હાર્ટ એટેક અને લીવર ફાટી જતા મુંડેનું નિધન : પોસ્ટ મોર્ટેમ રિપોર્ટ
નવી દિલ્હી, 4 જૂન : મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને લોકસભા ચૂંટણી 2014માં મહત્વની ભૂમિકા ભજવનારા 64 વર્ષીય ગોપીનાથ મુંડેને માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહેંચતા તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. ગઇ કાલે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા બાદ તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેના કારણે તેમનું મોતનું કારણ જાણી શકાયું છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર મુંડેના શરીરમાં એક્સિડન્ટ બાદ આંતરિક રક્તસ્રાવ ખૂબ થયો હોવાને કારણે તેમનું મોત નિપજ્યું હતું. મુંડેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ધક્કો લાગવાથી તેમની પાંસળી અને લીવરને નુકસાન પહોંચ્યું હતું. તેને કારણે લીવરમાં ખૂબ જ આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો અને હૃદયરોગનો તીવ્ર હુમલો પણ આવતા તેમનું મોત નિપજ્યું હતું.
કારમાં મુંડે પાછળની સીટ પર એકલા બેઠા હતા અને આગળની સીટ પર ડ્રાઈવર અને મુંડેના અંગત સહાયક નાયર હતા. મુંડેએ સહાયક પાસે પાણી પીવા માગ્યું હતું અને પછી કહ્યું કે મને હોસ્પિટલમાં લઈ જાવ.
ગોપીનાથ મુંડેના ડ્રાઇવરે પોલીસ તપાસમાં જણાવ્યું કે, અમારી કાર ઓરોબિંદો માર્ગ પર રેડ લાઇટ પાસે ઉભી હતી. સિગ્નલ ગ્રીન થવા માટે ૨૬ સેકન્ડ બાકી હોવા છતા પાછળથી એક ઈન્ડિકા કારે અમારી કારને ટક્કર મારી હતી.
પોસ્ટ મોર્ટમ થઇ ગયા બાદ ગોપીનાથ મુંડેના દેહને આર્મી ટ્રકમાં મૂકી દિલ્હી એરપોર્ટ અને ત્યાંથી વિશેષ વિમાન દ્વારા મુંબઈ લાવવામાં હતો. એરપોર્ટ પર મુંડેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ પૂર્વે એઇમ્સ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતેથી તેમના મૃતદેહને આર્મી ટ્રકમાં સંપૂર્ણ સમ્માન સાથે અશોકા રોડ ખાતે લાવવામાં આવ્યો હતો.
મહરાષ્ટ્રમાં તેમના મત વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભાજપ કાર્યકર્તાઓએ તેમની મોત અંગે શંકા દર્શાવતા સીબીઆઈ તપાસની માગ કરી છે.