હિમાલયના ગ્લેશિયર બમણી ઝડપે પીગળી રહ્યા છે
એક લેટેસ્ટ રિસર્સમાં સામે આવ્યું છે કે હિમાલય પર્વત પર રહેલા ગ્લેશિયર બમણી ઝડપે પીગળી રહ્યા છે. 1975થી 2000 સુધી પ્રતિ વર્ષ 10 ઈંચ ગ્લેશિયર પીગળી રહ્યા હતા. પરંતુ 2000ની સાલ બાદ તેની ઝડપ વધી છે. હવે સ્થિતિ એવી છે કે દર વર્ષે આ ગ્લેશિય 8 બિલિયન ટન પાણીમાં પરિવર્તિત થઈ રહ્યા છે. એટલું પાણી કે જેનાથી 32 લાખ ઓલિમ્પિક સ્વીમિંગ પુલ ભરાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ એ પણ કહ્યું છે કે આગામી સમયમાં આ ભૌગોલિક પરિવર્તન ઘાતક સાબિત થઈ શકે છે.
આ અધ્યયન કોલોમ્બિયા યુનિવર્સિટીના લૈમોન્ટ હોર્ટી અર્થ ઓબ્ઝર્વેટરીમાં કરવામાં આવ્યું છે. સંશોધક જોશુઆ મોરેરના આ રિસર્ચને સાયન્સ એડવાન્સ નામની જર્નલમાં સામેલ કરાયું છે. આ રિસર્ચમાં અર્થ ઓબ્ઝર્વેટરીના વૈજ્ઞાનિક જોર્ગ શેફર અને એલીસન કોરલે પણ સામેલ હતા.
જર્નલમાં જોશુઆ મૉરેરે લખ્યું કે પૃથ્વીના વધતા તાપમાનની અસર હિમાલય પર પણ થઈ રહી છે. 2000થી 2016 વચ્ચે પૃથ્વીનું તાપમાન 1 ડિગ્રી વધ્યું છે. જે 1975થી 2000 વચ્ચે વધેલા તાપમાન કરતા વધું છે. એટલે તેની સીધી અસર ગ્લેશિયર્સ પર પડી રહી છે. 2000ના વર્ષ બાદ ગ્લેશિયર પીગળવાની ગતિ ઝડપી બની રહી છે.

ગ્લેશિયર ઓગળવાની ગતિ બમણી થઈ
આ ઓબ્ઝર્વેટરીમાં પાછલા 40 વર્ષથી ભારત, ચીન, નેપાળ અને ભૂતાનની ભૌગોલિક ગતિવિધિઓનું નિરીક્ષણ સેટેલાઈટ દ્વારા કરાવાયું હતું. જેમાં સામે આવ્યું કે ગ્લેશિયર ઓગળવાની ગતિ બમણી થઈ રહી છે. સાથે જ ગ્લેશિયરની ઉંચાઈ પણ ઘટી રહી છે. ઓબ્ઝર્વેટરી પ્રમાણે તાજેતરમાં લેવાયેલા ફોટોઝ અત્યાર સુધીના સૌથી સ્પષ્ટ ફોટોઝ છે, જે ગ્લેશિયર ઓગળવાની સ્પીડ દર્શાવવા માટે પરફેક્ટ છે.

આગામી 80 વર્ષમાં 2/3 ગ્લેશિયર્સ પીગળી જશે
હાલમાં હિમલાય પર લગભગ 600 બિલિયન ટન બરફ છે. આ રિસર્ચ પ્રમાણે 2100 એટલે કે આગામી 80 વર્ષમાં તેમાંથી 2/3 બરફ પીગળી ચૂક્યો હશે. આ વાત વૈજ્ઞાનિકોએ કહેવા ખાતર નથી કહી. આ રિસર્ચમાં લગભગ 2 હજાર કિલોમીટરમાં ફેલાયેલા હિમાલયની 650થી વધુ ગ્લેશિયરની સેટેલાઈટ ઈમેજ લેવામાં આવી છે. આ ફોટોઝ અમેરિકાના સ્પાય સેટેલાઈટ દ્વારા લેવાઈ છે. જેના પરથી થ્રી ડી મોડેલ તૈયાર કરાયા અને પછી વૈજ્ઞાનિકોએ તેનું અધ્યયન કર્યું.
આ રિસર્ચમાં સામે આવ્યું કે 1975થી 2000 સુધી પ્રતિ વર્ષ 10 ઈંચ સુધીનું ગ્લેશિયર ઓગળી રહ્યું હતું, 2000ના વર્ષથી તેની ઝડપ વધી છે. પરિસ્થિતિ એવી છે કે દર વર્ષે તેના પીગળવાની સ્પીડ બમણી થઈ રહી છે. આ રિસર્ચમાં સામે આવ્યું કે હિમાલયની નીચેના એક વર્ષમાં લગભગ 16 ટકા બરફ પીગળી ચૂક્યો છે. કુલ મળીને હિમાલયના ગ્લેશિયર પીગળવાથી એટલું પાણી નીચે આવી રહ્યું છે, જેનાથી 32 લાખ ઓલોમ્પિક સ્વિમિંગ પૂલ ભરાઈ શકે છે.

પ્રદૂષણ છે ગ્લેશિયર પીગળવાનું કારણ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ તો મુખ્ય કારણ છે જ પરંતુ એશિયાના દેશોમાં લાકડા, કોલસા મોટા પ્રમાણમાં સળગાવવામાં આવે છે, જેનો ધુમાડો આકાશમાં જાય છે અને સાથે કાર્બન પણ લઈ જાય છે. આ જ પ્રદૂષિત ધૂમાડાના વાદલો જ્યારે પર્વત પર છવાય છે, ત્યારે સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા વધુ શોષે છે, જેના કારણે પર્વત પર ગરમી વધે છે અને બરફ પીગળે છે.

શું હોઈ શકે છે પરિણામ
ગ્લેશિયરનું ઓગળવું હાનિકારક નથી, પરંતુ ઝડપથી ઓગળવું હાનિકારક જરૂર છે. હિમલાયના જુદા જુદા વિસ્તારોમાં લગભગ 80 કરોડ લોકો સિંચાઈ માટે ગ્લેશિયરમાંથી આવતા પાણી પર નિર્ભર છે. જો આ સિલસિલો ચાલતો રહ્યો તો શરૂઆતમાં પાણી મોટા પ્રમાણમાં નીચે આવશે. એક રિસર્ચ પ્રમાણે એક દાયકામાં એટલું પાણી નીકળશે કે મેદાની વિસ્તારોમાં દુષ્કાળ પડી શકે છે.
તો અન્ય એક રિસર્ચ પ્રમામે ગ્લેશિયરનું પાણી જો એક જગ્યાએ ભેગું થઈ જાય તો પોતાની સાથે કાટમાળ અને પત્થરો પણ લઈ આવશે જે તબાહી સર્જી શકે છે. બંને રિસર્ચ પ્રમાણે ગ્લેશિયર પીગળવાથી કુદરતી આપતનો ખતરો વધી શકે છે.