• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મધ્ય પ્રદેશમાં નકલી રેમડેસિવિરનું રૅકેટ ઝડપાયું, શું છે ગુજરાત કનેક્શન?

By BBC News ગુજરાતી
|

મધ્ય પ્રદેશ પોલીસે જબલપુરમાંથી નકલી રેમડેસિવિર ઇન્જેકશનના વેચાણના કેસમાં સરબજીતસિંઘ મોખા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે.

વિશ્વ હિંદુ પરિષદના સાથે સંકળાયેલા મોખાએ ગુજરાતમાંથી નકલી ઇન્જેકશન મંગાવીને મધ્ય પ્રદેશના અન્ય શહેરોમાં વેચ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સમગ્ર ઘટનાક્રમ બહાર આવતાં વિહિપે આરોપી પદાધિકારી સાથે છેડો ફાડી નાખ્યો છે.

કૉંગ્રેસે સમગ્ર પ્રકરણની તપાસ રાજ્ય પોલીસ દ્વારા નહીં, પરંતુ સીબીઆઈ દ્વારા કરાવવાની માગ કરી છે. બીજી બાજુ, સરકારે 'રાસુકા' લગાડવાની વાત કહી છે.

કોરોનામાં રેમડેસિવિર ઇન્જેકશન 'જીવનદાતા' છે કે નહીં, તે અંગે તબીબોમાં ભિન્ન મત પ્રવર્તે છે, છતાં સારવારમાં તેનો ઉપયોગ સૂચવાયો હોય ભારે માગ રહે છે, પરંતુ તેટલા પ્રમાણમાં પુરવઠો ઉપલબ્ધ ન હોવાથી, અસામાજિક તત્વો દ્વારા આ સ્થિતિનો લાભ લેવા માટે પ્રયાસ થઈ રહ્યાં છે.

સુરત, ઇંદૌર, જબલપુર, બેંગ્લુરુ, દેહરાદૂન સહિત દેશના અનેક શહેરોમાં નકલી રેમડેસિવિર કે તેના કાળાબજારના અલગ-અલગ કિસ્સા નોંધાયા છે.


સુરતમાંથી શરૂઆત

https://www.youtube.com/watch?v=bRP7w1cH4i4

મે મહિનાની શરૂઆતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા મોરબી પોલીસે મળીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક ફાર્મહાઉસ ઉપર દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહીમાં પોલીસને નકલી શીશી તથા સ્ટિકર મળી આવ્યા હતા. આરોપીઓ તેમાં ગ્લુકોઝ તથા મીઠાંનું પાણી ભરીને તેને રેમડેસિવિર ઇન્જેક્શન તરીકે વેંચતા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ નકલી સામગ્રી મુંબઈથી મંગાવી હતી અને માત્ર ગુજરાત જ નહીં મધ્ય પ્રદેશમાં પણ વેચતા હતા. જેના આધારે મોરબી પોલીસે સ્થાનિક ટીમોને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી.

https://www.youtube.com/watch?v=2xw1nu4_Wxk

આને આધારે ગત સપ્તાહે મધ્ય પ્રદેશમાં દવાના વેપારી સપન ઉર્ફે સોનુ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. જે મૂળ જબલપુરના રહેવાસી છે.

ગુજરાતથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં નકલી ઇન્જેકશનના કાર્ટનની બે ખેપ 20થી 30 એપ્રિલની વચ્ચે ઇંદૌર પહોંચી હતી.

જેમાંથી જબલપુરના મોખા ઉપરાંત અન્ય શહેરોને નકલી ઇન્જેકશન મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દેવેશ નામના એક શખ્સે આ ઇન્જેકશન જબલપુરમાં મોખાને આપ્યા હતા.


કોણ છે સરબજીત મોખા?

વિહિપના કાર્યકારી શહેર અધ્યક્ષ મોખા જબલપુરમાં સિટી હૉસ્પિટલ ધરાવે છે અને તેમણે ઇન્જેકશન પોતાને ત્યાં દરદીઓ ઉપર વાપર્યા હતા અને તેના માટે ઊંચી કિંમત વસૂલી હતી.

વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આ મુદ્દે જણાવ્યું, "મધ્ય પ્રદેશમાં વિહિપના નેતાઓ સાથે મારી વાત થઈ છે, તે મુજબ આ શખ્સ (સરબજીત મોખા) છેલ્લા કેટલાક વર્ષથી સંગઠન સાથે જોડાયેલા હતા."

