
મોહમ્મદ પેગમ્બર વિવાદ વચ્ચે દિલ્લીમાં ઈરાનના વિદેશ મંત્રીને મળ્યા એસ. જયશંકર
નવી દિલ્લીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે તેમના ઈરાની સમકક્ષ હુસૈન આમિર અબ્દુલ્લાહિયા સાથે અફઘાનિસ્તાન, યુક્રેન અને અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સાથે તેમણે વ્યાપાર, આરોગ્ય, લોકો વચ્ચેના સંપર્કો સહિતના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બેઠક બાદ વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કર્યું કે, 'ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાહિયા સાથે વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા થઈ. અમે બિઝનેસ, કનેક્ટિવિટી, હેલ્થ, લોકો-થી-લોકોના સંપર્કો સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. ઈરાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયાના દેશો ભાજપના બે ભૂતપૂર્વ કાર્યકર્તાઓ દ્વારા પેગમ્બર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
અફઘાનિસ્તાન, યુક્રેન, જોઈન્ટ કોમ્પ્રીહેન્સિવ પ્લાન ઓફ એક્શન (JCPOA) સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરી. નાગરિક અને વાણિજ્યિક બાબતોમાં સામાન્ય કાનૂની સહાયતા માટે બંને પક્ષો વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલા જયશંકરે મીટિંગની તસવીર સાથે ટ્વીટ કર્યુ હતુ કે, 'નવી દિલ્હીમાં ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાનનુ સ્વાગત છે. આજે અમારી ચર્ચામાં અમારા ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો દર્શાવવામાં આવશે.' તમને જણાવી દઈએ કે ઈરાનના વિદેશ મંત્રી અબ્દુલ્લાિહયા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ દિવસીય ભારતની મુલાકાતે છે. આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો અને અફઘાનિસ્તાન સહિત મહત્વપૂર્ણ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે.
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઑપરેશનના સભ્ય દેશના વરિષ્ઠ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત છે, જે પેગમ્બર મોહમ્મદ પર ભાજપના બે ભૂતપૂર્વ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર આરબ દેશોની તીવ્ર પ્રતિક્રિયા પછી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ નવી દિલ્હીમાં બેઠકો બાદ અબ્દુલ્લાહિયાન મુંબઈ અને હૈદરાબાદ પણ જશે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે ઈરાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના ઊંડા ઐતિહાસિક સંબંધો અને સંબંધો વધુ મજબૂત બનશે.
અબ્દુલ્લાહિયાનની ભારત મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઈરાને કુવૈત, કતાર સાથે મળીને ભારતીય રાજદૂતને બોલાવીને પેગમ્બર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના બે ભૂતપૂર્વ નેતાઓના વિવાદાસ્પદ નિવેદન પર વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (OIC)ની ટિપ્પણીઓને સદંતર ફગાવી દીધી હતી. ગલ્ફ ક્ષેત્રમાં ઈરાન ભારત માટે મહત્વપૂર્ણ દેશ છે. બંને પક્ષોએ દક્ષિણપૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં કનેક્ટિવિટી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.