ગુજરાત ભાજપની વિવાદાસ્પદ ટ્વિટ ટ્વિટરે ડિલીટ કરી
અમદાવાદ, 21 ફેબ્રુઆરી : અમદાવાદ બ્લાસ્ટમાં કોર્ટના નિર્ણય બાદ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી. આ ટ્વીટ પર ઘણો વિવાદ થયો હતો, જેને ટ્વિટર દ્વારા હટાવી દેવામાં આવ્યો છે. વિવાદ બાદ ટ્વિટરે ગુજરાત બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વીટ ડિલીટ કરી અને તેનું કારણ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ગુજરાત ભાજપ દ્વારા શેર કરવામાં આવેલ ટ્વિટ એક કાર્ટૂન હતું, જેમાં લોકોને નેટેડ કેપ પહેરેલા બતાવવામાં આવ્યા હતા, તેની સાથે સત્યમેવ જયતે લખેલું હતું, જેઓ આતંકવાદ ફેલાવી રહ્યા છે, તેમના માટે કોઈ દયા નથી. નોંધનીય છે કે, 2008ના અમદાવાદ વિસ્ફોટમાં કોર્ટે 38 લોકોને ફાંસીની સજા સંભળાવી હતી.
આ કાર્ટૂન શનિવારના રોજ ગુજરાત ભાજપ દ્વારા શેર કરવામાં આવ્યું હતું. ગુજરાત કોર્ટના નિર્ણય બાદ આ કાર્ટૂન શેર કરવામાં આવ્યું હતું, જેને મોટી સંખ્યામાં લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું, ત્યારબાદ લોકોએ આ કાર્ટૂન વિશે જોરદાર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું અને તેને લઈને વિવાદ થયો હતો. કેટલાક ટ્વિટર યુઝર્સે કંપનીને ચોક્કસ સમુદાયને લક્ષિત કરતી ટ્વીટ ડિલીટ કરવા જણાવ્યું હતું.
કોંગ્રેસ પાર્ટીએ પણ આ મામલે ભાજપને ઘેરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ભાજપ કોર્ટના નિર્ણય દ્વારા ધ્રુવીકરણનો પ્રયાસ કરી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે, આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, તે કોંગ્રેસ કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું નથી, જેણે તેના બે પૂર્વ વડાપ્રધાનોને ગુમાવ્યા છે.
ભાજપ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટના નિર્ણય પર કોઈપણ પક્ષે રાજનીતિ ન કરવી જોઈએ, આ એક સંવેદનશીલ મામલો છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.