• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદી ખેડૂતોના આક્રોશને સમજવામાં કેવી રીતે થાપ ખાઈ ગયા?

By BBC News ગુજરાતી
|

ખેડૂતોના આંદોલનને 50 દિવસ થઈ રહ્યા છે. આઠ તબક્કાની વાતચીત પછી અને સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલને અટકાવ્યો તે પછી પણ ખેડૂતોનો અસંતોષ દૂર થયો હોય તેમ લાગતું નથી.

ખેત પેદાશોના વેચાણ, કિંમત, સંગ્રહ અને વેપાર અંગેના મુક્ત બજારલક્ષી ત્રણ કાયદાઓને દૂર કરવા માટેની માગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ ત્રણેય કાયદાને રદ કરવાથી ઓછું કશું ખેડૂતોને ખપતું નથી.

આ માગણી પૂર્ણ ના થાય ત્યાં સુધી દિલ્હી ફરતે પ્રવેશસમા માર્ગો પર ધરણા કરીને બેસી ગયેલા ખેડૂતો પાછા હઠવા માગતા નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીય આગળ શું થશે તે અનિશ્ચિત છે.

સવાલ એ થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ભારતીય જનતા પક્ષની સરકાર આ કાયદાઓ સામે પ્રતિકાર થશે તેવું સમજવામાં કેમ થાપ ખાઈ ગયા? પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં સીધી અસર થવાની હતી ત્યાંની પ્રજાનો મિજાજ કેમ પારખી ના શક્યા?

શું પંજાબના સાથી પક્ષ અકાલી દળે શરૂઆતમાં કાયદાઓને સમર્થન આપ્યું હતું તેનાથી આવું થયું હતું? (અકાલી દળે બાદમાં વિરોધ કર્યો અને તેમના પ્રધાને સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું.) શું સરકાર એમ માનતી હતી કે કાયદાઓ પસાર કર્યા પછી જનસમર્થન અને લોકપ્રિયતામાં ખાસ કોઈ ફરક નહીં પડે?

https://twitter.com/bbcnewsgujarati/status/1348952313457729539

નરેન્દ્ર મોદીએ ટીકાકારો સામે આકરા પ્રહારો અને પગલાં લેવાની ઓળખ ઊભી કરી છે અને એવું મનાય છે કે જનતાનો મિજાજ શું છે તે ભાજપ સારી રીતે જાણતો હોય છે.

કોરોના મહામારી વચ્ચે ગત સપ્ટેમ્બરમાં સંસદમાં કાયદા પસાર થયા તે પહેલાંથી જ પંજાબમાં તેનો વિરોધ થવા લાગ્યો હતો.

રોષે ભરાયેલા ખેડૂતોએ રેલવેના પાટા પર બેસી ગયા હતા. ગત સપ્ટેમ્બરમાં અકાલી દળે સરકારનો સાથ છોડી દીધો.

આ રીતે વિરોધ શરૂ થઈ ગયો અને હવે તે વિશ્વનું સૌથી મોટું વિરોધપ્રદર્શન બની ગયું ત્યાં સુધી નરેન્દ્ર મોદી કેમ ગફલતમાં રહી ગયા?

https://twitter.com/bbcnewsgujarati/status/1348153508470599680

એક કારણ કદાચ એ છે કે અત્યાર સુધીમાં ક્યારેય નરેન્દ્ર મોદીની સરકાર સામે આવું કોઈ જન આંદોલન થયું નથી.

2015માં ગુજરાતમાં અનામતની માગણી સાથે પટેલોએ આંદોલન શરૂ કર્યું હતું, જે ચારેક વર્ષ સુધી ચાલતું રહ્યું હતું.

દિલ્હીમાં મુસ્લિમ મહિલાઓ તેમના મહોલ્લા નજીક વિવાદાસ્પદ નાગરિક સુધારા ધારા (સીએએ) સામે ધરણામાં બેસી ગઈ હતી. જોકે કોરોના મહામારીના પગલે માર્ચમાં દેખાવકારોને ત્યાંથી હટાવી દેવાયા હતા. પરંતુ આ વિરોધો અત્યારે ખેડૂતોના વિરોધ આંદોલન જેટલા વ્યાપક થઈ શક્યા નહોતા.


હાલનું આંદોલન ઘણી રીતે જુદું

"મોદી પરિસ્થિતિને સમજી ના શક્યા એમ મને લાગતું નથી, કેમ કે પંજાબમાં વિરોધ પ્રદર્શનો વિશે તેઓ ખાસ જાણતા નથી. મને લાગે છે કે જન આંદોલનને સંભાળવાનો અનુભવ તેમને નથી, તેના કારણે તેઓ અતિ આત્મવિશ્વામમાં રહી ગયા છે." એમ નાગરિક અધિકારોના કાર્યકર્તા પ્રોફેસર પરમિન્દર સિંહ કહે છે.

બીજું, ભારતના ઇતિહાસમાં થયેલા વિરોધપ્રદર્શનો કરતાં હાલનું આંદોલન ઘણી રીતે જુદું છે.

બ્રિટિશ સામ્રાજ્ય વખતે શોષણ વિરુદ્ધ જ્યારે પણ ખેડૂત આંદોલન થયા ત્યારે તે હિંસક બન્યા હતા.

1947માં આઝાદી પછી ખેડૂતો પાક નિષ્ફળ જાય, માથે દેવું થાય અને આફત આવે ત્યારે વિરોધપ્રદર્શનો કર્યા છે. પરંતુ તે આંદોલન અત્યારે બન્યા છે તે રીતે વ્યાપક બન્યા નહોતા.

હાલ ચાલી રહેલા આંદોલન સાથે 40 જેટલા કિસાન સંગઠનો, અનેક નાગરિક સંસ્થાઓ અને પાંચ લાખથી વધુ દેખાવકારો જોડાઈ ગયા છે.

પ્રમાણમાં સમૃદ્ધ કૃષિ ધરાવતા પંજાબમાંથી વિરોધની શરૂઆત થઈ હતી. પંજાબ અને પડોશી રાજ્ય હરિયાણાના ખેડૂતોને અત્યાર સુધી કૃષિ નીતિનો સૌથી વધુ લાભ મળતો રહ્યો છે.

પરંતુ ખેતીની આવક સ્થગિત થઈ ગઈ છે અને ઘટવા લાગી છે તેનાથી ખેડૂતોમાં હતાશા આવી છે અને તેમને ભય છે કે ખેતીમાં ખાનગી વેપારીઓ ઘૂસશે તેનાથી તેમનું ભવિષ્ય બરબાદ થઈ જશે.

ભારતમાં કૃષિ ક્ષેત્રમાં અનેક સમસ્યાઓ છે અને તે બધાની ચિંતાના મુદ્દા પણ આંદોલનમાં જોડાઈ ગયા છે. ખેતરો નાના થવા લાગ્યા છે, ઉત્પાદન ઘટવા લાગ્યું છે, ઉપજના ભાવોમાં અનિશ્ચિતતા વધી છે અને ખેતીને લગતી બાબતો મુખ્યત્વે રાજ્યો સંભાળતા હતા, ત્યાં હવે કેન્દ્રીય સ્તરે કાયદાઓ થવા લાગ્યા છે - આ બધી સમસ્યાઓ ખેડૂતોને સતાવી રહી છે.

"માત્ર અસંતોષને કારણે વિરોધ થઈ રહ્યો છે એવું નથી. તેમાં સરકાર પર ભરોસાનો અભાવ અને સત્તાના કેન્દ્રીકરણના મામલા પણ સામેલ થઈ ગયા છે." એમ અશોકા યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર પ્રતાપ ભાનુ મહેતા કહે છે.

વિરોધપ્રદર્શનના સ્થળે સરકાર સામે લડી લેવાનો જોશ દેખાઈ રહ્યો છે. "આ લોકો તેને પોતાના અધિકારો માટેની ક્રાંતિ તરીકે ગણાવી રહ્યા છે." એમ ટ્રોલી ટાઇમ્સના એક તંત્રી સરમીત માવી કહે છે. આ અખબાર ધરણાંના સ્થળેથી જ પ્રગટ થઈ રહ્યું છે.

તેઓ કહે છે, "શક્તિશાળી સરકાર સામે ડર્યા વિના લડી લેવાની લાગણી લોકોમાં જાગી છે."

અત્યાર સુધી ખેડૂતો વિશે અમુક ધારણાઓ બાંધી લેવામાં આવી છે. ખેડૂત અર્ધશિક્ષિત હોય, સંઘર્ષ કરનાર હોય, ધૂળઢેફાંમાં મહેતન કરનારો હોય તેવી છાપ છે.

સાચી વાત એ છે કે 15 કરોડ જેટલા ખેડૂત પરિવારો દેશમાં છે તેમાં ઘણું વૈવિધ્ય છે - કેટલાક મોટા ખેડૂતો છે, કેટલાક નાના; કેટલાક જમીન માલિકો છે, જ્યારે મોટી સંખ્યામાં ખેતમજૂરો છે.

તેના કારણે એવી વાતો ફેલાવાઈ કે આ ખેડૂતો તો અહીં બેસીને પીત્ઝા ખાઈ રહ્યા છે. તેના પર સોશિયલ મીડિયામાં મજાકો થઈ કે શું આ લોકો ખેતરમાં કામ કરનારા છે. આના પરથી એ પણ દેખાઈ આવ્યું કે શહેરીજનો ગામડાંમાં વસતા પોતાના દેશબાંધવોથી કેટલા કપાઈ ગયા છે.


બોલકો મધ્યમ વર્ગ

મોદી સરકાર અને ઘણા બધા લોકો એ વાત સમજી ના શક્યા કે વિરોધ કરનારા ખેડૂતોમાંથી મોટી સખ્યામાં શહેરી જીવન સાથે સંકળાયેલા છે.

આ ખેડૂતોના સંતાનો આર્મી અને પોલીસમાં સેવા આપી રહ્યા છે. તેઓ અંગ્રેજી બોલી શકે છે, સોશિયલ મીડિયામાં સક્રિય છે અને વિદેશમાં તેમના સગા છે અને વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે.

વિરોધ પ્રદર્શનના સ્થળ સુંદર આયોજન થયું છે. દવાખાના ખોલી દેવાયા છે, ઍમ્બ્યુલન્સ હાજર હોય છે, રસોડા અને લંગર ધમધમી રહ્યા છે.

લાયબ્રેરી બની છે, અખબારો આવે છે અને રમતગમત યોજાઈ રહી છે. શહેરોમાં વિરોધપ્રદર્શનો થાય ત્યારે તેને મીડિયામાં તમાશો બનાવી દેવાય અને મૂળ મુદ્દો ભૂલાવી દેવાય તેવું જોખમ પણ ઊભું થયેલું છે.

"આ ખેડૂતો ભારતના મધ્યમ વર્ગની ભાષા બોલી રહ્યા છે. તેઓ કહે છે કે અમે દેશપ્રેમીઓ છીએ અને અમારા હકો માટે લડી રહ્યા છીએ," એમ ઇતિહાસકાર મહેશ રંગરાજન કહે છે.

સામાન્ય રીતે દુકાળ કે આપત્તિ વખતે થતા હોય તેવા પ્રકારનો આ વિરોધ નથી. તેવા વિરોધને સરકાર સફળતાપૂર્વક દૂર કરી શકતી હોય છે.

વક્રતા એ છે કે આ આંદોલન પંજાબમાં થઈ શકેલી કૃષિ ક્રાંતિને કારણે થયું છે. આ રાજ્યને સરકારની ઘઉં અને ડાંગરની સબસિડીનો, સરકારી ધોરણે ચાલતી મંડીનો અને ટેકાના ભાવોનો સૌથી વધુ લાભ મળ્યો છે.

પરંતુ આજે આ વ્યવસ્થા જ પંજાબ માટે નડતરરૂપ બની રહી છે. ઘઉં અને ડાંગરનું મોટા પાયે ઉત્પાદન થતું હોવાથી તેનો ભરાવો થાય છે. પાણીના તળ ઊંડા જવા લાગ્યા છે અને આવક સ્થગિત થઈ ગઈ છે.

"સારી ખેતી થવા લાગી તે પછી આગળ વધીને પર્યાવરણ સંતુલન જાળવનારી કૃષિ તરફની ગતિ અને ઔદ્યોગિકીકરણ તરફની પ્રક્રિયા પંજાબમાં થઈ શકી નથી એ મોટો પડકાર છે" એમ પ્રોફેસર મહેતા કહે છે.

ભારતના 85% કરતાં વધુ ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે. તેઓ કુલ 47% જેટલી જમીન પર ખેતી કરે છે. સરકાર અને ખેડૂતો બંને કહે છે કે કૃષિ ક્ષેત્રે સુધારાની જરૂર છે, પણ કેવી રીતે સુધારા કરવા તેની સહમતી થઈ શકી નથી.

"ઉકેલ આવી શકે તેમ છે, પરંતુ ખેડૂતોને આ સરકાર પર ભરોસો રહ્યો નથી" એમ પ્રોફેસર મહેતા કહે છે. સમસ્યાનું મૂળ જ આ મુદ્દામાં રહેલું છે.https://www.youtube.com/watch?v=QnQnGph26eA

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
How did Narendra Modi fail to understand the aggression of the farmers?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X