, વિલ્લુપુરમ, તિરુવન્નમલાઈ અને પોંડિચેરીમાં ભારે માત્રામાં વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તોફાનને પગલે તમામ જિલ્લામાં પ્રશાસનને બચાવ દળ તૈયાર રાખવા કહેવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું
હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ અને નજીકના દક્ષિણપૂર્વી બંગાળની ખાડી ઉપર દબાણનું ક્ષેત્ર 11 કિમી પ્રતિ કલાકની ગતિએ પશ્ચિમ- ઉત્તર પશ્ચિમી દિશા તરફ વધ્યું છે. હવે 24 કલાક દરમ્યા બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર એરિયા ચક્રવાતી તોફાનમાં તબદીલ થશે જે આજે તમિલનાડુ અને પોંડિચેરીના તટ પર ટકરાશે. તમિલનાડુ ઉપરાંત આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણાને પણ આ વાવાઝોડું પ્રભાવિત કરશે.

કેટલી ગતિએ પવન ફુંકાશે?
દરિયા કાંઠે જ્યારે નિવાર વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 100થી 120 કિમી પ્રતિ કલાક હશે. જે કારણે માછીમારોને દરિયામાં ના જવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત સાત જિલ્લામાં બસ સેવા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. કેટલાય વિસ્તારોમાં આંશિક તો કેટલાક વિસ્તારોમાં પૂર્ણ રૂપે ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. વાવાઝોડાને જોતાં એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડબાઈ પર છે.
અહેમદ પટેલના નિધનના શોકમાં કોંગ્રેસના બધા મુખ્યાલયો પર પાર્ટીનો ઝંડો 3 દિવસ ઝૂકેલો રહેશે