
મુકેશ અંબાણીનો '100 બિલિયન ડૉલર ક્લબ'માં પ્રવેશ કેવી રીતે થયો?
ભારતની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી વિશ્વના ધનવાનોની યાદીમાં 12મા ક્રમે પહોંચી ગયા છે અને '100 બિલિયન ડૉલર ક્લબ'માં સામેલ થઈ ગયા છે.
અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના શૅરના ભાવ છેલ્લા કેટલાક સત્રથી વધી રહ્યા છે.
ગત શુક્રવારે તેમાં ચાર ટકા જેટલો અને સોમવારે પોણા બે ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે મુકેશ અંબાણીની વ્યક્તિગત તથા પરિવારની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો છે.
ઍનાલિસ્ટો તથા બ્રૉકરેજ ફર્મ મુજબ મુખ્ય લિસ્ટેડ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરના ભાવોમાં હજુ ઉછાળ આવશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની સીધી અસર અંબાણીની વ્યક્તિગત તથા પારિવારિક સંપત્તિ પર પણ પડશે.
આ માટે રિટેલ વેપારનું વૅલ્યૂએશન, ટેલિકોમ વ્યાપાર સહિતનાં કારણો માનવામાં આવે છે.
એવા આરોપ લાગતા રહે છે કે અંબાણી સમૂહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે, જેનો લાભ તેને વેપારી બાબતોમાં થાય છે. ભાજપે આ પ્રકારના આરોપોને નકાર્યા છે.
- 11 સપ્ટેમ્બર : એ 102 મિનિટ જેણે અમેરિકા અને દુનિયાને હંમેશાં માટે બદલી નાખી
- ભારતના ખેડૂત પરિવાર પર સરેરાશ દેવામાં 57.7 ટકાનો વધારો
100 બિલિયન ડૉલર ક્લબ
https://www.youtube.com/watch?v=_E0okRWc1oc
બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી ગત સપ્તાહે 12મા ક્રમે હતા. તેઓ 92 અબજ 60 કરોડ ડૉલરની સંપત્તિ ધરાવે છે.
તેમનાથી જરા જ આગળ વિશ્વના સૌથી ધનવાન મહિલા ફ્રાન્કોસ બેટ્ટનકૉર્ટ મેયર્સ છે. તેઓ ફૅશનબ્રાન્ડ લૉરિયલના સ્થાપકનાં પૌત્રી છે. તેમની અને અંબાણીની સંપત્તિની વચ્ચે 20 કરોડ ડૉલર જેટલો તફાવત હતો.
બીજી બાજુ, સોમવારે ટ્રૅડિંગ સેશન દરમિયાન મુકેશ અંબાણીની મુખ્ય લિસ્ટેડ કંપની રિલાયન્સના શૅરના ભાવમાં 1.70 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો અને કંપનીના શૅરનો ભાવ રૂ. બે હજાર 429 ઉપર બંધ આવ્યો હતો, જે તેની ઑલટાઇમ હાઈ સપાટી હતી.
ડેટા ઍનાલિસિસ ગ્રૂપ 'સ્ટૉકએજ'ના વિશ્લેષણ પ્રમાણે, મુકેશ અંબાણી જૂથની આઠ કંપની શૅરબજારમાં લિસ્ટેડ છે.
સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત અન્ય શૅરમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (10 ટકા), આલોક ઇન્ડસ્ટ્રીઝમાં (9.2 %), ડેન નૅટવર્ક લિમિટેડમાં (1.5 %), હૅથવૅ ભવાની કૅબલટેલ ઍન્ડ ડેટાકોમ લિમિટેડ, હૅથવે કૅબલ ઍન્ડ ડેટા કોમ (0.6 %), ટીવી18 બ્રૉડકાસ્ટ લિમિટેડમાં (0.6 ટકા) તથા નૅટવર્ક 18 મીડિયા ઍન્ડ ઇન્વેસ્ટમૅન્ટ લિમિટેડમાં 0.6 ટકાનો ઉછાળ જોવા મળ્યો હતો.