"એક તરફ વિહિપના કાર્યકર્તા ઓક્સિજન કૉન્સ્ટન્ટ્રેટર, બૉટલ તથા અન્ય રીતે સેવાકાર્યમાં લાગેલા છે. ઝારખંડમાં સંગઠનને કારણે નકલી ઇન્જેકશનનું કૌભાંડ પકડાયું હતું. ત્યારે આવા લોકો માટે સંગઠનમાં કોઈ સ્થાન નથી."

"તેમને તાત્કાલિક અસરથી સંગઠનમાંથી હઠાવી દેવામાં આવ્યા છે. અમે માગ કરીએ છીએ કે તંત્ર દ્વારા આ મુદ્દે પૂરી તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ."

દરમિયાન મધ્ય પ્રદેશ પોલીસની જબલપુર રેન્જના આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ) ભગવતસિંહ ચૌહાણ દ્વારા હદવિસ્તારમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેકશનના વેચાણના સંદર્ભમાં 18 સભ્યો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. જેનું નેતૃત્વ જબલપુરના એએસપી રોહિત કાસવાનીને સોંપવામાં આવ્યું છે.

https://www.youtube.com/watch?v=EABapOffNjM&t=2s

બીબીસી સાથે વાત કરતા કાસવાનીએ જણાવ્યું, "મોરબી પોલીસને સાથે રાખીને મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપી સરબજીતસિંઘ મોખાની ધરપકડ કરવામાં આવી છે."

"હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલમાં અમે જબલપુરમાં તપાસ હાથ ધરી છે અને જેમ-જેમ જરૂર પડશે તેમ તપાસને અન્ય શહેરોમાં પણ વિસ્તારીશું."

"અમે એક એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરી છે. એક શખ્સની મોરબી પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અમે બે શખ્સની ધરપકડ કરી છે."

આ શખ્સોએ સેંકડોની સંખ્યામાં નકલી રેમડેસિવિર ઇન્જેકશન વેચ્યા હોવાનો આરોપ છે.

આ મુદ્દે કાસવાનીનું કહેવું છે કે આ ટોળકીએ કેટલા ઇન્જેકશન વેચ્યા હશે, તે મુદ્દે અત્યારે કંઈપણ કહેવું વહેલું ગણાશે અને વ્યાપક તપાસ બાદ જ આ અંગે કશું કહી શકાશે.

ગત વર્ષે મે મહિનામાં કાસવાનીને પણ કોરોના થયો હતો અને તેઓ સાજા થયા છે. જબલપુર ઉપરાંત ઇંદૌરમાં પણ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં પણ મોરબી પોલીસ સંકળાયેલી છે.

મધ્ય પ્રદેશ ડીજીપી (ડાયરેકટર જનરલ ઑફ પોલીસ) દ્વારા એડીજી (એડિશન ડાયરેકટર જનરલ ઑફ પોલીસ) કક્ષાના અધિકારીને નકલી રેમડેસિવિર તથા દવાની કાળાબજારી સંબંધિત કેસોમાં તપાસના નોડલ ઑફિસર તરીકે નિમ્યા છે.


'મને કોરોના થયો છે'

કૌભાંડમાં નામ ખુલતા તેઓ ફરાર થઈ ગયા હતા.

બાદમાં હળવા હાર્ટઍટેકનું કારણ આગળ કરીને પોતાની જ હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા, એટલે તેમના દવાખાનાની બહાર કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી.

બાદમાં પોતાને કોરોના થયો હોવાનું જણાવ્યું હતું.

આથી, પોલીસે જિલ્લા હૉસ્પિટલની ટીમને સાથે રાખીને તેનો એન્ટિજન તથા આરટી-પીસીઆર ટેસ્ટ કર્યો છે. એન્ટિજન રિપોર્ટ નૅગેટિવ આવતા પોલીસે ધરપકડ કરી હતી.

જબલપુરમાં પોલીસે ભારતીય દંડસંહિતા (274,275,308 તથા 420), ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ તથા ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

જો આ ઇન્જેકશનને કારણે કોઈના મૃત્યુ થયું હોવાનું બહાર આવશે, તો પોલીસ દ્વારા હત્યાને લગતી કલમો પણ જોડવામાં આવશે.

દરમિયાન ઇંદૌરના વકીલોના સંગઠને તેમનો કેસ લડવાનો ઇન્કાર કરી દીધો છે. પોલીસને આશંકા છે કે આ કૌભાંડના તાર મધ્ય પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, સંઘ પ્રદેશ સેલવાસ અને દમણ સાથે પણ જોડાયેલા છે.


