
ઘરમાંથી મળી ચાર લાશ, તાંત્રિકવિધિમાં હત્યા થઇ હોવાની આશંકા
આગરા : તાજનગરી આગરામાં ગુરુવારના રોજ એ હ્રદયદ્વાવક ઘટના સામે આવી હતી. જ્યા એક ઘરમાંથી પરિવારના 4 સભ્યોની લાશ મળી આવી હતી. લોહીથી ખરડાયેલી લાશો મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતકોમાં મહિલા અને 3 બાળકો શામેલ છે. પોલીસે લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે. આ મામલે પોલીસ દ્વારા એક શખ્સની અટકાયત પણ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
આ ઘટના કુંચા સાધુરામ વિસ્તારની છે. જ્યાં એક ઘરમાં મહિલા અને 3 બાળકોની લોહીથી ખરડાયેલી લાશો મળી આવી હતી. ચારેયની ધારદાર હથિયાર વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. રેખા રાઠોડ નામની આ મહિલાના તેના પતિ સાથે છુટાછેડા થઇ ગયા છે. રેખા છેલ્લા બે વર્ષથી તેના પતિથી અલગ રહે છે. ગુરુવારના રોજ ઘરનો દરવાજો ખુલ્લો હતો, બોલાવવા છતા કોઇ જવાબ ન મળતા પાડોશીને શંકા ગઇ હતી. જે બાદ પાડોશીએ જઇને જોયું તો ઘરમાં ચાર લાશો પડી હતી. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ADG જોન રાજીવ કૃષ્ણ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ ચાલી રહી છે.
તાંત્રિક વિધિમાં હત્યા થઇ હોવાની આશંકા
મૃતક મહિલા રેખા રાઠોડના ત્રણ બાળકો જેમાં અનુક્રમે એક 12 વર્ષનો પુત્ર, આઠ વર્ષીય પુત્રી અને 10 વર્ષનો પુત્રનો છે. જેમની ગળા કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ હજૂ જાણી શકાયું નથી. નીચલા ઓરડામાં ચાર લીંબુ, હળદર, દીવા વગેરે મળી આવ્યા છે, જે તાંત્રિકવિધિ તરફ ઇશારો કરે છે. પોલીસે સુનીલ નામની વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. પોલીસ આ મામલે હાલ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.