
ખેડૂત આંદોલન હજુ ખતમ નથી થયુ તેને બસ રોકવામાં આવ્યુ છેઃ CM ભૂપેશ બઘેલનો દાવો
રાયપુરઃ છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે શુક્રવારે(10 ડિસેમ્બર) કહ્યુ કે ખેડૂતોનુ આંદોલન હજુ ખતમ નથી થયુ. આ બસ હજુ અટકેલુ છે. ખેડૂતોને ગુરુવારે(9 ડિસેમ્બર) કેન્દ્ર પાસેથી તેમની પેન્ડીંગ માંગો પર સંમતિનો ઔપચારિક પત્ર મળ્યા બાદ, સિંધૂ સીમા પર ખેડૂતોએ કૃષિ કાયદા સામે પોતાનો વિરોધ પાછો લીધા બાદ પોતાના ઘરે પાછા આવવાની તૈયારી શરૂ કરી દીધી. ખેડૂતોના વિરોધ વિશે પૂછવા પર ભૂપેશ બઘેલે કહ્યુ, 'ખેડૂતોએ પોતાનુ આંદોલન પાછુ નથી લીધુ. બસ તેને રોકી દીધુ છે. આંદોલન સમાપ્ત નથી થયુ. ખેડૂત પહેલા સરકારના પ્રસ્તાવને જોશે અને પછી નિર્ણય કરશે.'
કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉન સામે છત્તીસગઢની તૈયારીઓ પર મુખ્યમંત્રીએ કહ્યુ, 'અમે ઓમિક્રૉન વેરિઅંટ માટે સંપૂર્ણપણે તૈયાર છે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે એ છત્તીસગઢ ન આવે.' તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 26 નવેમ્બરથી દિલ્લીની વિવિધ સીમાઓ પર ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ બુધવારે ઘોષણા કરી કે તે પોતાના વર્ષથી ચાલી રહેલા આંદોલનને સ્થગિત કરી રહ્યા છે અને 11 ડિસેમ્બરે વિરોધ સ્થળોને ખાલી કરી દેશે.
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચારુનીએ એક પત્રકાર સંમેલનને સંબોધિત કરીને કહ્યુ, 'અમે પોતાનુ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. અમે 15 જાન્યુઆરીએ એક સમીક્ષા બેઠક કરીશુ. જો સરકાર પોતાના વચનો પૂરી નહિ કરે તો અમે પોતાનુ આંદોલન ફરીથી શરુ કરી શકીએ છીએ.' આ પહેલા 29 નવેમ્બરે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભા બંનેએ કૃષિ વાપસી બિલ પાસ કર્યુ હતુ. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રના નામે સંબોધનમાં ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ લોકસભા અને રાજ્યસભા બંનેએ કૃષિ કાયદા વાપસી બિલ પાસ કરી દીધુ છે.