'સ્ટૉકએજ' ડેટા પ્રમાણે, જૂન મહિનામાં સમાપ્ત થયેલા ક્વાર્ટરને અંતે પ્રમૉટર (મુકેશ અંબાણી તથા પરિવાર) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 50.59 ટકા હિસ્સો ધરાવે છે તથા 49.41 ટકા શૅર જનતા તથા સંસ્થાકીય રોકાણકારો પાસે છે. પ્રમૉટર્સે તેમનો હિસ્સો ગીરવે મૂકીને લૉન નથી મેળવી.
સોમવારે કંપનીની માર્કેટ કૅપિટલ 218 અબજ ડૉલર પર પહોંચી ગઈ હતી, જે મુજબ મુકેશ અંબાણી (અને પરિવાર)નું માર્કેટ કૅપિટલ 110 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હશે.
- મુકેશ અંબાણી 'ટેલિકૉમ બિઝનેસ'થી માલામાલ, અન્ય ઉદ્યોગપતિઓ કેમ થઈ ગયા પાયમાલ?
- ભારતમાં આર્થિક ઉદારીકરણમાં દલિતોને પૂરતી તક મળી?
મોબાઇલ, ડેટા અને ફોન

લગભગ એક દાયકા પહેલાં ભારતના ટેલિકૉમ બજારમાં ડઝન જેટલી કંપની અસ્તિત્વ ધરાવતી હતી, પરંતુ હાલમાં માત્ર ચાર કંપની અસ્તિત્વ ધરાવે છે. જેમાં રિલાયન્સ જૂથની 'જિયો', ભારતી જૂથની 'ઍરટેલ'નો સમાવેશ થાય છે.
આ સિવાય વોડાફોન-આઇડિયા તથા ભારત સંચાર નિગમ અસ્તિત્વ ધરાવે છે. જેમાં વોડાફોન-આઇડિયા દેવામાં ડૂબેલી છે અને બીએસએનએલ સ્પર્ધામાંથી 'લગભગ બહાર' જ છે.
નિષ્ણાતોનું અનુમાન છે કે જિયોનું ઍવરેજ રેવન્યૂ પર યૂઝર (ARPU, દરેક ગ્રાહકમાંથી થતી સરેરાશ આવક) રૂ. 160થી 170 આસપાસ હશે. જેના કારણે જિયોનું મૂલ્યાંકન ઊંચું આંકવામાં આવે છે.
જિયોમાં ફેસબુક તથા ગૂગલ જેવી અમેરિકાની જાયન્ટ ટૅક કંપનીઓએ રોકાણ કર્યું છે.
જે 'વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન' હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જેની કિંમત રૂ. 3,500થી પાંચ હજાર આસપાસ રહેશે તેવો અંદાજ મૂકવામાં આવે છે.
https://www.youtube.com/watch?v=4q5YpiP4EYs&t=1s
ફોનમાં ઍન્ડ્રોઇડ 11 ઑપરેટિંગ સિસ્ટમ હશે, છતાં તેમાં સંપૂર્ણ ફીચર નહીં હોય તથા ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને મર્યાદિત ફીચર હશે.
શૅરખાનના વાઇસ પ્રેસિડન્ટ અભિજિત બોરાના મતે, આ સ્માર્ટ ફોન રિલાયન્સ જિયો માટે 'ગૅમચેન્જર' બની શકે છે, કારણ કે તેના કારણે ભારતમાં ફીચર ફોન ધરાવતા કરોડો ગ્રાહકો પાસે સ્માર્ટફોન તરફ વળવાનો મોકો હશે. કંપની સસ્તો ફોન લૉન્ચ કરીને હૅન્ડસેટના બજારમાં ઊથલપાથલ મચાવી શકે છે. વળી, નવા સ્માર્ટફોન ગ્રાહકોને કારણે કંપની ઍવરેજ રેવેન્યૂ પર યૂઝરમાં વધારો આવી શકે છે.
4જી ટેકનૉલૉજીવાળો આ ફોન ભારતના 10 કરોડ ફીચરફોન યૂઝરને માટે વિકલ્પ પૂરો પાડશે. મુકેશ અંબાણી દ્વારા ચાલુ વર્ષની વાર્ષિક સભા દરમિયાન તેની જાહેરાત કરવામાં આવી હતી.
આ સિવાય કંપનીએ દાવો કર્યો છે કે તે 5જી માટે 'સંપૂર્ણ સ્વદેશી' ટેકનૉલૉજી વિકસાવી ચૂકી છે અને તે લગભગ છ અબજ ડૉલરના ખર્ચે નૅધરલૅન્ડની કંપની ટી-મોબાઇલ ખરીદવા માટે વાટાઘાટ હાથ ધરી છે.
- ગુજરાતમાંથી જેનો વૅરિયન્ટ મળ્યો એ કોરોનાથી 'વધુ ખતરનાક' કૉંગો ફીવર શું છે?
- જ્યારે ધીરુભાઈ અંબાણીને કારણે શૅરબજાર ત્રણ દિવસ બંધ રહ્યું
અરામકોને કારણે આગેકૂચ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઑઈલ-ટુ-કૅમિકલ બિઝનેસને અલગ કરી દીધો છે, જેમાં રિફાઇનરી પેટ્રોલિયમ કંપનીઓ તથા રિટેલ ફ્યૂઅલના ધંધાનો સમાવેશ થાય છે.
જોકે, તેમાં કાપડ તથા કેજી બેઝિનમાં ધીરુભાઈ અંબાણી ઑઈલ ફિલ્ડનો સમાવેશ નથી થતો.
સાઉદી અરેબિયાની સરકારી તેલ ઉત્પાદન કંપની 'અરામકો' મુકેશ અંબાણીના 'ઑઈલ-ટુ-કૅમિકલ' બિઝનેસમાં 20 ટકા હિસ્સો ખરીદવા માગે છે અને આ માટે 25 અબજ ડૉલર ચૂકવવા તૈયાર છે.
જાણકારોને લાગે છે કે આ વિશે છેલ્લાં બે વર્ષથી ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે તેમાં નક્કર પરિણામ આવી શકે છે.
છેલ્લાં બે વર્ષ દરમિયાન કોરોના વાઇરસ તથા લૉકડાઉનને કારણે ભારત તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ઑઈલના ભાવોમાં ઘટાડાને કારણે આ ડીલ ખોરંભે ચડી ગઈ હતી.
આ ડીલને કારણે રિલાયન્સને તેની રિફાઇનરીઓ માટે નિયમિતપણે ક્રૂડની સપ્લાય મળી રહેશે, જ્યારે અરામકોને નિશ્ચિત પ્રમાણમાં ક્રૂડઑઈલની માગનું આશ્વાસન મળી રહેશે.
ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકનું ઑઈલ વપરાશકર્તા છે અને તે પોતાની મોટા ભાગની માગ આયાત દ્વારા સંતોષે છે.
ચાલુ વર્ષે અરામકોના ચૅરમૅન યાસિર અલ-રુમિયાનને રિલાયન્સના બૉર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે ડીલ ખૂબ જ આગળના તબક્કામાં છે.
થોડા સમય પહેલાં સાઉદી શાસક મોહમ્મદ બિન સલમાન દ્વારા એવા અણસાર આપવામાં આવ્યા હતા કે 'વિશ્વની ટોચની ઊર્જા કંપની'ને અરામકોમાં એક ટકા હિસ્સો વેચવામાં આવશે.
તેમણે નામની સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ તે રિલાયન્સના સંદર્ભમાં હોવાનું માનવામાં આવે છે.
- કોરોનાકાળમાં પણ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી દેશમાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા
- અંબાણી કેસ : એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે કઈ રીતે વિવાદનું મૂળ બન્યા?
જિયો માર્ટ, જિયો રિટેલે પ્રાણ ફૂંક્યા
રિલાયન્સ રિટેલના શૅર નેશનલ સ્ટૉક ઍક્સચેન્જ (એનએસઈ) કે બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જ (બીએસઈ) ખાતે લિસ્ટેડ નથી, પરંતુ ઑગસ્ટ મહિનામાં 'ઇકૉનૉમિક ટાઇમ્સ' દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રમાણે અનઑફિશિયલ માર્કેટમાં તેના ભાવ રૂ. 2,650થી રૂ. 2,700 આસપાસ હતા. પેરન્ટ કંપની તેમાં 99.5 ટકા હિસ્સો ધરાવે છે.
રિલાયન્સ અને ફ્યૂચર ગ્રૂપ વચ્ચેની ડીલમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો એમેઝોનની તરફેણમાં આવ્યો હોવા છતાં ઊંચી માગ હોવાનું અખબારે નોંધ્યું હતું. જેના આધારે રિલાયન્સ રિટેલનું માર્કેટ કૅપિટલ 18 લાખ કરોડ આસપાસ અંદાજવામાં આવ્યું હતું. જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તત્કાલીન માર્કેટ કૅપિટલ (13 લાખ 30 હજાર કરોડ) કરતાં વધુ હતું.
