નોટબંધીની કાયદાકીય માન્યતાની ચકાસણી માટે 5 જજોની બેંચ
નોટબંધીની બંધારણીય ચકાસણી અંગે કેન્દ્રએ આપત્તિ ઉઠાવી હતી કે, નોટબંધીનો મામલો ન્યાય ચકાસણી હેઠળ નથી આવતો. સુપ્રિમ કોર્ટે કેન્દ્રની આ આપત્તિ નકારતાં શુક્રવારે 5 જજોની એક બંધારણીય બેંચ સુયોજિત કરવાનો નિર્ણય લીધો છે, જે 8 નવેમ્બરના મોદી સરકારના નોટબંધીના નિર્ણયની માન્યતાની ચકાસણી કરશે.
પાંચ જજોની બેંચ બનાવવાનો નિર્ણય
સુપ્રિમ કોર્ટના સીફ જસ્ટિસ ટીએસ ઠાકુર, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે એક મહત્વના નિર્ણયમાં જણાવ્યું કે, 8 નવેમ્બરનો 500 અને 1000 ની નોટો બંધ કરવાનો નિર્ણય કાયદેસર છે કે નહીં, તેની ચકાસણી માટે પાંચ જજોની એક બંધારણીય બેંચ સુયોજિત કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે વાંધો ઉઠાવ્યો હતો કે, નોટબંધીનો નિર્ણય વહીવટી ક્ષેત્રમાં આવે છે, નહીં કે ન્યાયિક ચકાસણીના ક્ષેત્રમાં. પરંતુ સુપ્રિમ કોર્ટે આ વાત નકારી ઉપરોક્ત નિર્ણય જાહેર કર્યો છે.
અહીં વાંચો - વેરાવળ રોડ પર થયો ગોજારો અકસ્માત
સુપ્રિમ કોર્ટે સરકારને રાહત આપી
સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, તે સરકારના નોટબંધીને લાગુ કરવાના કામમાં દખલ નહીં કરે. આનાથી સરકારને ઘણી રાહત મળી છે. આ સાથે જ સુપ્રિમ કોર્ટે નોટબંધી સંબંધિત કેસો હાઇ કોર્ટ અને લોઅર કોર્ટમાં ચલાવવા પર પ્રતિબંધ મુક્યો છે. હવે આવા કેસોની સુનવણી માત્ર સુપ્રિમ કોર્ટમાં જ થશે. નોટબંધીને લાગુ કરવાના કામમાં પરોવાયેલી સરકારને સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, તેમણે આગળ કરેલા વાયદા અનુસાર જનતાને દર અઠવાડિયે 24,000 રોકડ મળે આ વાત તેઓ સુનિશ્ચિત કરે.