
કોંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થયા પૂર્વ મંત્રી જિતિન પ્રસાદ, પીયુષ ગોયલની હાજરીમાં લીધુ સભ્ય પદ
પૂર્વ પ્રધાન જિતિન પ્રસાદ આજે કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયા છે. બુધવારે બપોરે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલની હાજરીમાં જિતિન પ્રસાદા પાર્ટીમાં જોડાયા હતા. જિતિન પ્રસાદ અગાઉ પિયુષ ગોયલના ઘરે પહોંચ્યા હતા. જ્યાંથી બંને પાર્ટી ઓફિસ પર પહોંચ્યા હતા, અહીં એક કાર્યક્રમમાં પ્રસાદના ભાજપમાં જોડાવાની ઘોષણા કરવામાં આવી હતી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જીતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી આવે છે.
ભાજપમાં જોડા્યા બાદ જીતીન પ્રસાદે કહ્યું કે, હું ત્રણ પેઢીથી કોંગ્રેસ પાર્ટીની સાથે રહ્યો છું. મેં ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સવાલ એ નથી કે હું કઈ પાર્ટીને છોડી જઇ રહ્યો છું પરંતુ સવાલ એ છે કે હું કઇ પાર્ટીમાં અને શા માટે જાઉ છું. મને છેલ્લા 8-10 વર્ષોમાં સમજાયું છે કે દેશમાં આજે જો ખરેખર કોઈ સંસ્થાકીય રીતે રાજકીય પક્ષ છે, તો તે ભાજપ છે. બાકીના પક્ષો વ્યક્તિઓ અને પ્રદેશો બની ગયા છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષના નામે ભારતમાં માત્ર ભાજપ છે. આજે જો કોઈ પક્ષ અને કોઈપણ નેતા દેશના હિતમાં સૌથી યોગ્ય અને મજબુતીથી ઉભા છે, તો તે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
જિતિન પ્રસાદ યુપીએ સરકારમાં કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. યુપીએ સરકારમાં તેઓ માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી હતા. ઉત્તર પ્રદેશની ધૌરહારા લોકસભા બેઠક પરથી સાંસદ રહેનારા જિતિનની ગણતરી રાજ્યના કોંગ્રેસના મોટા નેતાઓમાં થાય છે. ખાસ કરીને બ્રાહ્મણોમાં તેમના પ્રભાવનો દાવો કરવામાં આવે છે. તેઓ ગાંધી પરિવારની નજીકના પણ માનવામાં આવતા હતા.
જિતિનના પિતા જીતેન્દ્ર પ્રસાદ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ રહ્યા છે. જોકે, લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ખાટા સંબંધોની ચર્ચા ચાલી રહી હતી. 2019 ની લોકસભાની ચૂંટણી પૂર્વે જ જિતિન પ્રસાદે કોંગ્રેસ છોડી દેવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ તે પછી તે બન્યું નહીં.