કંપનીએ તાજેતરમાં બીપીએલ તથા કૅલિવિનેટર જેવી 'બ્રાન્ડ રિકૉલ વૅલ્યૂ' ધરાવતી કંપનીઓની બ્રાન્ડથી ઇલૅક્ટ્રૉનિક ગુડ્સને બજારમાં ઉતારવાની જાહેરાત કરી હતી. જેનો લાભ કંપનીને મળી શકે છે.
ભારતમાં કોરોનાનું એન્ડેમિક તરફ આગળ વધવું, લોકોનું ફરીથી મૉલ તથા સિનેમાગૃહો તરફ આકર્ષણ, નેટમેડ્સ, જસ્ટડાયલ, અર્બન લેડર, હેમલેસ, ફાઇન્ડ વગેરે જેવી કંપનીઓને ખરીદવી તથા ઈ-કૉમર્સ સૅગ્મૅન્ટમાં બજાર સર કરવા માટે કંપનીના પ્રયાસોને સકારાત્મક રીતે જોવામાં આવે છે.
- ગુજરાતનો એ સાટાપાટાનો રિવાજ જેમાં ભાઈનાં લગ્ન તૂટ્યાં તો બહેનનું પણ ઘર ભાંગ્યું
- રોહિંગ્યા મુસલમાનોના દુશ્મન ગણાતા 'બર્માના બિન લાદેન' કોણ છે?
ગ્રીન ઍનર્જીને કારણે શૅરોમાં 'હરિયાળી'
શુક્રવારે ઇન્ટરનેશનલ ક્લાયમેટ સમિટ 2021માં બોલતી વખતે રિલાયન્સના ચૅરમૅન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ભારતમાં 'હરિતક્રાંતિ' (અલબત્ત, ઊર્જાના સંદર્ભમાં) શરૂ થઈ ગઈ છે અને ભારત 100 ટકા ઊર્જાસ્વનિર્ભર બનવા તરફ અગ્રેસર છે.
તેમણે જાહેર કર્યું હતું કે જામનગર ખાતે પાંચ હજાર એકરમાં ફેલાયેલા 'ધીરુભાઈ અંબાણી ગ્રીન ઍનર્જી ગીગા કૉમ્પલેક્સ'માં આગામી ત્રણ વર્ષ દરમિયાન કંપની દ્વારા રૂ. 75 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.
જે 'વિશ્વની સૌથી મોટી ગ્રીન ઍનર્જી ફૅસિલિટીમાંથી એક' હશે. આ કૉમ્પલેક્સ ખાતે ફૉટોવૉલ્ટેનિક યુનિટ્સ, ઊર્જાના સંગ્રહ માટે આધુનિક બૅટરી, ગ્રીન હાઇડ્રૉજનના ઉત્પાદન માટે ઇલેક્ટ્રોસિસ પ્રક્રિયા તથા તેના રૂપાંતરણ માટેના સેલપ્લાન્ટ પણ ઉત્પાદિત થશે.
હાલમાં ગ્રીન હાઇડ્રૉજન લગભગ છથી સાડા છ ડૉલર પ્રતિકિલોગ્રામ મળે છે.
અંબાણીના મતે તેનો ભાવ આગામી એક દાયકામાં ઘટીને એક ડૉલર પ્રતિકિલોગ્રામ આવી જશે, તેવી સંભાવના વ્યક્ત કરી છે.
જેના કારણે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે કે જેવી રીતે રિલાયન્સે જિયોની ઓછા ભાવ દ્વારા વધુ ગ્રાહક મેળવવાની નીતિ અપનાવવામાં આવી હતી, તેનું પુનરાવર્તન આ ક્ષેત્રે પણ થઈ શકે છે.
કંપની વર્ષ 2035 સુધીમાં 'નેટ-ઝીરો' કાર્બન કંપની બનવા ધારે છે તથા 2030 સુધીમાં 100 મૅગાવૉટ પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોની ક્ષમતા સ્થાપિત કરવા માગે છે.
