વડાપ્રધાન પદ માટે સીધી ચૂંટણીઓ યોજો : અણ્ણા હઝારે
ગોન્ડા, 29 જુલાઇ : ભ્રષ્ટાચારની વિરુદ્ધ દેશભરમાં અલખ જગાવવા નીકળેલા સમાજ સેવક અણ્ણા હઝારેએ જણાવ્યું છે કે જ્યાં સુધી દેશના વડાપ્રધાન પદ માટેની ચૂંટણી સીધી જનતા દ્વારા નહીં યોજાય ત્યાં સુધી દેશનું ભલું થવાનું નથી.
જનતંત્ર યાત્રા પર નીકળેલા અણ્ણા હઝારેએ ગોન્ડામાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો મજબૂત લોકપાલ લાવવાની તરફેણમાં નથી. અન્નાએ મજબૂત લોકપાલ બનાવવાની માંગણીને પૂરી કરવા માટે રામ લીલા મેદાનમાં ફરી એકવાર ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે મજબૂત જનલોકપાલ કાયદો બનાવવાની માંગને પૂરી ક્યા વગર તેઓ મરવાના નથી.
ગાંધીવાદી સમાજસેવીનું કહેવું છે કે વર્ષ 2003માં મહારાષ્ટ્રના એક મંત્રીએ તેમની હત્યા કરાવવા માટે રૂપિયા 30 લાખની સોપારી આપી હતી. ત્યારે હત્યારાએ મારા એક સાથીને મારી નાખ્યો અને મને છોડી દીધો. તેમણે એમ પણ જણાવ્યું કે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી બંને સત્તાના ભૂખ્યા નેતા છે. કોંગ્રેસી નેતાઓ દ્વારા પાંચ અને બાર રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહેતુ હોવાના નિવેદનો ગરીબ જનતાની ભદ્દી મજાક છે.