AIIMSમાં વધુ એક મોત, હોસ્ટેલમાં મળ્યો વિદ્યાર્થિનીનો મૃતદેહ
નવી દિલ્હી: અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનમાં વધુ એક મોતનો મામલો સામે આવ્યો છે. AIIMSમાં ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ પંખા સાથે લટકેલો જોવા મળ્યો. રાજસ્થાનના બીકાનેરમાં રહેતી ખુશ્બુ ચૌધરી MBBSના First Yearમાં અભ્યાસ કરતી હતી. જેનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં તેના રૂમમાંથી મળી આવ્યો હતો, જે અંગેની જાણકારી હોસ્ટેલની અન્ય વિદ્યાર્થિનીઓએ મોડીરાત્રે એઈમ્સ પ્રશાસનને આપી હતી.
ઘટનાની જાણ થયા બાદ હોસ્ટેલની હોસ્પિટલનો સ્ટાફ અને હોસ્ટેલના અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા જ દિલ્હી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પરથી કોઈ સ્યુસ્યાઈડ નોટ નથી મળી.
ખુશ્બુએ 10 જૂલાઈ 2015ના રોજ MBBSના પ્રથમ વર્ષ માટે સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પોલીસને જાણકારી મળી હતી કે તે એક ખુશ મિજાજી છોકરી હતી. સાજે તે પોતાના મિત્રો સાથે શોપિંગ માટે ગઈ હતી.
પોલીસની સાથે સાથે એઈમ્સ પ્રશાસને પણ ઘટના અંગે તપાસની શરૂઆત કરી દીધી છે. ઘટનામાં એ તપાસ પણ કરવામાં આવશે કે આ ઘટનાના તાર રેગીંગ સાથે તો નથી જોડાયેલા? હાલમાં મૃતકના પરિજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.