મહિલા ડોક્ટર સાથેની ઘટના બાદ હૈદરાબાદ મેટ્રોએ ભર્યું મોટું પગલુ
તેલંગાણાના હૈદરાબાદમાં 26 વર્ષની મહિલા ડોક્ટરની ગેંગરેપ બાદ હત્યા કરાતા મહિલાઓની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા છે. આ ઘોર ઘટના બાદ અનેક સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વકીલોએ વિરોધ નોંધાવ્યો છે અને ગેંગરેપના આરોપીને ફાંસીની માંગ કરી છે. તે જ સમયે, કેટલીક મહિલાઓ કહે છે કે પુરુષોએ સાંજે 7 વાગ્યા પછી પોતાનું ઘર ન છોડવું જોઈએ કારણ કે તેઓ આ સ્થિતિ માટે જવાબદાર છે. વિરોધ અને વિવિધ માંગણીઓ વચ્ચે હૈદરાબાદ મેટ્રો રેલ લિમિટેડે મહિલાઓની સુરક્ષા તરફ એક મોટું પગલું ભર્યું છે.

હૈદરાબાદ મેટ્રોમાં પેપર સ્પ્રે લઇ જવાની છુટ
મહિલા સુરક્ષાને લઇને સુરક્ષા કર્મચારીઓને એચએમઆરએલ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. મહિલા મુસાફરોને ટ્રેનમાં પેપર સ્પ્રે લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે. બેંગલુરુ મેટ્રોમાં પહેલાથી જ મહિલાઓને પેપર સ્પ્રે લઇ જવાની મંજૂરી આપવામાં આવી છે. એચએમઆરએલના મેનેજિંગ ડિરેક્ટર એનવીએસ રેડ્ડીએ કહ્યું કે, અમે મેટ્રો સ્ટેશન પર તૈનાત અમારા સુરક્ષા કર્મચારીઓને સૂચના આપી છે કે મહિલાઓને મેટ્રોમાં પેપર સ્પ્રે લઇ જવા દેવામાં આવે.

આત્મરક્ષણને ધ્યાનમાં રાખી આપી પરવાનગી
આત્મરક્ષણને ધ્યાનમાં રાખીને મહિલાઓને આ પરવાનગી આપવામાં આવી રહી છે. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે સામુહિક બળાત્કાર બાદ જે રીતે તેની હત્યા કરવામાં આવી હતી તેના પગલે મહિલાઓની સલામતી અંગે સરકારના દાવા પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ ઘટના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મહિલાઓને તેમની સલામતીની ચિંતા છે. સંસદમાં પણ હૈદરાબાદ ગેંગ રેપ-મર્ડરની ઘટનાની પડઘો પડ્યો હતો. જયા બચ્ચને રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જયા બચ્ચને ત્યારે કહ્યું હતું કે આ મામલે વહીવટી તંત્રની પૂછપરછ કેમ ન થવી જોઈએ. અન્ય કેટલાક સાંસદોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા વિરૂદ્ધ દેખાવો ચાલુ
આ કેસમાં કોર્ટે તમામ આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. જ્યારે આ મામલે સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે. મદદનીશ વેટરનરી સર્જન તરીકે, એક મહિલા ડોક્ટરએ બે વર્ષ પહેલાં સ્થાનિક હોસ્પિટલમાં કામ શરૂ કર્યું હતું. તેલંગાણાના શાદનગરની સીમામાંથી મહિલા ડોક્ટરની સળગેળી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતની તપાસમાં તે મહિલા ડોક્ટરની હત્યા પહેલા ગેંગરેપ થયો હોવાનું બહાર આવ્યું હતું.