રાજદ્રોહનો કાયદો ખત્મ ન કરવામા આવે, ઉપયોગ માટે બનાવાય ગાઇડલાઇન: સુપ્રીમમા કેન્દ્ર
રાજદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાજદ્રોહ કાયદો હટવો જોઈએ નહીં પરંતુ તેના પર માર્ગદર્શિકાની જરૂર છે. એટર્ની જનરલે કહ્યું કે એ જોવાની જરૂર છે કે કયા ગુનાઓને રાજદ્રોહ હેઠળ લાવવા જોઈએ અને કયા નહીં.
રાજદ્રોહ કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા, અરુણ શૌરી, મહુઆ મોઈત્રા અને કેટલાક અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવી છે. જેના પર CJI NV રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ અંગે જવાબ દાખલ કરવા કહ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારે આ માટે વધુ સમય માંગ્યો હતો. કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટે 9 મે સુધીનો સમય આપ્યો છે. આ મામલે 10 મેના રોજ ફરી સુનાવણી થશે.
બુધવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર રહેલા તુષાર મહેતાએ કહ્યું કે કેન્દ્ર સરકારનો જવાબ લગભગ તૈયાર છે. એફિડેવિટ બે-ત્રણ દિવસમાં ફાઈલ કરવામાં આવશે. આ દરમિયાન એટર્ની જનરલે મહારાષ્ટ્રમાં સાંસદ નવનીત રાણાની ધરપકડનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે હનુમાન ચાલીસા વાંચવા બદલ તેમના પર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ગઈકાલે જ જામીન મળ્યા હતા. તેથી, રાજદ્રોહના કાયદા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવાની જરૂર છે, પરંતુ કાયદાને સંપૂર્ણપણે નાબૂદ કરવો તે યોગ્ય રહેશે નહીં.
સુનાવણી દરમિયાન, CJIએ કહ્યું કે શું આપણે આ મામલાને મોટી બેંચને મોકલ્યા વિના સાંભળી શકીએ? આ અંગે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે હા દૈનિક પત્રકારો અને અન્ય લોકોની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી રહી છે. આ અંગ્રેજોના જમાનાનો કાયદો છે.