
હાથરસ કેસઃ ઈલાહાબાદ હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ થશે CBI તપાસઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં દલિત યુવતી સાથે કથિત ગેંગરેપ અને હત્યા કેસમાં નવો વળાંક આવી ગયો છે. કેસને સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરતી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેએ મંગળવારે નિર્દેશ આપ્યા છે કે હાથરસ કેસમાં સીબીઆઈ તપાસને ઈલાહાબાદ હાઈકોર્ટ મોનિટર કરશે. તમને જણાવી દઈએ કે હાથરસ કેસ માટે દેશભરમાં હોબાળો થયેલો છે. મૃતક પીડિતાના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટના રિટાયર જજના નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરી હતી.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે આજે હાથરસ કેસની ટ્રાયલ, કેસની સુનાવણી દિલ્લી સ્થાનાંતરિત કરવા અને પીડિત પરિવારની સુરક્ષા વિશે પણ સુનાવણી કરી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ એસએ બોબડે, જસ્ટીસ એએસ બોપન્ના અને જસ્ટીસ વી રામાસુબ્રમણ્યમની બેંચે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં હાથરસ પીડિત પરિવારે અપીલ કરી છે કે કેસની ટ્રાયલ દિલ્લીમાં થાય. આ કેસની તપાસમાં એક જનહિત અરજી પણ દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે હાથરસ કેસની તપાસ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના વર્તમાન કે રિટાયર જજ દ્વારા કરાવવામાં આવે.
તમને જણાવી દઈએ કે કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમે સોમવારે અલીગઢ પહોંચી. સીબીઆઈએ અલીગઢ જિલ્લા જેલ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજની મુલાકાત લીધી. આ કેસના આરોપી અલીગઢ જેલમાં બંધ છે. વળી, જેએલએન મેડિકલ કૉલેજમાં પીડિતાનો ઘણા દિવસો સુધી ઈલાજ ચાલ્યો હતો. સીબીઆઈએ ટીમે શું પૂછપરછ કરી છે તે વિશે હજુ માહિતી સામે આવી નથી. હાથરસ કેસમાં છેલ્લા સપ્તાહથી સીબીઆઈ ટીમ પીડિતાના ગામમાં તપાસ કરી રહી હતી. અહીં પીડિતાના પરિવારજનોની ઘણી પૂછપરછ થઈ અને ગામના લોકો પાસેથી પણ ટીમે માહિતી લીધી. ત્યારબાદ સીબીઆઈ ટીમ હવે અલીગઢ પહોંચી.
સુરતઃ કિશોરીઓ પાસે દેહ વ્યાપાર કરાવનાર બાંગ્લાદેશી પકડાયો