ગુજરાતમાં ભારે વરસાદ : રાજકોટ, જામનગરમાં જળબંબાકાર , 'ઘરમાં નાનાં છોકરાં છે, પાણી નથી, ખાવાપીવા ક્યાં જવું?'
"અમારા ઘરમાં આટલું પાણી છે, ઘરમાં નાનાંનાનાં છોકરા છે, અમારી ઘરવખરી પણ તણાઈ ગઈ છે. અમારે ખાવાપીવા ક્યાં જવું?"
એક મહિલા તેમના ઘરના બારણામાં ઊભીઊભી તેની વ્યથા એક વીડિયોમાં કહી રહી છે.
આ વીડિયો જામનગર શહેરનો છે અને ત્યાં ભારે વરસાદને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
મહિલા કહે છે કે તેમની આસપાસનાં ઘરોમાં પણ પાણી ભરાયેલાં છે, આગળ શું પરિસ્થિતિ થશે એ અમને ખબર નથી, કેમ કે લાઇટ નથી, પાણી નથી, ખાવાપીવાનું કંઈ નથી.
જામનગર જિલ્લામાં ગામડાંઓમાં પણ ભારે વરસાદને કારણે મોટી સમસ્યા સર્જાઈ છે.
ભારે વરસાદને કારણે સ્થાનિક તંત્ર પણ ઍલર્ટ થયું છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.
તો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રથમ દિવસે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર, રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
લોકો અને પશુઓને સુરક્ષિત ખસેડ્યાં
https://www.youtube.com/watch?v=Gmx868O4tZk&t=5s
રાજકોટ જિલ્લાના ધોલિકા તાલુકાના દેવ ગામના રિન્કુભાઈ બીબીસી સાથેની વાતચીતમાં તેમના ગામ અને આસપાસનાં ગામોની સ્થિતિનો ચિતાર આપે છે.
"ગામમાં લાઇટ નથી અને હજુ લાઇટ આવતા બે-ત્રણ દિવસ લાગી જશે એવું લાગે છે."
તેઓ કહે છે કે ગામમાં 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે અને નદીના પટમાં રહેલા લોકોને વધુ નુકસાન થયું હશે.
તેઓ કહે છે કે નદીના કિનારે આવેલાં ખેતરોમાં પણ ધોવાણ થયું છે.
જોકે તેઓ એમ પણ કહે છે કે તંત્રની સારી કામગીરીને કારણે ગામમાં મોટું નુકસાન નથી. માણસો અને પશુઓને સ્થળાંતરિક કર્યાં છે.
- ગુજરાતનાં અનેક ગામોમાં પૂર, જામનગરમાં હેલિકૉપ્ટરથી લોકોને ઍરલિફ્ટ કરાયા
- નીતિન પટેલમાં ભાજપને એવું તો શું ઘટ્યું કે પાટીદાર મુખ્ય મંત્રીમાં નવો ચહેરો આવ્યો?
ગામો બેટમાં ફેરવાયાં
ભારે વરસાદને કારણે જામનગરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર-રાજકોટ હાઈવે અને જામનગર-કાલાવડ હાઈવે પર પરિવહનને અસર પહોંચી છે.
બીબીસીના સહયોગી દર્શન ઠક્કરના જણાવ્યા પ્રમાણે, જિલ્લાનાં અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયાં છે. લોકો જીવ બચાવવા માટે અગાસી પર ચડી ગયા હતા અને લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન પણ શરૂ કરાયું હતું.
13 સપ્ટેમ્બરના આંકડા પ્રમાણે કાલાવડમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ જામનગરમાં 3.25 ઈંચથી વધુ, જામજોધપુરમાં 2.25થી વધુ અને જોડિયામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે.
ગામમાં 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતાં આખું ગામ બેટમાં ફેરવાયું છે. જામનગર તાલુકાના અલિયાબાડા, ખીમરાણા ગામમાં હેલિકૉપ્ટરની મદદથી રેસ્કયુની કામગીરી ચાલી રહી છે.
રેસ્ક્યુ માટે ઍરફોર્સથી હેલિકૉપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદથી જામનગરનો રણજિતસાગર ડૅમ પણ ઓવરફ્લો થઈ ગયો છે.
જામનગર કલેકટર સૌરભ પારધીએ જણાવ્યું કે લોકોને મદદરૂપ થવા માટે તમામ વ્યવસ્થા કરાઈ છે. રેસ્ક્યુ માટે 2 NDRFની ટીમ અને 1 SDRFની ટીમ જિલ્લામાં કાર્યરત છે. રેસ્ક્યૂ માટે જ્યાં જરૂરી હોય ત્યાં ભારતીય વાયુસેનાની મદદથી ઍર લિફ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે 3થી 4 ચોપર રેસ્ક્યુ ઑપેરશનમાં લાગેલાં છે.
જામનગરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદના કારણે જામનગરનું આદર્શ સ્મશાનગૃહ સમ્પૂર્ણપણે પાણીથી ભરેલું છે, જેના લીધે સ્મશાન બંધ કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના તમામ 18 ડૅમ ઓવરફ્લો થયા છે. શહેર અને જિલ્લામાં અવિરત મેઘમહેરને પગલે જામનગર જિલ્લાનાં કેટલાંય જળાશયો ઓવરફલો થઈ ચૂક્યાં છે.
સિંચાઈવિભાગે આપેલ માહિતી મુજબ, કાલાવડનો ફૂલઝર-2, જામનગરનો સપડા, કાલાવડનો બાલભડી, જામનગર તાલુકાનો વોડીસંગ, વાગડિયા, રણજિતસાગર, જોડિયા નજીકનો આજી4-,ઊંડ-1, ઊંડ-2, ફૂલઝર કોબા, ઉમિયાસાગર, વિજરખી, કંકાવટી, ઊંડ-3, ફોફળ 2, ઊંડ-4, રૂપારેલ અને ફૂલઝર 2 ડેમ 100% ઓવરફલો થયા છે.
- ભૂપેન્દ્ર પટેલની પસંદગીમાં અમિત શાહ સામે આનંદીબહેને બાજી મારી?
- મોદી-શાહ દિગ્ગજ નેતાઓના 'ઑપરેશન' સહેલાઈથી કેમ કરી શકે છે?
રાજકોટ જિલ્લામાં કેવી છે સ્થિતિ?
રાજકોટ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટમાં 12.5, લોધિકામાં 18, ગોંડલમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે.
બીબીસીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયા જણાવે છે કે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. જે વિસ્તારોમાં વધુ વરસાદ છે અને લોકોને હાલાકી પડી રહી છે તેવા વિસ્તારોમાં બચાવ કામગીરી પણ શરૂ કરાઈ છે.
જિલ્લાના ભાદર, આજી-3 અને ન્યારી-2 ડૅમ ઓવરફલો થવાની તૈયારી હોવાથી આ વિસ્તારના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=rMVgZdyKb-E
ભાદર ડૅમ ઓવરફ્લો થવાના કારણે વધારાનું પાણી ઉપલેટા શહેરમાં જવાની શક્યતા હોવાથી ઉપલેટાના નાગરિકોને પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.
ભાદર ડૅમના સાત દરવાજા સાત ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે આજી-3 અને ન્યારી-2 ડૅમના દરવાજા ઓવરફ્લોને કારણે આજે (13 સપ્ટેમ્બર) સાંજે ખોલવામાં આવશે.
કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા-રાજગઢ માર્ગ ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો.
બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે, ભારે વરસાદને કારણે પડધરી-જામનગર હાઈવે પણ બંધ થયો હતો. ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે કોઝવેને કારણે રસ્તો બંધ થયા છે. ગોંડલ શહેરમાં 250 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ખીરસરા ગામે ફસાયેલી ગાડીમાં ત્રણ વ્યક્તિ હતી જે પૈકી એક વ્યક્તિ બચી ગયેલ છે અને અન્ય બેની શોધખોળ ચાલુ હતી.
ગોંડલ તાલુકાના કોલીથડ અને વેજલપર ગામે પૂરની પરિસ્થિતિને કારણે ફસાયેલા લોકો માટે જામનગરથી ઍરફોર્સની ટીમ મંગાવવામાં આવી છે. જ્યારે અલંગથી પાંચ બોટ અને ગોંડલથી 15 તરવૈયા ધોરાજી શહેર માટે અને રાજકોટ સિટી માટે મંગાવવામાં આવ્યા છે.
- નીતિન પટેલનું નામ જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે જાહેર થયું પણ...
- મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને ભૂકંપ નડ્યો અને વિજય રૂપાણીનો કોરોનાએ ભોગ લીધો?
ગુજરાત સરકાર પણ ઍલર્ટ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર, રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના કલેક્ટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી-2 ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને તાકીદ કરી હતી.
રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.
- 'મારી નહીં થાય તો તને કોઈની નહીં થવા દઉં', પ્રેમ, પીડા અને ઍસિડ-હુમલાની કહાણી
- ફક્ત બે શબ્દોનું એ વચન જેનાં તાંતણે તાલિબાન અલ-કાયદા સાથે બંધાયેલું છે

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=Zql8EXeo0vc&t=3s
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો