મંગળયાનની સફળતાથી હર્ષિત મોદીએ આપેલી શૂરાતન ચઢાવતી સ્પીચના મુખ્ય અંશો
બેંગલોર, 24 સપ્ટેમ્બર : આજે બુધવારના દિવસે ભારતનો મહત્વકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટ માર્સ ઓર્બિટર મિશન (Mars Orbiter Mission) અંતર્ગત મંગળયાન (Mangalyaan) મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં પ્રવેશી ચૂક્યું છે. મંગળની કક્ષામાં યાનનો સફળ પ્રવેશ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ પ્રસંગે ભારતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર પ્રક્રિયા બેંગલોર સ્થિત ઇસરોના કન્ટ્રોલરૂમમાં વિજ્ઞાનીઓ સાથે બેસીને નિહાળી હતી. મંગળયાન મંગળની કક્ષામાં પ્રવેશતા જ હર્ષિત બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિશનમાં કામ કરનારા સૌ વિજ્ઞાનીઓ અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ભારતમાં જ માત્ર રૂપિયા 450 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા મંગળયાનની સફળતા બાદ નરેન્દ્ર મોદીએ દેશના વિજ્ઞાનીઓને ભાવિ પ્રોજેક્ટ્સમાં વધારે મહેનતથી કામ કરવાની પ્રેરણા અને શૂરાતન મળે તેવી સ્પીચ આપી હતી. આ સ્પીચના મુખ્ય અંશો વાંચવા આગળ ક્લિક કરો...

આજે ભારત અને ઇસરો માટે ઘણો મોટો દિવસ
આજે આપણા દેશ ભારત અને ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) માટે ઘણો મોટો દિવસ છે. આજે મંગળયાનને ઇસરોના વિજ્ઞાનીઓએ સફળતાપૂર્વક મંગળની કક્ષામાં સ્થાપિત કર્યું છે. આથી આજનો દિવસ ઐતિહાસિક છે.

મોમ ક્યારેય નિરાશ કરતી નથી
ભારતના આ મહત્વકાંક્ષી મિશનનું નામ મોમ (MOM)એટલે કે માર્સ ઓર્બિટર મિશન છે. આપને જણાવી દઉં કે MOM ક્યારેય નિરાશ કરતી નથી.

નાસા ના કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું
આજે મને ગર્વ છે કે જે કામ નાસા (NASA)ના કરી શક્યું તે કામ ભારતે કરી બતાવ્યું છે. આજે સમગ્ર વિશ્વની નજર આપણા પર છે. જેના કારણે દરેક ભારતીયની છાતી ગર્વથી ગજગજ ફૂલી ગઇ છે. આ સફળતા અને ઐતિહાસિક ક્ષણ પાછળ આપણા દેશના વિજ્ઞાનીઓની વર્ષોની તપસ્યા છે. તેના વખાણ કરીએ તેટલા ઓછા.

નરેન્દ્ર મોદી કવિ બની ગયા
પોતાની સ્પીચમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મેં વિજ્ઞાનીઓને જણાવ્યું હતું કે નિષ્ફળતાની ચિંતા કરશો નહીં. નિષ્ફળતા મળશે તો તે મારી જવાબદારી હશે. ત્યાર બાદ કવિ હ્યદયી નરેન્દ્ર મોદીએ કવિતાની બે પંક્તિ કહી કે...
'વિફલ હોતે હૈ તો આલોચના કે શિકાર હોતે હૈ, સફલ હોતે હૈ તો ઇર્ષા કે શિકાર હોતે હૈ.'

મંગળયાનની સફળતા મંગળ કરવાની પ્રેરણા આપશે
આપણે તમામ દેશવાસીઓએ વિજ્ઞાનીઓની આ સફળતા બદલ ગર્વ કરવો જોઈએ. મંગળયાનની આ યાત્રા આપણને વધારે મંગળ કાર્ય કરવાની પ્રેરણા આપતી રહેશે.

ક્રિકેટ ટીમની જેમ વિજ્ઞાનીઓને પણ વધાવો
દેશના દરેક નાગરિકને આપણા વિજ્ઞાનીઓ પર ગર્વ કરવો જોઈએ, આપણી ક્રિકેટ ટીમ એક ટુર્નામેન્ટ જીતીને આવે તો આપણે તેમને વધાવી લઈએ છીએ, જ્યારે આપણાં વિજ્ઞાનીઓએ એક ઐતિહાસીક સિદ્ધિ મેળવી છે.

પ્રથમ ગ્રાસે મક્ષિકા નહીં, પ્રથમ ગ્રાસે મંગળ
મંગળયાનને પૃથ્વીથી 650 મિલિયન કિ.મી.ના અંતરથી પણ આગળ પ્રવાસ કરી મંગળ પર મોકલવામાં ઈસરોને સફળતા મળી છે. ભારતે માનવ કલ્પનાની સરહદો પાર કરી બતાવી છે. આપણો પહેલો દેશ બન્યા છીએ જેણે પ્રથમ પ્રયાસે જ મંગળ મિશન પાર કરી બતાવ્યું છે. કોઈ દેશે પહેલા પ્રયાસે મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો નથી.

દરેક શાળા પાંચ મિનિટ ફાળવી આપણા વિજ્ઞાનીઓને બિરદાવે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળાના બાળકો વિજ્ઞાનમાં આગળ વધવાની પ્રેરણા મળે અને દેશની સિદ્ધિને જાણે તે હેતુથી જણાવ્યું કે 'હું દેશની શાળાઓને અપીલ કરું છું કે પાંચ મિનિટ ફાળવીને આજે આપણા સ્પેસ વિજ્ઞાનીઓની સિદ્ધિને બિરદાવે.'

હોલિવુડની ફિલ્મોથી પણ સસ્તામાં મંગળયાન
ભારતે અમેરિકા અને યુરોપને પણ પાછળ છોડ્યું છે. મારા ઈસરોના વૈજ્ઞાનિકોને અશ્કયને શક્ય કરવાની આદત પડી ગઈ છે. હોલિવૂડની ફિલ્મ કરતાં પણ સસ્તામાં આપણે મંગળ યાન બનાવ્યું છે. આપણે મિથેન ગેસનું સેન્સર અને કેમેરા ઈસરોમાં બન્યું છે.

માર્સ ઓર્બિટર મિશન
માર્સ ઓર્બિટર મિશન રૂપિયા 450 કરોડના ખર્ચે તૈયાર થયું છે. તેનું વજન 475 કિલોગ્રામ છે. આ મિશનનો આરંભ 5 નવેમ્બર, 2013માં થયો હતો. મિશન માટે એન્જિન ચાલુ કરવામાં 500 કિલોગ્રામ તરલ ઇંધણનો ખર્ચ થયો છે. વિશ્વમાં માત્ર અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયન અત્યાર સુધીમાં મંગળ પર સફળતાપૂર્વક યાન મોકલી શક્યા છે.

કર્ણાટકના રાજ્યપાલ પણ ઉપસ્થિત
આ પ્રસંગે ઇસરો બેંગલોર ખાતે કર્ણાટકના ગુજરાતી રાજ્યપાલ વજુભાઇ વાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ ઇસરોની ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ઇસરોમાં નરેન્દ્ર મોદીની સ્પીચ
નરેન્દ્ર મોદીની શૂરાતન ચઢાવતી સ્પીચ સાંભળવા પ્લે કરો...