Fact Check: શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવવાની તસવીરનું સત્ય
નવી દિલ્હીઃ 15 ઓગસ્ટ બાદથી એક ફોટો ખુબ વાયરલ થી રહ્યો છે, જેમાં શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવતો દેખાડવામાં આવ્યો છે. કેટલાય ભાજપી નેતાઓએ પણ આ ફોટો શેર કરતા કહ્યું કે પહેલીવાર આ સ્વતંત્રતા દિવસ પર લાલ ચોક પર તિરંગો ફરકાવવામા આવ્યો છે. જો કે આ દાવો બિલકુલ ખોટો છે. ફેક્ટ ચેક કરતી સાઈટ્સે જાણ્યું કે ફોટોશોપ દ્વારા આ ફોટોને પણ એડિટ કરવામા આવ્યો છે. જે બાદ આ ફોટોને લાલ ચોકની તસવીર ગણાવી વાયરલ કરી દેવામાં આવી છે.
તસવીર વિશે જાણવા મળ્યું કે આ ફોટો દસ વર્ષથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને ફોટોશોપ દ્વારા તેને બદલવામાં આવી છે. આ જૂની તસવીરમાં છેડછાડ કરવામા આવી છે. આ તસવીરને ભાજપના બે સાંસદો ઉપરાંત અન્ય કેટલાક લોકોએ પણ શેર કરી છે. જેમાં દિલ્હીના પૂર્વ મંત્રી કપિલ મિશ્રા પણ સામેલ છે. જો કે ફેક્ટ ચેકમાં સ્પષ્ટ થઈ ગયું કે સ્વતંત્રતા દિવસ પર લાલ ચોક પર કોઈ ધ્વજારોહણ કરાયું નથી. પ્રશાસનની સખ્તાઈને પગલે મોટાભાગના લોકો ઘરોમાં જ બંધ રહ્યા.
આ તસવીરને જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કરવા સાથે જોડવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપતા અનુચ્છેદ 370ને પગલે ક્યારેય લાલ ચોક પર તિરંગો ના દેખાયો પરંતુ આ વર્ષે લાલ ચોકના ક્લોક ટાવર પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ રહ્યો છે. આ તસવીરને ટ્વિટર પર શેર કરતા એક યૂઝરે લખ્યું- 5 ઓગસ્ટ 2019 બાદ શું બદલાઈ ગયું? શ્રીનગરનો લાલ ચોક જે વંશવાદી નેતાઓ અને જિહાદી તાકાતોના ભારત વિરોધી પ્રચારનું કેન્દ્ર બની ગયું હતું. હવે રાષ્ટ્રવાદનો તાજ બની ગયો છે.