
ફરીથી શરુ થયો જ્ઞાનવાપી મસ્જિદનો વીડિયોગ્રાફી સર્વે, મસ્જિદની આસપાસ ભારે પોલિસબળ તૈનાત
વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી સર્વેનુ કામ શનિવાર 14 મેના રોજ સવારે 10 વાગ્યાથી ફરીથી શરુ થઈ ગયુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કોર્ટ કમિશ્નર સહિત બધા પક્ષ મસ્જિદ પરિસરની અંદર જતા રહ્યા છે. આ દરમિયાન ભારે પોલિસ બળ તૈનાત છે અને જ્ઞાનવાપી મસ્જિદની આસપાસના 500 મીટરની સીમામાં આવતી દુકાનોને બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ સર્વે પાંચ દિવસ બાદ ફરીથી શરુ થયો છે અને આ સર્વેનો રિપોર્ટ 17 મે સુધી કોર્ટમાં રજૂ કરવાનો છે.
વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના દરેકે દરેક ખૂણાની વીડિયોગ્રાફી કરવા સાથે બે ભોંયરાઓ ખોલીને તેની પણ વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન વીડિયોગ્રાફી ટીમ શનિવારે સવારે ત્રણ એડવોકેટ કમિશનર સાથે બંને પક્ષના પાંચ એડવોકેટ અને એક આસિસ્ટન્ટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર 4 પર બેરિકેડિંગ લગાવીને સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે કારણ કે અહીં એક સર્વે કરવાનો છે.
તમને જણાવી દઈએ કે પોલીસ પ્રશાસને સુરક્ષા માટે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. તેમજ વિશ્વનાથ મંદિરના ગેટ નંબર ચાર પર એન્ટ્રી પોઈન્ટ પર પહેલા જ મીડિયાને અટકાવી દેવામાં આવ્યું છે. જો કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે સુરક્ષા વ્યવસ્થા અંગે ડીસીપી કાશી ઝોન આરએસ ગૌતમે જણાવ્યું હતું કે કોઈપણ બાજુ લોકોને કોઈ અસુવિધા ન થાય, દર્શન સારી રીતે થાય અને બધુ બરાબર રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 52 લોકોની ટીમ બેઝમેન્ટની નજીક પહોંચી ગઈ છે અને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને મસ્જિદની આસપાસના લગભગ 500 મીટરના વિસ્તારમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દુકાનો બંધ કરી દેવામાં આવી છે. સ્થળ પર 1500થી વધુ જવાન તૈનાત છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાઓ ખોલવામાં આવ્યા છે. વ્યવસ્થા સમિતિએ સર્વે ટીમને ભોંયરાની ચાવીઓ સોંપી હતી ત્યારબાદ ભોંયરા ખોલવામાં આવ્યુા હતુા. કહેવામાં આવી રહ્યું છે કે આ સર્વે 12 વાગ્યા સુધી ચાલશે.