આ વર્ષે કેવુ રહેશે ચોમાસું? જાણો શું કહે છે હવામાન એજન્સી?
નવી દિલ્હી, 22 જાન્યુઆરી : ગત ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ બાદ ભારતીય હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓએ આ વર્ષે ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે જણાવ્યું કે વર્તમાન વેધર પેટર્ન 'લા નીના'ના કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે આ વર્ષે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે. હાલમાં લા નીના નબળી સ્થિતિમાં છે અને તે મે સુધીમાં તટસ્થ બની જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના ડેટા પર નજર કરીએ તો આ સતત ચોથું વર્ષ હશે, જ્યારે દેશમાં ચોમાસું સામાન્ય રહી શકે છે.

ચોમાસું ક્યારે સામાન્ય કહેવાય છે?
સ્કાયમેટે સોમવારે પોતાનો રિપોર્ટ જાહેર કરતા કહ્યું કે 2020 અને 2021 વચ્ચે લા નિનાનો અભ્યાસ કર્યા બાદ આપણે કહી શકીએ કે સામાન્ય ચોમાસાની શક્યતાઓ બની રહી છે. તમને જણાવી દઈએ કે ચોમાસાની સિઝનને સામાન્ય માનવામાં આવે છે જ્યારે લાંબા ગાળાના સરેરાશ વરસાદના 96 થી 104 ટકા વરસાદ નોંધવામાં આવે છે.

અત્યારે આગાહી કરવી ખૂબ જ વહેલી - IMD
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ઓપી શ્રીજીતે કહ્યું કે, 'હવામાન સાથે સંબંધિત કેટલાક મોડલના આધારે અંદાજ લગાવી શકાય છે કે લા નીનાની સ્થિતિ નબળી પડશે. જો કે, કેટલાક મોડલ એવા પણ સંકેત આપી રહ્યા છે કે લા નિના મજબૂત થઈ શકે છે. તેથી આગાહી કરવી ખૂબ જ વહેલું છે કારણ કે કેટલાક અન્ય પરિબળો છે જેના આધારે પરિસ્થિતિ એપ્રિલ-મે સુધીમાં જ સ્પષ્ટ થશે. ભારતીય હવામાન વિભાગ સામાન્ય રીતે એપ્રિલમાં હવામાનની આગાહી જારી કરે છે.

ઘણા પાકોનું ઉત્પાદન ચોમાસા પર આધાર રાખે છે
નોંધનીય છે કે દેશમાં કુલ વરસાદના 90 ટકા વરસાદ ચોમાસાની મોસમ દરમિયાન જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે પડે છે અને ઘઉં, ચોખા અને શેરડી જેવા મહત્વપૂર્ણ પાકોનું ઉત્પાદન આ ચોમાસા પર આધારિત છે. વિશ્વભરમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ એક દાયકાના સર્વોચ્ચ સ્તરે છે, ત્યારે ભારતમાં ફુગાવો પણ સામાન્ય માણસ માટે મોટી સમસ્યા છે.

નબળા ચોમાસાના ગેરફાયદા શું છે?
સામાન્ય ચોમાસાની આગાહી આર્થિક મોરચે રાહતના સમાચાર છે. સામાન્ય ચોમાસું પણ મહત્વનું છે કારણ કે આપણા દેશની લગભગ 60 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે. આવી સ્થિતિમાં જો ચોમાસું નબળું રહેશે તો અપૂરતા વરસાદની અસર સીધી ઉપજ પર પડે છે અને ખાદ્યતેલ સહિતની ખાદ્ય ચીજોની આયાત અને ભાવમાં કટોકટી સર્જાય છે.