ઇવાંકાએ 'ચા વેચવાનો ઉલ્લેખ' કરતાં PMએ કર્યા નમસ્કાર
સોમવારે ગુજરાતમાં કચ્છથી શરૂ કરીને સુરતમાં સભા ગજવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળાવરે હૈદ્રાબાદની મુલાકાતે છે. તેમણે અહીં હૈદ્રાબાદ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાર બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ઇવાંકા ટ્રંપ સાથે પણ મુલાકાત કરી હતી. ઇવાંકા મંગળવારે Global Entrepreneurship Summitમાં ભાગ લેવા હૈદ્રાબાદ પહોંચ્યા હતા. પીએમ મોદી અને ઇવાંકા ટ્રંપે ગ્લોબલ એન્ત્રેપ્રિન્યોર સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલાં ઇવાંકા ટ્રંપે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં ઇવાંકાએ પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા હતા. ઇવાંકાએ કહ્યું કે, પીએ મોદી દેશને આગળ વધારવા માટે જે કરી રહ્યાં છે, એ ખૂબ વખાણવા લાયક છે. નાનપણમાં ચા વેચવાથી માંડીને દેશના વડાપ્રધાન બનવા સુધીની તમારી સફરમાં તમે બતાવી આપ્યું છે કે, ભારતમાં પરિવર્તન શક્ય છે. ઇવાંકાના આ શબ્દો પર પીએમ મોદીએ હસતા મોઢે તેમની સામે હાથ જોડી નમસ્કાર કર્યા હતા.
હૈદ્રાબાદમાં પુત્રોને ભણાવવાની ઇવાંકાની ઇચ્છા
ઇવાંકાએ આગળ કહ્યું કે, પીએમ મોદી સવા સો કરોડ ભારતીયોના જીવનમાં પણ પરિવર્તન લાવી રહ્યાં છે. હૈદ્રાબાદ ઇનોવેશન હબની દિશમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે ઇચ્છે છે કે તેમના પુત્રો હૈદ્રાબાદની શાળામાં ભણે. આ સમિટમાં મહિલા ઉદ્યોગપતિઓના સાહસ અને સંઘર્ષના વખાણ કરતા તેમણે કહ્યું કે, સમિટમાં 1500 મહિલાઓની ભાગીદારી જોઇએ હું ખૂબ ખુશ છું. ભારતના ચંદ્રયાન અને મંગળ મિશન અંગે વાત કરતા તેમણે કહ્યું કે, આ ક્ષેત્રોમાં ભારતની ઉપલબ્ધિ વખાણવા યોગ્ય છે.
PMએ કર્યા હૈદ્રાબાદના વખાણ
હૈદ્રાબાદ એરપોર્ટ પર પહોંચેલ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે સમગ્ર દુનિયાનું ધ્યાન હૈદ્રાબાદ પર છે. આ શહેર એક પ્રતિષ્ઠિત આતંરરાષ્ટ્રીય શિખર સંમેલનની મહેમાનગતિ કરી રહ્યું છે, જેમાં દુનિયાભારના ઉદ્યોગ જગતના લોકો ભાગ લઇ રહ્યાં છે. દેશના દક્ષિણ વિસ્તારમાં ભાજપને સેવા કરવાના ઝાઝા અવસર નથી મળ્યા. તેમણે આગળ કહ્યું કે, અમે સહકારી સંઘવાદમાં વિશ્વાસ કરીએ છીએ, આથી જે રાજ્યોમાં અમે સત્તા પર નથી એમની સાથે પણ ભેદભાવનો કોઇ પ્રશ્ન જ નથી. અમે દેશના સમગ્ર વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.
મેટ્રોમાં PMએ કરી મુસાફરી
પીએમ મોદીએ હૈદ્રાબાદમાં મંગળવારે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. દુનિયાની સૌથી મોટી હૈદ્રાબાદ મેટ્રો રેલ સેવામાં મહિલા શક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. કુલ 120 મેટ્રો રેલ ડ્રાઇવરોમાંથી 35 મહિલા મહિલા ડ્રાઇવર છે. મેટ્રોના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ મિયાંપુર સ્ટેશનથી મેટ્રોની સવારી કરી હતી અને મહિલા ડ્રાઇવરે મેટ્રો ચલાવી હતી. પીએમ મોદી સાથે ગવર્નર નરસિંહન, સીએમ કેસીઆર, નાયબ મુખ્યમંત્રી મોહમ્મદ આલી, મંત્રી કે.કે.રામા, ભાજપ ધારાસભ્ય કિશન રેડ્ડી અને ભાજપ તેલંગણાના પ્રદેશ પ્રમુખ લક્ષ્મણે પણ મેટ્રોમાં સફર કરી હતી. હૈદ્રાબાદ મેટ્રોમાં મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક કોચમાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને કંટ્રોલ રૂમમાં સીસીટીવી ફૂટેજનું સતત નીરિક્ષણ કરવામાં આવે છે. આ મેટ્રો રેલ 72 કિમી લાંબી છે, જો કે શરૂઆતના તબક્કામાં નાગોલ-અમીરપેઠ-મિયાંપુર વચ્ચે 30 કિમીમાં મેટ્રો ચાલશે.