
Vision 2020: ડિજિટલ ઈન્ડિયાની મદદથી ભારતે હરણફાળ ભરી
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના વિઝન 2020 ને લઈને દેશમાં જોરસોરથી કામ ચાલી રહ્યું છે. 2020 ના ભારતની રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની કલ્પનામાં ટેકનોલોજીની મદદથી 21 સદીના ભારત નિર્માણની વાત હતી. ટેક્નોલોજીની મદદથી સમસ્યાઓના સમાધાન અને ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન હતું. વિઝન 2020 માં મુખ્ય ઉદ્દેશ્ય જોઈએ તો ટેકનોલોજીની મદદથી ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધારો, આર્થીક અને આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ તેમજ શિક્ષણના ક્ષેત્રને વિસ્તૃત કરવાનું લક્ષ્ય છે. આમાં સૌથી મહત્વનું પાસું ડિજિટલ ભારત છે. આજે આપણે જોઈશું કે ડિજિટલ ભારત ક્ષેત્રે 2019 ના વર્ષમાં કેટલું કામ થયું?

આમ જનતા માટે ડિજિટલ ભારત
ભારત સરકારના આંકડા પર નજર કરીયે તો હાલમાં ભારતમાં 3 લાખ 89 હજાર કોમન સર્વિસ સેન્ટર કાર્યરત છે. જ્યાં કોઈ પણ નાગરિક જરૂરિયાત અનુસાર સેવા મેળવી શકે છે. બીજી તરફ 1,29,973 ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાયબર કેબલ નેટવર્ક સાથે જોડવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયા કેટલું પ્રભાવશાળી છે એ એ વાતથી સમજી શકાય છે કે પાછલા 5 વર્ષમાં 86,84,42,30,00,000 રૂપિયા સીધા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. વધુ એક ઉદાહરણ જોઈએ તો પાછલા 3 વર્ષમાં 12,39,78,35,000 યુપીઆઇ ટ્રાન્જેક્શન દેશમાં થયા છે.

ડિજિટલ ભારતથી આમ જનતાનું કામકાજ આસાન થઈ રહ્યું છે
ડિજિટલ ઇન્ડિયા સામાન્ય નાગરિકોનું કામકામ કેવી રીતે આસાન બનાવી રહ્યું છે એ જોઈએ તો હાલમાં 'સેલ્ફ' પોર્ટલ અને એપ પર 23,66,000 રજિસ્ટર્ડ યુઝર્સ છે. આ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા બધા માટે સમાનરૂપે શિક્ષણની પહોંચ અને ગુણવત્તા વધારવા માટે શરૂ કરવામાં આવ્યો છે. દેશના તમામ વર્ગના વિદ્યાર્થીઓમાં વચ્ચે રહેલી ડિજિટલ અસમાનતાને દૂર કરવાના ઉદ્દેશથી શરૂઆત કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયા માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહિ પરંતુ તે કૃષિ ક્ષેત્રે પણ ફાળો આપી રહ્યું છે. હાલમાં દેશમાં 1,65,53,909 કરતા વધુ ખેડૂતો વિવિધ ઇ-પોર્ટલ પર જોડાયા છે. જેના દ્વારા ખેડુતો રાષ્ટ્રીય બજારોમાં તેમના ઉત્પાદનો સીધા વેચી શકે છે. બીજી તરફ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં ખરીદી માટે સરકારી ઇ-માર્કેટ પ્લેસ બનાવવામાં આવ્યા છે. જેમાં અત્યારસુધીમાં રૂ .3,92,82,99,99,999 ના ઓર્ડર થયા છે.

ડિજિટલ ઇન્ડિયા : હવે આગળ શું?
હાલમાં ભારત અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. અમેરિકા સહિત વિવિધ દેશના 104 સેટેલાઇટ એક સાથે સ્થાપિત કરી ભારતે નવો કીર્તિમાન રચ્યો છે. ભારતને 2024 સુધીમાં 5 ટ્રીનીલય ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્યાંક છે ત્યારે તેમાં ડિજિટલ ઇકોનોમીનું યોગદાન 1 ટ્રિલિયન રહેવાની અપેક્ષા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના વિઝન અનુરૂપ યોજના આયોગે તૈયાર કરેલા રોડમેપ અનુસાર 2020 સુધીમાં દેશના વધુમાં વધુ હિસ્સામાં 3G મોબાઈલ સેવાઓ પહોંચાડવાનું લક્ષ્યાંક હતું. જેના પર આપણે પૂર્ણ રીતે ખરા ઉતર્યા છીએ અને એનાથી આગળ પણ વધ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ઇ-ગવર્નન્સ, ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે. હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડી 1 લાખ ડિજિટલ વિલેજ બનાવાઈ રહ્યા છે.
Happy New Year 2020: શું હતું પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું વિઝન 2020?