ઝારખંડઃ વિધાનસભા ચૂંટણી નહિ લડી શકે પૂર્વ CM મધુ કોડા, SCએ લગાવી રોક
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે અને બધા ઉમેદવાર નામાંકન ભરવાની પ્રક્રિયામાં લાગી ગયા છે. આ દરમિયાન ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે મધુ કોડા પર ચૂંટણી લડવા પર પ્રતિબંધને યથાવત રાખીને તેમની અરજી પર મેરિટ પર સુનાવણી કરવાની વાત કહી છે. ન્યાયાધીશે કહ્યુ કે મધુ કોડાની અયોગ્યતાને ખતમ થવામાં એક વર્ષ બાકી છે એટલા માટે તે ચૂંટણી ન લડી શકે. વિલંબ માટે મધુ કોડાને જ કોર્ટે જવાબદાર ગણાવ્યા છે.
તમને જણાવી દઈએ કે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. 81 વિધાનસભા સીટ પર પાંચ તબક્કામાં મતદાન થવાનુ છે. પહેલા દિવસની વોટિંગ 30 નવેમ્બરના રોજ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. મતદાન પૂર્ણ થયા બાદ 23 ડિસેમ્બરે ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થશે. ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડાને ચૂંટણી પંચે 2009માં થયેલા ચૂંટણી ખર્ચની યોગ્ય માહિતી ન આપવાના કારણે સપ્ટેમ્બર 2017માં અયોગ્ય ગણાવી દીધા હતા. તેમના 2020 સુધી ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી હતી. કોડા ઝારખંડની ચાઈબાસા સીટથી ચૂંટણી જીત્યા હતા.
શું સમગ્ર કેસ
વર્ષ 2009માં ઈલેક્શનમાં ચૂંટણી પંચને ફરિયાદ મળી કે મધુ કોડાએ ચૂંટણીમાં કરેલ ખર્ચની યોગ્ય માહિતી આપી નથી. ત્યારબાદ ચૂંટણી પંચે કોડા સામે નોટિસ જારી કરીને પૂછ્યુ કે તમે ખર્ચની યોગ્ય માહિતી આપી નથી. તમને અયોગ્ય કેમ જાહેર ન કરાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોડાએ ચૂંટણી પંડને માહિતી આપી કે ઈલેક્શનમાં કુલ 18 લાખ 92 હજાર 353 રૂપિયા ખર્ચ થયા જ્યારે વાસ્તવમાં આ રકમ ઘણી વધુ હતી. ચૂંટણી પંચે કોડાને આપેલી માહિતીને ખોટી ગણાવી અને તેમને અયોગ્ય જાહેર કર્યા.
આ પણ વાંચોઃ કેન્દ્રમાં અમારી સરકાર માટે મંદિરના પક્ષમાં આવ્યો ચુકાદોઃ ભાજપ સાંસદ