Farmers Protest : પોલીસ કસ્ટડીમાં પ્રિયંકાના ઉપવાસ, ખેડૂતોને મળ્યા વગર નહીં જાઉં!
સીતાપુર, 04 ઓક્ટોબર : યુપીમાં રવિવારે મોટો હંગામો થયો હતો. લખીમપુર ખીરીમાં સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ પર કારથી ખેડૂતોને કચડી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારબાદ પોલીસે મંત્રીના પુત્ર આશિષ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. સોમવારે સવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા લખીમપુર ખીરી પહોંચવાના હતા, પરંતુ તેમની હરગાંવ નજીક અટકાયત કરવામાં આવી અને સીતાપુર પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવ્યા છે. હવે યુપી સરકાર અને પોલીસની કાર્યશૈલીથી નારાજ પ્રિયંકા ગાંધીએ કસ્ટડીમાં ઉપવાસ શરૂ કર્યા છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી સાવરણીથી પોલીસ કસ્ટડી રૂમની સફાઈ કરતા પણ જોવા મળ્યા હતા.
રવિવારે ખેડૂતોના પ્રદર્શન બાદ મોટો હંગામો થયો હતો. આ દરમિયાન આરોપ છે કે મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની ગાડીએ ખેડૂતોને કચડી નાખ્યા હતા, આ હિંસામાં 8 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ પ્રિયંકા ગાંધી મોડી રાત્રે 1 વાગ્યે લખીમપુર ખીરી જવા રવાના થઈ હતી, પ્રિયંકા હિંસા દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પીડિત પરિવારને મળવા જઈ રહી હતી, પરંતુ પોલીસે તેને સીતાપુર નજીક આગળ જતા અટકાવી અને કસ્ટડીમાં લઈ લીધા હતા.
હવે પોલીસ કસ્ટડીમાં પ્રિયંકા ગાંધીએ ઉપવાસ શરૂ કર્યા છે અને માંગણી કરી છે કે હું ખેડૂતોને મળ્યા વગર નહીં જાઉં. તે ખેડૂતોને મળ્યા વગર ન જવાની માંગ પર અડગ છે. એવો પણ આરોપ છે કે પોલીસે પ્રિયંકા ગાંધી સુધી કાનૂની સહાય પણ પહોંચવા દીધી નથી. વહેલી સવારે પ્રિયંકા ગાંધી અને પોલીસ વચ્ચે જોરદાર દલીલ થઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.