નકલી પાસપોર્ટ કેસમાં અબુ સલેમ દોષી, 28 નવેમ્બરે સજા
સીબીઆઇની ખાસ અદાલતના જજ એમ.વી રમણ નાયડૂએ અબુ સલેમને ઇન્ડિયન પેનલ કોડ હેઠળ નકલી પાસપોર્ટ કેસમાં દોષી ઠેરવ્યો છે. સીબીઆઇના સિનિયર સરકારી વકીલ ટી.વી રમણે જણાવ્યું કે અબુ સલેમને આઈપીસીની 120-બી (ગુનાઇત કાવતરું), 419 (વેશધારણ દ્વારા ઠગાઈ), 468 (છેતરપિંડી ના હેતુ માટે બનાવટી દસ્તાવેજ), તથા 471 (બનાવટી દસ્તાવેજોનો સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરીને) કલમ હેઠળ દોષી ઠેરવામાં આવ્યો છે.
આ મામલામાં કોર્ટમાં સીબીઆઇ તરફથી કહેવામાં આવ્યું હતું કે આરોપી અબુ સલેમ દ્વેષી પ્રકારનો ગુનેગાર છે અને મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં પણ તેનો હાથ હતો. આમાં 12 માર્ચ 1993ના રોજ લગભગ 257 વ્યક્તિઓના મોત થઇ ગયા હતા.
જોકે આરોપી સલેમ નકલી પાસપોર્ટની મદદથી ભારત છોડીને ભાગી ગયો હતો. ખૂબ જ જહેમત બાદ સલેમ 11 નવેમ્બર 2005ના રોજ પુર્તગાલમાંથી પ્રત્યર્પણ સંધિ કરીને ભારત લાવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અબુ સલેમ, તેની પત્ની સમીરા અને પૂર્વ પ્રેમિકા મોનિકા બેદી પર પણ નકલી પાસપોર્ટ બનાવડાવાનો આરોપ હતો. બેદીને આ મામલે પહેલા જ મૂક્ત કરી દેવાઇ હતી.