- કોરોનાકાળમાં ગુજરાતના રિયલ ઍસ્ટેટ માર્કેટમાં ક્યાંથી આવી રહ્યો છે ધૂમ પૈસો?
- ઍમેઝોન વિરુદ્ધ રિલાયન્સની એ લડાઈ જેમાં દાવ પર લાગ્યું છે ઈ-કૉમર્સનું ભવિષ્ય
ટેકનિકલ કારણ
રિલાયન્સના શૅરના ભાવો વધવાનું એક મહત્ત્વપૂર્ણ કારણ ટેકનિકલ માનવામાં આવે છે. જ્યારે કોઈ કંપનીના શૅરમાં અમુક સમય સુધી સળવળાટ જોવા ન મળ્યો હોય અને તે પોતાની અગાઉની ટોચની સપાટીને પાર કરે ત્યારે તેને સકારાત્મક રીતે જોવામાં આવે છે.
જેમાં શૅરના ભાવોની ગત 50 દિવસની સરેરાશ એ ગત 200 દિવસ દરમિયાન શૅરના ભાવની સરેરાશ કરતાં વધુ થાય, એવી જ રીતે ગત 20 દિવસ દરમિયાન શૅરના ભાવોની સરેરાશ, ગત 50 દિવસના ભાવની સરેરાશ કરતાં વધુ હોવી જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.
મારવાડી શૅર્સ ઍન્ડ ફાઇનાન્સ લિમિટેડના ઇક્વિટી રિસર્ચ હેડ જય ઠક્કરના કહેવા પ્રમાણે, "છેલ્લા ત્રણેક ક્વાર્ટરના કૉન્સોલિડેશન બાદ આ બ્રૅકાઉટ જોવા મળ્યું છે. એવું જણાય છે કે આગામી બે ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) કંપની માટે સકારાત્મક રહેશે."
આવી જ રીતે 'ઇકૉનૉમિક ટાઇમ્સ'દ્વારા 31 ઍનાલિસ્ટ (કે બ્રૉકરેજ ફર્મ)ના ડેટાનો સરેરાશ કાઢવામાં આવ્યો છે.
જે મુજબ, આગામી 12 મહિનાની અંદર તે રૂ. બે હજાર 830ની સપાટીને સ્પર્શે છે. 21 સ્ટૉક ઍનાલિસ્ટ ખરીદવાની 'ભલામણ કે ભારપૂર્વક ભલામણ' કરે છે. સાત ઍનાલિસ્ટ દ્વારા શૅરને જાળવી રાખવાની તથા ત્રણ દ્વારા શૅરને વેચવાની ભલામણ કરવામાં આવી છે.
અખબારના ડેટા પ્રમાણે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII, ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ) પાસે 27.33 ટકા, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII, ડોમૅસ્ટિગ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર) પાસે 6.18 ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે 4.69 ટકા તથા અન્યો પાસે 11.21 ટકા હિસ્સો છે.
- પાણી વેચીને મુકેશ અંબાણીથી અમીર બનનાર શખ્સ કોણ છે?
- એ યુદ્ધ જેમાં પાકિસ્તાની કમાન્ડો વિમાનમાંથી ભારતીય ધરતી પર ખેદાનમેદાન કરવા ઊતર્યા
મોદી સાથે મિત્રતાથી લાભનો આરોપ
મુકેશ અંબાણી ઉપર આરોપ લાગતા રહે છે કે તેઓ વર્તમાન નરેન્દ્ર મોદી સરકારની નજીક છે અને આ નિકટતાનો લાભ તેમની કંપનીને મળે છે. સરકાર તેને લાભ પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. છ લાખ કરોડની સંપત્તિને લાંબા પટ્ટા પર આપીને રૂ. દોઢ લાખ કરોડ ઊભા કરવા ધારે છે, એ અંગેની યોજનાનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં ઍરપૉર્ટ, રેલવે, રેલવે સ્ટેશન, ગૅસ પાઇપલાઇન, હાઈવે વગેરેને ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 70 વર્ષ દરમિયાન જે સરકારી સંપત્તિ ઊભી કરવામાં આવી હતી, તે ચુનંદા ઉદ્યોગપતિ મિત્રોને ભેટમાં આપી દેવામાં આવશે. જેના કારણે મૉનૉપોલી ઊભી થશે અને રોજગારની સમસ્યા થશે.
https://www.youtube.com/watch?v=pDW5-Ue4U5Q
તેમણે આરોપ મૂક્યો હતો કે મોદી બે-ત્રણ ઉદ્યોગપતિ મિત્રો માટે કામ કરી રહ્યા છે અને દેશ માટે નહીં.