સીબીઆઈ તપાસની માગ

નકલી ઇન્જેકશન મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે, મુખ્ય મંત્રીએ કોઈને પણ નહીં છોડવાની વાત કરી છે, તો કૉંગ્રેસે સમગ્ર પ્રકરણમાં સીબીઆઈ તપાસની માગ કરી છે.

મધ્ય પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રામનિવાસ રાવતે આ મુદ્દે જણાવ્યું, "ભાજપશાસિત પ્રદેશ (ગુજરાત)માં નકલી ઇન્જેકશન બન્યા તથા ભાજપશાસિત બીજા રાજ્ય (મધ્ય પ્રદેશ)માં તેનું વેચાણ થયું."

"તેમના જ લોકો આ કૌભાંડમાં સંકળાયેલા છે, એવું બહાર આવ્યું છે. કોણે ઇન્જેકશન બનાવ્યા, કોણે મધ્ય પ્રદેશમાં મંગાવ્યા, કયા ડૉક્ટરે આપ્યાં તથા કયા-કયા દરદીને આપવામાં આવ્યા તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ."

"પોલીસ દ્વારા ત્વરિત તપાસ થશે, એમ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ અમને નથી લાગતું કે તટસ્થ તપાસ થશે. આથી અમે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસની માગ કરીએ છીએ."

રાવત ઉમેરે છે, "જે લોકોને દવાની ઇન્ડેકશનની જરૂર હતી, તેમને બનાવટી ઇન્જેકશન આપવામાં આવ્યા અને તેમને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા. આ પ્રત્યક્ષ રીતે હત્યાનો મામલો છે."

https://twitter.com/bbcnewsgujarati/status/1392701485507497987

ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી રાજકીય જ્યારે વિહિપએ ધાર્મિક પાંખ છે અને આ રીતે તેઓ ભગિની સંસ્થાઓ માનવામાં આવે છે.

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સોમવારે જબલપુરમાં હતા.

અહીં તેમને પત્રકારપરિષદ દરમિયાન તીખા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.

ચૌહાણે કહ્યું , "દવા કે ઇન્જેકશનના મુદ્દે જેણે કોઈએ ગડબડ કરી છે, તે વ્યક્તિ નહીં 'નરપશુ' છે."

"તેને જાનવર કહેવીએ જાનવરોનું અપમાન છે. આવી વ્યક્તિ હેવાન છે. આવી કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે."

"પ્રદેશમાં અનેક લોકોની સામે રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાયદા) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે."

"તેમને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેઓ માણસાઈના દુશ્મન છે, તેમને કોઈપણ કિંમતે છોડવામાં આવે."


ગુજરાત અને રેમડેસિવિર કૌભાંડ

https://twitter.com/GujaratPolice/status/1389481529991176194

તા. ચોથી મેના દિવસે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને દાવો કર્યો કે તેણે તાજેતરમાં રેમડેસિવિરની કાળાબજારી તથા નકલી ઇન્જેકશનનું ઉત્પાદન કરતાં 100થી વધુ શખ્સોની ધરપકડ કરી છે અને 32થી વધુ ગુના નોંધ્યા છે.

પરંતુ, એ પછી અમદાવાદ પોલીસે જે કેસ નોંધ્યો, તેણે તબીબી અલમને હચમચાવી નાખ્યું. બાતમીના આધારે સોલા પોલીસે જય શાહ નામના શખ્સની ધરપકડ કરી હતી.

તેમની પાસેથી રેમડેસિવિરના છ ઇન્જેકશન મળી આવ્યા હતા.

તપાસમાં બહાર આવ્યું હતું કે તેમણે બે ઇન્જેકશન સુરતના ડૉ. મિલન સુતરિયા, ડૉ. કીર્તિ દવે તથા અમદાવાદનાં એક નર્સ પાસેથી ખરીદ્યાં હતાં.

https://twitter.com/bbcnewsgujarati/status/1386651995373662210

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં રહેતાં આ નર્સ શહેરની ખાનગી હૉસ્પિટલમાં કામ કરે છે.

ડૉ. મિલન સુરતરિયા સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની એક હૉસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જ્યારે ડૉ. કીર્તિ દવે ખાનગી હૉસ્પિટલમાં ફરજ બજાવે છે.

