પેંગોગ લેક પર પુલ બનાવવા પર વિદેશ મંત્રાલયે તોડી ચુપ્પી, કહ્યું- સ્થિતિ પર અમારી નજર
પેંગોંગ સરોવર પર ચીન દ્વારા પુલના નિર્માણ સાથે જોડાયેલા સમાચાર અંગે ભારતે કહ્યું છે કે સરકાર આ મામલામાં ચાંપતી નજર રાખી રહી છે. ગુરુવારે, વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પુલનું નિર્માણ તે વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે જે લગભગ 60 વર્ષથી ચીનના ગેરકાયદે કબજામાં છે. સરકાર સુરક્ષાના હિતોને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
તાજેતરમાં સેટેલાઇટ ફોટા દ્વારા એ વાત સામે આવી છે કે ચીન એલએસીની ખૂબ નજીક પેંગોંગ તળાવના તેના કબજા હેઠળના વિસ્તારમાં એક પુલ બનાવી રહ્યું છે. આ પુલ પેંગોંગ લેકના ઉત્તરી અને દક્ષિણ કાંઠાને જોડશે, જેનાથી ચીની સૈન્યને ઘણો ફાયદો થશે. ભારતે હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે. ભારતે કહ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે આવી ગતિવિધિઓમાં સામેલ થવાને બદલે ચીન ભારત સાથે મળીને તે મુદ્દાઓને ઉકેલવા માટે પગલાં ભરશે જેના પર બંને દેશો વચ્ચે સંઘર્ષ છે.

અરુણાચલના વિસ્તારોના નામ બદલવાની ચીનની નકામી કવાયત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ગયા અઠવાડિયે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ ચીન દ્વારા બદલવાના અહેવાલો પણ જોયા હતા. વિસ્તાર પોતાનો છે એવો દાવો કરવાની આવી કવાયત હાસ્યાસ્પદ છે.
ગલવાનમાં ચીની સેના દ્વારા ધ્વજ ફરકાવવાના વીડિયો અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ અંગેના મીડિયા અહેવાલો તથ્યથી સાચા નથી. ભારતમાં કેટલાય મીડિયા હાઉસે દાવાની વિરુદ્ધની તસવીરો જાહેર કરી છે.

અફઘાનિસ્તાનને મદદ કરવાની પ્રતિબદ્ધતા
અરિંદમ બાગચીએ માહિતી આપી છે કે ભારતે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય તરીકે 50,000 મેટ્રિક ટન ઘઉં સાથે જીવનરક્ષક દવાઓ સપ્લાય કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભે, અમે ઘઉંના શિપમેન્ટ માટે યોગ્ય પદ્ધતિ પર પાકિસ્તાની અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ.

શ્રીલંકામાં માછીમારોની ધરપકડ પર મંત્રાલય
શ્રીલંકામાં ભારતીય માછીમારોની ધરપકડ પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "શ્રીલંકાના પ્રશાસને 18-20 ડિસેમ્બરની વચ્ચે તમિલનાડુમાંથી 68 માછીમાર અને 10 બોટની અટકાયત કરી હતી." ભારત સરકારે આ મામલે શ્રીલંકા સરકાર સાથે વાત કરી છે. આ માછીમારોને જરૂરી તમામ સામગ્રી આપવામાં આવી રહી છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને આ ભારતીય માછીમારોની વહેલી મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો છે. અત્યાર સુધીમાં 12 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. બાકીના માછીમારોની વહેલી મુક્તિ માટે ભારતીય હાઈ કમિશન પણ પ્રયાસ કરી રહ્યું છે.