ખેડૂત આંદોલનના 100 દિવસ પૂરા થવા પર પ્રિયંકા ગાંધીએ કહી આ વાત...
કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થઈ ગયા છે. પરંતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કૃષિ કાયદા પરત લેવા માટે તૈયાર નથી. જ્યારે ખેડૂત આંદોલનના 100 દિવસ પૂરા થવા પર કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. આ દરમ્યાન પ્રિયંકા ગાંધીએ 2 મિનિટ 32 સેકન્ડનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે.

ભાજપ સરકારના અહંકારના 100 દિવસઃ પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ શનિવારે 6 માર્ચે ટ્વીટ કરી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો બોલ્યો છે. આ દરમ્યાન પ્રિયંકા ગાંધીએ 2 મિનિટ 32 સેકન્ડનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું, 100 દિવસ ખેડૂતોના સંઘર્ષના, હકની લડાઈના, અન્નદાતાના સન્માનના, ગાંધીજી, સરદાર પટેલ, નેહરૂ જી, શાસ્ત્રી જી, શહીદ ભગત સિંહના દેખાડેલા રસ્તાના. 100 દિવસ ભાજપ સરકારના અહંકારના, ખેડૂતો પર પ્રહારના, ઝૂઠ અને ખેડૂતોના તિરસ્કારના.

દિલ્હી બોર્ડર પર ચાલી રહ્યું છે આંદોલન
ઉલ્લેખનીય છે કે હાલ દિલ્હીની કેટલીય સીમાઓ પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, જેમાંથી ગાજીપુર બોર્ડરની કમાન રાકેશ ટિકૈતે સંભાળી છે. કૃષિ કાયદા વિરુદ્ધ પહેલાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં વેસ્ટ યૂપીના ખેડૂતો પણ આંદોલનમાં સામેલ થઈ ગયા.

સરકાર વાતચીત માટે તૈયાર પરંતુ કાયદા રદ્દ નહિ થાય
જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ સ્પષ્ટ રીતે કહી ચૂકી છે કે તેઓ કાયદામાં સંશોધન માટે તૈયાર છે, પરંતુ કાયદો રદ્દ નહિ થાય. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન કાઢવા માટે તૈયાર છે. આની સાથે જ નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ખેડૂતો વચ્ચે કૃષિ કાયદાને લઈ ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. ત્રણ કૃષિ કાયદા દેશના ખેડૂતોની આવક વધારવા અને તેમને સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યા છે.