દિલ્હી રમખાણોની આરોપી પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંને જામીન મળ્યા!
નવી દિલ્હી : વર્ષ 2020માં દિલ્હીમાં થયેલા કોમી રમખાણોના કાવતરાની આરોપી પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંને જામીન મળી ગયા છે. લગભગ બે વર્ષ જેલમાં રહ્યા બાદ ઈશરતને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળી ગયા. ઈશરતની ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2020માં રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વમાં કોમી રમખાણો થયા હતા, જેમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. આમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા અને 700 થી વધુ ઘાયલ થયા. રમખાણો દરમિયાન ઈશરત જહાંની 26 ફેબ્રુઆરીએ ખુરેજીમાં CAA વિરોધી વિરોધ સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ભીડને ઉશ્કેરવાનો આરોપ હતો. જેમાં તેણીને 21 માર્ચે જામીન મળી ગયા હતા, પરંતુ પોલીસે તે જ દિવસે તેના પર UAPA લાદી દીધું હતું, જેના કારણે તે જેલમાંથી બહાર આવી શકી ન હતી. આ કેસમાં બે વર્ષ બાદ હવે તેને જામીન મળી ગયા છે.
આ દરમિયાન ઈશરત જહાંના લગ્ન પણ થઈ ગયા. ઈશરત જહાંએ 12 જૂન 2020ના રોજ ફરહાન હાશ્મી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માટે તેને થોડા દિવસ માટે કોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા. લગ્નના લગભગ આઠ દિવસ પછી જ તે ફરીથી જેલમાં ગઈ હતી.