સોલા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે સુરતના ડૉ. કીર્તિ દવેએ આ ઇન્જેક્શન જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હૉસ્પિટલમાં કામ કરતા ડૉ. ધર્મેશ બદલાણિયા પાસેથી મેળવ્યા હતા.

અગાઉ ઇરવિન હૉસ્પિટલ તરીકે ઓળખાતી જીજી હૉસ્પિટલ જામનગર જિલ્લાની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ છે અને ત્યાં કોરોનાના દરદીઓની સારવાર માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આરોપી ધર્મેશ ત્યાં કોરોનાસંબંધિત ફરજ બજાવતા હતા, એ દરમિયાન તેમણે આ ઇન્જેકશન મેળવ્યા હતા.

ધર્મેશે અહીંની મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને રેડિયૉલૉજીમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કરતા હતા.

આ ઇન્જેકશન ત્યાં સારવાર લઈ રહેલા દરદીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવ્યા હતા. આમ આ પ્રકરણમાં કુલ ત્રણ તબીબોની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરની સ્વામિનારાયણ કોવિડ હૉસ્પિટલમાં સ્ટૉકમાં શૂન્ય રેમડેસિવિર ઇન્જેકશન હતા, પરંતુ 22 ઇન્જેકશન મળી આવ્યા હતા. આથી આ કેસમાં પણ પોલીસ દ્વારા હૉસ્પિટલના સંચાલક વિરુદ્ધ ફરિયાદ કાળ કરવામાં આવી છે.

ડીસાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે રેમડિવિસર ઇન્જેકશન સાથે ખરીદનાર અને વેચનાર એમ આઠેક શખ્સની ધરપકડ કરી હતી.

તેમણે આ ઇન્જેકશન અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ પાસેથી મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતું અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.


રેમડેસિવિર કેટલી લાભકારક?

ગત વર્ષે જ્યારે કોરોના ફાટી નીકળ્યો ત્યારે તેની કોઈ ચોક્કસ સારવાર ભારત કે વિશ્વ પાસે ઉપલબ્ધ ન હતી. એવા સંજોગોમાં અલગ-અલગ દવાની અજમાયશ કરવામાં આવી હતી.

જેમાં મૂળતઃ ઇબોલા માટે શોધાયેલી રેમડેસિવિર, મલેરિયા (હાઇડ્રોક્સિનક્લોરોક્વિન), શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરતી દવા ઇન્ટરફેરોન તથા એચઆઈવી (હ્યુમન ઇમ્યુનોડેફિસન્સિ સિન્ડ્રૉમ)ની દવા લોપિનાવિર તથા રિટોનાવિરનાં પરીક્ષણ હાથ ધરવામાં આવ્યા હતા.

પ્રારંભિક અજમાયશમાં સંતોષકારક પરિણામ નહીં મળતા જૂન મહિનાથી જ હાઇડ્રોક્સિનક્લૉરોક્વિન, લોપિનાવિર તથા રિટોનાવિરનો વપરાશ અટકાવી દેવામાં આવ્યો હતો, પરંતુ અન્ય દવાઓનું પરીક્ષણ ચાલુ રહ્યું હતું.

https://www.youtube.com/watch?v=sG3HbQGgLFo

ઑક્ટોબર-2020માં WHOએ 30 દેશની 500 હૉસ્પિટલમાં 11 હજાર 266 પુખ્ત દરદીના અભ્યાસ પરથી જણાવ્યું હતું કે રેમડેસિવિરને કારણે કોરોનાના દરદીના જીવન-મરણ વચ્ચે સામાન્યથી નહિવત્ ફરક પડે છે.

રેમડેસિવિર બનાવતી કંપની ગિલિડે WHOના તારણોને 'સાતત્યપૂર્ણ નહીં' જણાવીને નકારી કાઢ્યા હતા. બાદમાં અમેરિકાના એફડીએ (ફૂડ ઍન્ડ ડ્રગ્સ એજન્સી) તેને સારવારમાં સામેલ કરતા તેની માગ વધી ગઈ હતી.

ભારતમાં સારવાર પ્રણાલી માટેની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે પણ આ વાત કહી હતી. એપ્રિલ મહિનામાં રેમડેસિવિર 'જીવનરક્ષક' નહીં હોવાની વાતને દોહરાવી હતી.



https://youtu.be/KwzsRHt57fU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Fake Ramdasivir racket caught in Madhya Pradesh, what is Gujarat connection?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X