એ પત્રકારપરિષદમાં તેમણે કોઈ ચોક્કસ ઉદ્યોગપતિ કે ઉદ્યોગગૃહનું નામ લીધું ન હતું, પરંતુ 2019ના રાહુલ ગાંધીના ચૂંટણીપ્રચાર અભિયાન તથા ત્યારબાદની પત્રકારપરિષદોને કારણે સ્પષ્ટ છે કે તેમનો ઈશારો અદાણી તથા અંબાણી (અલબત્ત, અનિલ અંબાણી જૂથ પણ) જૂથ તરફ હતો.
તેમણે આટલો મોટો નિર્ણય લેતા પહેલાં વિપક્ષને વિશ્વાસમાં ન લેવાનો પણ આરોપ મૂક્યો હતો. પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે આ વેચાણને 'ઉઘાડી લૂંટ' તથા 'બંધ કરતાં પહેલાં સેલ' ઠેરવ્યું હતું.
બ્લૂમબર્ગ માટે આર્થિક વિશ્લેષક ઍન્ડી મુખરજીએ લખ્યું કે વાયરલૅસ કૉમ્યુનિકેશનમાં બે મુખ્ય કંપનીઓ છે અને મુકેશ અંબાણીની કંપની તેમાંની એક છે.
જોકે ભાજપના નેતાઓ સરકાર પર ચોક્કસ ઉદ્યોગગૃહોની તરફેણમાં કામ કરવાના આરોપને નકારે છે.
અન્ય અબજપતિઓ
https://www.youtube.com/watch?v=1NlGyYZ_85A
2008માં વિભાજન બાદ અંબાણીભાઈઓની કુલ સંપત્તિ 100 અબજને પાર કરી ગઈ હતી. રિલાયન્સ કંપનીએ વર્ષ 2018માં 100 અબજ ડૉલરનું વૅલ્યૂએશન હાંસલ કર્યું હતું.
બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ શુક્રવારે, એમેઝોનના જેફ બેઝોસ 201 અબજ ડૉલરની સંપત્તિ સાથે ટોચ ઉપર હતા. ટેસ્લાના ઇલન મસ્ક 199 અબજ ડૉલર, લગ્ઝરી સામાન બનાવતી કંપનીના માલિક ફ્રાન્સના બર્નાર્ડ આર્નૉલ્ટ (164 અબજ ડૉલર) ત્રીજા ક્રમે, માઇક્રૉસૉફ્ટના સ્થાપક બિલ ગૅટ્સ (154 અબજ ડૉલર) ચોથા ક્રમે તથા ફેસબુકના માર્ક ઝકરબર્ગ (140 અબજ ડૉલર) પાંચમા ક્રમે હતા.
ગૂગલના લેરી પેજ તથા સર્ગેઈ બ્રિન 128 અબજ ડૉલર તથા 124 અબજ ડૉલરની સંપત્તિ સાથે અનુક્રમે છઠ્ઠા તથા સાતમા ક્રમે હતા. માઇક્રૉસૉફ્ટના પૂર્વ અધિકારી સ્ટિવ બૉલમેર 108 અબજ ડૉલરની સંપત્તિ સાથે આઠમા ક્રમે છે.
ઑરેકલના સ્થાપક લૅરી એલિસન 104 અબજ ડૉલરની સંપત્તિ સાથે નવમા ક્રમે છે. જ્યારે રોકાણકાર વૉરન બફેટ 103 અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે.
જો સોમવારના આંકડામાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન થાય તો મુકેશ અંબાણીનો વિશ્વના ટોચના 10 ધનાઢ્યોમાં સમાવેશ થશે અને તેઓ આઠમા ક્રમે પહોંચશે. હાલમાં સ્ટિવ બૉલમેર આ સ્થાન પર છે.
- મુકેશ અંબાણીએ દર કલાકે 90 કરોડની કમાણી કઈ રીતે કરી?
- અનિલ અંબાણીની 45 અબજ ડૉલરના માલિકમાંથી 'દેવાળિયા' બનવાની કહાણી
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=ZQ0V-WvIZ90
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો