UPSC પાસ કરવા ઉમેદવારોએ કેવી રીતે તૈયારી કરવી જોઈએ? ગુજરાતના ટૉપર પાસેથી જાણો
24 સપ્ટમ્બરે જાહેર થયેલા UPSC પરીક્ષાના પરિણામમાં સુરતના કાર્તિક જીવાણી ભારતમાં આઠમા ક્રમે છે, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી છે.
તેઓ મૂળે ભાવનગર જિલ્લાના છે, પણ ઘણાં વર્ષોથી તેમનો પરિવાર સુરતમાં વસે છે.
અગાઉ જ્યારે તેમણે આઈપીએસની પરીક્ષા પાસ કરી ત્યારે બીબીસીએ તેમની સાથે વાત કરી હતી. તેમણે પરીક્ષાન તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેની કેટલીક ટિપ્સ આપી હતી.
"જ્યારે સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો, ત્યારે ટૉપ કરનારાઓ વિશે અખબારમાં વાંચતો હતો, અને ઇચ્છા થતી કે હું પણ ટૉપ કરી શકીશ. અને આજે સફળતા મળી ગઈ. પૅશન હોય તો સક્સેસ જરૂર મળે છે."
ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરના કાર્તિક જીવાણીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં ગુજરાતમાં અવ્વલ આવ્યા બાદ આ પ્રતિક્રિયા આપી હતી.
કાર્તિક જીવાણીએ યુપીએસસી-2018માં સમગ્ર દેશમાં ટૉપ-100 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે.
તેમણે યુપીએસસી-2018માં ઑલ ઇન્ડિયામાં 94મો રૅન્ક મેળવ્યો છે. જે ગુજરાતમાં સૌથી મોખરે છે.
તાજેતરમાં જ યુપીએસસીનાં પરિણામો જાહેર થયાં છે. આ પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓને આઈએએસ, આઈપીએસ અને અનેક કેન્દ્રીય સેવાઓ માટે પસંદ કરવામાં આવે છે. જેમાં તેઓ આઈએએસ, આઈપીએસ સહિતનાં ક્ષેત્રોમાં સેવા આપી શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર આ વખતે ગુજરાતમાંથી 18 કૅન્ડિડેટ યૂપીએસસીમાં પાસ થયા છે.
કોણ છે કાર્તિક જીવાણી?
કાર્તિક નાગજીભાઈ જીવાણી મિકૅનિકલ એન્જિનિયર છે અને આઈઆઈટી-બૉમ્બેમાંથી ગ્રૅજ્યુએટ થયા છે.
આ અગાઉ તેમણે એક જ વર્ષમાં ઇન્ડિયન એંજિનિયરિંગ સર્વિસમાં ઑલ ઇન્ડિયા રૅન્ક-101 અને ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસમાં ઑલ ઇન્ડિયા રૅન્ક-3 મેળવ્યો હતો.
તેમના પિતા ડૉ. નાગજીભાઈ જીવાણી સુરતમાં પૅથૉલૉજી લૅબોરેટરી ધરાવે છે. જ્યારે માતા હંસાબહેન જીવાણી ગૃહિણી છે.
તેમનું શાળાકીય શિક્ષણ સુરતમાં જ થયું છે અને વળી સિવિલ સર્વન્ટ બનવાની પ્રેરણા પણ તેમને સુરત શહેરમાં ફરજ બજાવતા એક આઈએએસ અધિકારી તરફથી જ મળી હતી.
'સેલ્ફ સ્ટડી અને ઇન્ટરનલ મોટિવેશન'
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કાર્તિક જીવાણીએ કહ્યું, "સફળતામાં મારું ઇન્ટરનલ મોટિવેશન ઘણું નિર્ણાયક રહ્યું. હું મારી સફળતાનો શ્રેય મારાં માતાપિતા અને ઈશ્વરને આપું છું."
મિકૅનિકલ એંજિનિયરિંગ કર્યા બાદ કોઈ કંપનીમાં નોકરીની જગ્યાએ સિવિલ સેવામાં કેમ ઝંપલાવ્યું એ વિશે પૂછતાં તેમણે કહ્યું કે 1995ની આસપાસ સુરતમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈએએસ અધિકારી એસ. આર. રાવની નિમણૂક થઈ હતી અને તેમની કામગીરીથી તેઓ ઘણા પ્રેરાયા છે.
"મારાં માતાપિતા મને આઈએએસ અધિકારી એસ. રાવની કામગીરી વિશે કહેતા અને તેમણે શહેરમાં જે કામગીરી કરી તેનાથી હું પ્રભાવિત થયો હતો. અહીંથી મારા મનમાં આઈએએસ બનવાની ઇચ્છા જન્મી."
"ઉપરાંત હું પોતે મિકૅનિકલ એંજિનિયર છું એટલે ભારત સરકારમાં ઘણા એવા ટેકનૉલૉજિકલ વિભાગો છે, જેમાં હું મારી સ્કિલ્સનો ઉપયોગ કરી શકું છું. આથી મેં સિવિલ સર્વિસમાં ઝંપલાવ્યું હતું."
તૈયારી કઈ રીતે કરી અને પડકારો શું રહ્યા?

દેશભરમાંથી લાખો ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે અને તેમાંથી ઘણા ઓછા ઉમેદવારો પરીક્ષાના ત્રણેય તબક્કા પસાર કરી શકતા હોય છે.
યૂપીએસસીમાં પહેલાં પ્રાથમિક (પ્રિલિમિનરી) પરીક્ષા, પછી મેઇન્સ અને ઇન્ટરવ્યૂ એમ ત્રણ તબક્કા રહેતા હોય છે.
પોતાની તૈયારી વિશે કાર્તિક કહે છે, "મેં કોઈ કોચિંગ નથી લીધું માત્ર સેલ્ફ સ્ટડી કર્યો છે. માત્ર ઇન્ટરવ્યૂની તૈયારી માટે દિલ્હીમાં એક અઠવાડિયાનું સેશન લીધું હતું."
"સરેરાશ 8-10 કલાકનું વાંચન કર્યું છે અને જેટલું પણ વાંચ્યું તેને બરાબર રિવાઇઝ કર્યું હતું. જ્યારે કંટાળો આવે તો મોટિવેશનલ વીડિયો અને ફિલ્મ જોતો હતો."
"મેં કૉલેજના ચોથા વર્ષથી જ તૈયારીઓ શરૂ દીધી હતી. મારા પરિવારમાં કોઈ આઈએએસ કે આઈપીએસ અધિકારી નથી, આથી તૈયારી મેં જાતે જ કરી છે. કેટલાક સિનિયર્સ પાસેથી સલાહ-સૂચન લીધાં હતાં."
તેમણે વધુમાં કહ્યું, "પરીક્ષામાં માત્ર 3 કલાકમાં 60 પૅજ જેટલું લખાણ લખવાનું આવે છે. મારી લખવાની સ્પીડ ઓછી હોવાથી મેં 20-25 ટેસ્ટ-પેપરની મદદથી પ્રૅક્ટિસ કરી અને સ્પીડ વધારી દીધી."
"રાત્રે ઊંઘ ઓછી આવવાવી સમસ્યા શરૂ થઈ તો આયુર્વેદિક દવાની મદદથી તેનો ઉકેલ કર્યો હતો. બને એટલો સ્ટ્રેસ ઓછો લેવાની કોશિશ કરવી એ મહત્ત્વનું છે."
ગુજરાતના ઉમેદવારો માટે ટિપ્સ
ગુજરાત રાજ્યમાંથી પણ દર વર્ષે સંખ્યાબંધ ઉમેદવારો યૂપીએસસીની પરીક્ષા આપે છે. કહેવાય છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ભાષા એક મોટો પડકાર રહેતો આવ્યો છે.
આ વિશે કાર્તિક કહે છે, "ગુજરાતમાં શફીન હસન નામના ઉમેદવારે ગુજરાતીમાં જ પરીક્ષા આપીને સફળતા મેળવી હતી. એટલે એવું નથી કે અંગ્રેજીવાળાને કોઈ ઍડ્વાન્ટેજ મળે છે."
"મારો ઑપ્શનલ વિષય મિકૅનિકલ એંજિનિયરિંગ હતો. તમે તૈયારી કરો અને ધીરજ રાખો તો સફળતા મળી શકે છે."
અત્રે નોંધવું રહ્યું કે કાર્તિક જીવાણીએ બીજા પ્રયાસમાં પરીક્ષા પાસ કરી છે. પ્રથમ પ્રયાસ વખતે સ્વાસ્થ્યની સમસ્યાને કારણે તેઓ સારું પર્ફૉર્મન્સ નહોતા કરી શક્યા.
કાર્તિક કહે છે, "ગુજરાતમાં સ્પિપા સેન્ટર છે. વળી સુરતમાં પણ તેનું એક કેન્દ્ર છે. તો શહેરના વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે છે. જ્યાં સુધી ગુજરાતી માધ્યમની વાત છે, તો તેમાં સ્ટડી મટીરિયલ મર્યાદિત હોવાથી થોડી મુશ્કેલી પડી શકે છે."
"ઇંગ્લિશમાં ઘણું મટીરિયલ ઉપલબ્ધ હોય છે. મેં પરીક્ષા અને ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં જ આપ્યાં હતાં."
"જોકે, એક વાત કહીશ કે ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારો સામે વધુ પડકારો હોઈ શકે છે. તે વિવિધ પ્રકારના હોઈ શકે છે."
"ધીરજ અને મોટિવેશન સતત મદદરૂપ રહે છે."
દેશના રાજકારણ અને બ્યૂરોક્રસી વિશે જણાવતા કાર્તિક કહે છે, "કોઈ પણ પ્રકારનો મોટો બદલાવ એક જ રાતમાં નથી આવી શકતો. સતત પ્રયાસ કરતું રહેવું પડે છે. સ્થિતિ જરૂર સુધરી શકે છે. "
"જ્યાં સુધી ગવર્નન્સની વાત છે તો કેટલીક કમી છે, જેને સુધારવાની જરૂર છે. હું પોતે મારી સંપૂર્ણ ક્ષમતા મુજબ આ દિશામાં કામ કરીશ."
પુરુષ-મહિલા સમાનતા વિશે તેમણે કહ્યું, "આ સમયે મહિલાઓ દરેક ક્ષેત્રમાં એક ઉચ્ચકક્ષાનું પર્ફૉર્મન્સ આપી રહ્યાં છે. હવે સમય બદલાઈ રહ્યો છે. આશા રાખું છું આ પ્રકારના ભેદભાવ દૂર થઈ શકશે."
'બીબીસીની ડૉક્યુમૅન્ટરી પસંદ છે'
કાર્તિકને જ્યારે પૂછ્યું કે એક વ્યક્તિ તરીકે તેમને શું પસંદ છે. તેમની હૉબી શું છે. તેના વિશે તેમણે કહ્યું કે તેમને ટીચિંગ કરાવવું ગમે છે અને વાઇલ્ડ લાઇફ ડૉક્યુમૅન્ટરી જોવી ઘણી પસંદ છે.
"હું બીબીસી અર્થના પ્રોગ્રામ પણ જોઉં છું અને ડેવિડ એટનબરોની ડૉક્યુમૅન્ટરી મને પસંદ છે. હું ફિલ્મો પણ નિહાળું છું."
બીબીસીએ કાર્તિકના પિતા સાથે પણ વાતચીત કરી.
આ વાતચીતમાં તેમના પિતા ડૉ. જીવાણીએ કહ્યું, "દીકરા પર ગર્વ છે. અને અમે ઘણા ખુશ છીએ. તેણે મહેનત કરી અને સફળતા મળી છે."
https://www.youtube.com/watch?v=Xl1KlKk7CUY
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો